હિટ ફિલ્મ માટે હીરો નહીં, કહાણી જરૂરી

વિદ્યા બાલન બોલિવૂડની એ અભિનેત્રીઓમાં સામેલ છે, જેના ખભે તે આખી ફિલ્મનો ભાર ઊંચકી શકે છે. કોઇ પણ નિર્માતા તેના દમ પર ફિલ્મ સફળ બનાવવાનું જોખમ લઇ શકે છે. વિદ્યાએ બોલિવૂડના પરંપરાગત રૂઢિવાદને તોડતાં એ સાબિત કરી દીધું છે કે ફિલ્મને હિટ કરવા કોઇ હીરોની નહીં, પરંતુ સારી કહાણી અને સશક્ત અભિનયની જરૂર હોય છે. લગ્ન બાદ ગણીગાંઠી ફિલ્મો સ્વીકારનારી વિદ્યા હિન્દી ઉપરાંત મરાઠી ફિલ્મોમાં પણ અભિનય કરી રહી છે. તે એક મરાઠી ફિલ્મ અલબેલામાં કામ કરી રહી છે. તે કહે છે કે મારા માટે ભાષાની કોઇ સમસ્યા નથી. સમસ્યા છે તો માત્ર સારી કહાણીઓ. મને જે ભાષામાં સારી કહાણીવાળી ફિલ્મો મળશે તે હું જરૂર કરીશ. ફિલ્મ અલબેલા અભિનેતા અને નિર્દેશક દાદા ભગવાનના જીવન પર આધારિત છે , જેમાં મારી ખાસ ભૂમિકા છે. આ ફિલ્મમાં હું વીતેલા જમાનાની અદભુત અભિનેત્રી ગીતા બાલીની ભૂમિકામાં જોવા મળીશ.

વિદ્યા ટીઇ3એન નામની ફિલ્મ પણ કરી રહી છે, જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને નવાઝુદીન સિદ્દિકી જેવા અભિનેતાઓ હશે. આ ઉપરાંત વિદ્યા મહેશ ભટ્ટ પ્રોડક્શનની બેગમ જાન નામની ફિલ્મ કરી રહી છે. તે બંગાળી ફિલ્મ રાજકાહિનીની રિમેક છે, તેમાં કેન્દ્રીય ભૂમિકા એક વેશ્યાલયની માલકિનની છે, જેનું નામ બેગમ જાન છે. મૂળ ફિલ્મમાં રિતુપર્ણો સેન ગુપ્તાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિદ્યાને આ રોલ ઓફર કરાયો છે. ફિલ્મમાં અન્ય અભિનેત્રીઓ પણ છે, જેનું કાસ્ટિંગ હજુ બાકી છે. થોડા સમય પહેલાં વિદ્યાએ સુજોય ઘોષની દુર્ગા રાની સિંહ માટે ના કહેવી પડી. તે કહે છે કે મને પણ સુજોયની એ ફિલ્મ છોડીને દુઃખ થયું, પરંતુ મારી પાસે કોઇ વિકલ્પ ન હતો. મારે ના કહેવી જ પડી. અમે એક સાથે કહાની ફિલ્મમાં કામ કર્યું હતું.

You might also like