ચીનની નીતિમાં મોટો બદલાવઃ પ્રથમ વાર પીઓકેને ભારતનો ભાગ બતાવ્યો

નવી દિલ્હી: ભારતને લઇને ચીનની નીતિમાં મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. ચીને પ્રથમ વાર પાક. હસ્તકના કાશ્મીર (પીઓકે) ભારતનો ભાગ હોવાનું જણાવ્યું છે. સરકારી ચેનલ સીજીટીએનએ પોતાના રિપોર્ટિંગ દરમિયાન પીઓકેને ભારતના નકશામાં બતાવ્યું હતું. અત્યાર સુધી ચીન પીઓકેને પાકિસ્તાનનો ભાગ બતાવતું હતું અને ભારત તેની આ નીતિનો સખત વિરોધ કરતું હતું.

ચીનની સરકારી ચેનલ સીજીટીએનએ પાકિસ્તાનના ઉચ્ચ સુરક્ષા ધરાવતા શહેર કરાચીમાં ચીની વાણિજ્ય દૂતાવાસ પર થયેલ આત્મઘાતી હુુમલાના સમાચાર પ્રસારિત કરતી વખતે પીઓકેને ભારતના નકશામાં દર્શાવ્યું હતું એટલું જ નહીં આ નકશામાં સમગ્ર જમ્મુ-કાશ્મીરને ભારતીય પ્રદેશ તરીકે દર્શાવવામાં આવ્યું હતું.

જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ચેનલે આ પગલું કોઇ ખાસ નીતિ હેઠળ ઉઠાવ્યું છે કે ભૂલથી. જોકે માહિતગાર સૂત્રોનું માનવું છે કે ચીનની સરકારી ચેનલ આ પ્રકારની ભૂલ કરી શકે નહીં. ચેનલ પર સરકારના નિર્દેશ વગર આ પ્રકારે પીઓકેને ભારતનો ભાગ દર્શાવવો શકય નથી.

પીઓકેને ભારતનો ભાગ માનવાની નીતિથી ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડો (સીપીઇસી) પ્રોજેકટ પર પણ અસર પડી શકે છે. આ કોરિડોરનો મોટો ભાગ પીઓકેમાંથી પસાર થાય છે. ભારતે આ પ્રોજેકટ પર ચીન અને પાકિસ્તાન સમક્ષ અનેક વખત વાંધો ઉઠાવ્યો છે. આ પ્રોજેકટ પહેલાં પણ ચીને પીઓકેમાં મોટું મૂડીરોકાણ કર્યંુ છે જેના પર ભારત વિરોધ વ્યકત કરી ચૂકયું છે.

દુનિયાભરમાં એકલું અટૂલું પડી રહેલ પાકિસ્તાન સાથે ચીનની વધતી જતી નિકટતાના સમયમાં તેની નીતિમાં આ મોટા બદલાવનો સંકેત મળી રહ્યો છે. પોતાના અધિકારીઓની સુરક્ષાને લઇને ચિંતિત ચીને પાકિસ્તાનને આ દ્વારા એક કડક સંદેશ આપવાની કોશિશ કરી છે.

You might also like