લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર દિવ્યાંગ મતદાન મથક ઊભાં કરાશે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: આગામી લોકસભા ચૂંટણીમાં અમદાવાદમાં બે જગ્યાએ આદર્શ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તમામ સુવિધા મતદારો માટે ઉપલબ્ધ કરાશે. દિવ્યાંગ મતદાન મથક ઉપર માત્ર વહીવટી સ્ટાફ દિવ્યાંગકર્મી હશે. દરેક વિધાનસભાદીઠ એક દિવ્યાંગ મતદાન મથક બનાવાશે એટલે અમદાવાદ સહિત રાજ્યભરમાં કુલ ૧૮ર દિવ્યાંગ મતદાન મથક આગામી ચૂંટણીમાં પહેલી વાર દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ હશે. આ મતદાન મથકનાં લોકેશન ટૂંક સમયમાં જાહેર કરાશે.

દિવ્યાંગ અને વિકલાંગ મતદારો માટે વ્હીલચેર તેમજ સહાયકની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. દિવ્યાંગ મતદારને સહાયક લઇને મતદાન મથક સુધી જશે. જે પછી મતદારને બ્રેઇન‌િલ‌િપવાળું બેલેટ પેપર અપાશે. મહિલાઓના મતદાન મથકમાં મહિલાકર્મી હશે તે જ રીતે દિવ્યાંગ મતદાન કેન્દ્રમાં દિવ્યાંગ વહીવટીકર્મીઓ હશે, સાથે-સાથે ચૂંટણીપંચ દ્વારા દરેક મતદાન મથક પર બ્રેઇન‌િલ‌િપ યુનિટની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે વિકલાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરશે, જેના માટે મતદાતાએ અગાઉથી ર‌િજસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. દિવ્યાંગ માટે બ્રેઇન‌િલ‌િપવાળા બેલેટમાંથી ઉમેદવારનું નામ અને ક્રમ નંબર જાણ્યા બાદ બેલેટ યુનિટનો ક્રમ નંબર દબાવવાથી પસંદગીના ઉમેદવારને વોટ પડી જશે.

અમદાવાદમાં આગામી લોકસભા ચૂંટણીમાં નવા ૬૦થી વધુ મતદાન મથક વધારવા માટે પણ નવા મતદાન મથક માટેની દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે અને આ માટે ચૂંટણીપંચ પાસે મંજૂરી માગવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ બે આદર્શ મતદાન મથક બનાવવામાં આવશે. આદર્શ મતદાન મથકમાં મતદારોના બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાશે અને મતદાન મથકને રંગરોગાન કરીને તૈયાર કરવામાં આવશે તેમજ મતદારોએ શું કરવું અને શું ના કરવું એના માટેનાં સાઇનેજ લગાવાશે, જેમાં આદર્શ મતદાન મથક કેવું હોવું જોઇએ તેની સંપૂર્ણ માહિતી હશે. અમદાવાદની ર૧ વિધાનસભા બેઠકોમાં લોકસભા ચૂંટણીમાં મતદાન માટે પ૦૦થી વધુ વ્હીલચેરની વ્યવસ્થા કરાઇ છે તેમજ વિકલાંગ મતદારો માટે ૧૦૦૦ સહાયકને પણ ખડેપગે રાખવામાં આવનાર છે.

અમદાવાદ જિલ્લામાં ૯ હજારથી વધુ દિવ્યાંગ મતદાર નોંધાયેલા છે, જેમાં ૫૭૭ પ્રજ્ઞાચક્ષુ, ૮૮૪ મૂક-બ‌િધર, ૩,૦૦૧ મતદારો નાની-મોટી ખોડખાંપણવાળા, ૧,૩૧૪ અલ્પદૃષ્ટિ ધરાવતા તથા અન્ય નાની-મોટી શારીરિક ખામીવાળા દિવ્યાંગ મતદારો છે. સાણંદમાં સૌથી વધુ ૧,૧૧૧ દિવ્યાંગ મતદાર નોંધાયેલા છે, જ્યારે નિકોલમાં સૌથી ઓછા ૧૨૨ દિવ્યાંગ મતદાર છે.

You might also like