અમદાવાદ શહેરની આઠ બેઠક માટે ભાજપમાં ભારે કશ્મકશ, અનેક ધારાસભ્ય રિપીટ નહીં થાય તેવી ચર્ચા

અમદાવાદ: વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે ગઇ કાલે ભાજપે ૭૦ ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. જેમાં અમદાવાદની એક સીટને બાદ કરતાં હવે બાકીની ર૦ સીટના ઉમેદવારોની જાહેરાત પર સૌની નજર છે. અમદાવાદ શહેરની બેઠકો પૈકી આઠ બેઠક માટે ભાજપમાં કશ્મકશ ચાલી રહી છે.

આ પૈકીની ઘાટલોડિયા અને નારણપુરાની બેઠક એક્સકલુઝિવ ગણવામાં આવે છે. ઘાટલોડિયા અને નારણપુરાની બેઠક કોને ફાળે આવશે તે માટે અત્યંત સસ્પેન્સ જાળવવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઘાટલોડિયા અને નારણપુરાની બેઠકના ઉમેદવારની પસંદગીનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી લેશે. હાલમાં અમદાવાદ શહેર જમાલપુર-ખાડિયાના વર્તમાન ધારાસભ્ય ભૂષણ ભટ્ટને આ બેઠક પર રિપીટ કરાશે.  દાણીલીમડાની બેઠક કોંગ્રેસ પાસે હોઇને ભાજપ ત્યા મજબૂત ઉમેદવારની શોધમાં છે. ઓછા માર્જિનથી ગુમાવેલી આ બેઠક પર ભાજપ નવો ચહેરો મૂકશે.

મણિનગરની બેઠક પર પ્રદેશ પ્રચાર પ્રસારનો હવાલો સંભાળી રહેલા મહેશ કસવાલા અને આસિત વોરા ટિકિટ રેસમાં છે, પરંતુ આસિત વોરાનું નામ આ બેઠક માટે મોખરે ગણાય છે. દસક્રોઇની બેઠક પર ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જ્યારે વટવાની બેઠક પર ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા નિશ્ચિત ઉમેદવાર છે.

એલિસબ્રિજની બેઠક પર રાકેશ શાહ, અમરાઈવાડીમાં હસમુખ પટેલ, અસારવામાં રજનીકાંત પટેલ, વેજલપુરમાં કિશોર ચૌહાણ, બાપુનગરમાં જગરૂપસિંહ રાજપૂત તથા નરોડામાં નિર્મલાબહેન વાધવાણી રિપીટ નહીં થાય તેવું ભાજપના ટોચના સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

ઠક્કરનગરની બેઠક પરથી વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડિયા સામે સ્થાનિકોનો અસંતોષ હોવા છતાં પાટીદાર ફેકટરને ધ્યાનમાં રાખીને તેમને રિપીટ કરાશે.

ઘાટલોડિયાની બેઠક પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે હાઇએસ્ટ માર્જિનથી જીતી હતી. તો બીજી તરફ નારણપુરાની બેઠક પણ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મોટી બહુમતીથી જીતી હતી. બંને દિગ્ગજોના સમકક્ષ મજબૂત ઉમેદવારોને આ બેઠકો પર ભાજપ ચૂંટણી જંગમાં ઉતારશે. આજ સાંજ સુધીમાં ભાજપ બીજી યાદી જાહેર કરે તેવી શકયતા છે.

You might also like