સંતાનને ખાતર આખરે ક્યાં સુધી…

કોઈ પણ વ્યક્તિની જિંદગીના અલગ- અલગ તબક્કે દરેક સંબંધનું મહત્વ ઓછેવત્તે અંંશે રહે છે. કયા સંબંધને કેટલું મહત્ત્વ આપવું એ દરેકની સમજદારી ઉપર છે. સંતાનને ખાતર આખરે ક્યાં સુધી? એ પણ દરેક દંપતીએ સમજવા જેવી વાત છે

પોતાનો કોઈ વાંક કદી કોઈને દેખાતો નથી. ‘એકમેકનાં મન સુધી’માં આ વાત વાંચીને થોડા રિસ્પોન્સ આવ્યા. એ પ્રતિભાવો વિશે આ વખતે વાત કરવી છે. મોટા ભાગે વાચકોએ એ વાત તો સ્વીકારી કે, પોતાનો વાંક કદી કોઈને નથી દેખાતો, પરંતુ કોઈ વાંક વગર સંતાનોને ભોગવવાનું આવે ત્યારે એ સંબંધમાં જોડાયેલી તમામ વ્યક્તિઓ પીલાતી રહે છે.

રમેશ અને સીમા નામના એક યુગલની વાત છે. સીમાનો અભ્યાસ રમેશની સરખામણીએ ઓછો હતો. મા-બાપે લગ્ન ગોઠવ્યાં ત્યારથી આ વાત એના મનમાં ખૂંચે રાખે. પત્ની સીમાનું ભણતર ઓછું છે એ રમેશ સ્વીકારી નહોતો શકતો. અન્ય યુગલની માફક પરિવારજનોના પ્રેશર અને રિવાજ મુજબ બંનેનાં લગ્ન થઈ ગયાં. સ્વીકાર ન હતો છતાંય સાથે રહેવાનું અને જીવવાનું આવ્યું. સહજીવન દરમિયાન આ દંપતી એક દીકરીનાં મા-બાપ બન્યાં.

ઘરમાં રહેવાની રીત-ભાતથી માંંડીને બાળકના ઉછેરની કે કેળવણીની વાતમાં પણ આ દંપતીને વિવાદો થવા લાગ્યાં. સીમા પોતાની કેપેસિટી અને મર્યાદાઓ જાણતી હતી, પરંતુ પતિની ઊંચા લેવલની વાતને મોટા ભાગે સમજી શકતી ન હતી. સવાલો અને સમસ્યાઓ હદથી બહાર થવા લાગી. રમેશને આ દામ્પત્યજીવનમાં દમ ઘૂંટાતો હોય એવું લાગતું હતું. બંને પરિવારના વડીલોને એકઠાં કરીને એણે પોતાની વ્યથા કહી. સાથે ઉમેર્યું કે, હું સીમા સાથે રહી શકું એમ નથી.

બધા જ કિસ્સાઓમાં થાય છે તે જ રીતે બંને પરિવારના વડીલોએ રમેશને સમજાવ્યો. એક ચાન્સ લેવા કહ્યું. બે-ત્રણ મિટિંગો અને સમજાવટના અંતે બંનેએ થોડો સમય ફરીથી તેમની રિલેશનશિપને ચાન્સ આપવાનું નક્કી કર્યું. થોડા મહિનાઓ પછી ફરીથી એ જ નોબત આવી ગઈ કે, અમારાં બંનેનું બુદ્ધિનું લેવલ મેચ નથી થતું માટે હું પત્ની સાથે રહી નથી શકતો.

છેવટે આ સંબંધ છૂટાછેડા પર પહોંચ્યો. એક કડવાશ સાથે આ યુગલ છૂટું પડ્યું. પાંચ વર્ષની દીકરી મા સાથે નાના-નાનીના ઘરે રહેવા ગઈ. સીમા પણ એક જ સવાલ કરે છે કે, મારો અને મારી દીકરીનો શો વાંક, આ સવાલ સામે એક જ વાત અગેઈન કહેવાની કે, પોતાનો વાંક કદી કોઈને દેખાતો નથી હોતો.

પતિ-પત્નીના સંબંધમાં કઈ વાતે વાંધો પડે કે કઈ વાતે લગ્નજીવન માણવા જેવું લાગે એ નક્કી થઈ શકતું નથી. બુદ્ધિઆંકની અસમાનતા ધરાવતાં દરેક યુગલ છૂટાં નથી પડતાં હોતાં. જો એવું હોય તો, વેલ એજ્યુકેટેડ યુગલો કદી છૂટાં જ ન પડતાં હોત. સીમાની વાત કે સવાલ ઉપર આવીએ. એ કહે છે, દીકરીને ખાતર પણ રમેશ મારી સાથે રહી ન શક્યા. અમે સાથે હોત તો દીકરીને મા-બાપ બંનેનો પ્રેમ મળત. કોઈ કારણ વગર અમારી દીકરીને પિતા વગર રહેવાનું અને ઉછરવાનું આવ્યું. સીમાનું દર્દ સમજી શકાય એવું છે. સાથોસાથ એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે, રમેશે પણ દીકરીને ખાતર ઘણું જતું કર્યું છે. એવો તબક્કો આવ્યો કે, હવે સાથે નહીં જ રહી શકાય ત્યારે એણે છૂટા પડવાની વાત કરી હતી.

સંતાનને ખાતર સંજોગો સાથે આખી જિંદગી સમાધાન કરતાં મા-બાપની પીડા કોઈ વખત જાણવાની કોશિશ કરજો. મન વિચારે ચડી જશે કે, ક્યા ભોગે બધું સચવાઈ રહ્યું છે. સૌથી મહત્ત્વની વાત મા-બાપના ઝઘડા વચ્ચે ઉછરેલું બાળક જ્યારે મોટું અને સમજણું થાય ત્યારે એને એક વખત તો પૂછજો કે, શું તને સમતોલ વાતાવરણ મળ્યું છે ખરું? શું તું મા-બાપના આ ભોગનો આદર કરે છે ખરો?

થોડા દિવસો પહેલાં અમદાવાદની કોર્ટમાં એક છૂટાછેડાનો કેસ આવ્યો હતો. આ કેસમાં કોર્ટે ટ્વિન્સ દીકરીઓને પૂછ્યું કે, તમારે કોની સાથે રહેવું છે. નાસમજ ઉંમર ધરાવતી આ બંને દીકરીઓએ કહ્યું કે, અમારે મમ્મી કે પપ્પા બેમાંથી કોઈની સાથે નથી રહેવું. મા-બાપ એવું વિચારતા હોય છે કે આખરે સંતાનના ભવિષ્ય માટે સહન કરી લેવાનું. સંતાનને શું ખબર પડે એવી માનસિકતા હવે ચાલે તેમ નથી. મા-બાપની જિંદગીમાં શું ચાલી રહ્યું છે એનાથી કોઈ પણ ઉંમરનું સંતાન મોટા ભાગે વાકેફ હોય છે.

શું તમે કોઈ આવી રિલેશનશિપમાં જીવ્યાં છો? તો તમારી વાત ‘એકમેકનાં મન સુધી’માં પહોંચાડી દો. જિંદગીની અનેક સચ્ચાઈનાં પાસાં કદાચ આ પ્રતિભાવોમાંથી મળશે. આ પ્રતિભાવો કદાચ કોઈ સંબંધને નવજીવન આપી શકે અથવા તો કોઈ સંબંધ ગૂંગળામણમાં અટવાયો હોય તો એને દિશા આપવામાં સહાયરૂપ બનશે.

જ્યોતિ ઉનડકટ

You might also like