‘કાગડા બધે કાળા’ તે આનું નામ…

લંડનઃ સ્ટાર ફૂટબોલર ડિડિયર ડ્રોગ્બા ભલે અબજો રૂપિયાની કમાણી કરતો હોય, પરંતુ પોતાના ફાઉન્ડેશન દ્વારા ગરીબોની મદદના નામે ૧.૭ મિલિયન રાઉન્ડની છેતરપિંડીનો તેના પર આરોપ લાગ્યો છે. ચેલ્સી ક્લબના ભૂતપૂર્વ સ્ટ્રાઇકરે પશ્ચિમ આફ્રિકાના પોતાના દેશ આઈવરી કોસ્ટમાં બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યના નામે લોકો પાસેથી મદદ એકઠી કરી હતી. તેના માટે ડેવિડ બેકહમ, ફ્રેન્ક લોંપાર્ડ, રોજર ફેડરર અને પ્રિન્સ બેટ્રિક્સ સહિત રમત અને વેપારી જગતનાં મોટાં નામોએ મદદ કરી હતી. ડ્રોગ્બાના ફાઉન્ડેશન માટે ૧.૭ મિલિયન પાઉન્ડ (૧૬.૧૫ કરો રૂપિયા) એકઠા થયા હતા, પરંતુ સ્થાનિક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે  ફક્ત ૧૪,૧૧૫ પાઉન્ડ (૧૩.૪૦ લાખ રૂપિયા) જ જરૂરિયાતવાળા સુધી પહોંચ્યા છે.

૩૮ વર્ષીય ડ્રોગ્બા બે વિશ્વકપમાં પોતાના દેશનું નેતૃત્વ કરી ચૂક્યો છે અને ૧૦૦થી વધુ મેચ રમ્યો છે. તે જ્યારે પોતાની કરિયરની ટોચ પર હતો ત્યારે ૨,૦૦,૦૦૦ પાઉન્ડ (૧.૯ કરોડ રૂપિયા) પ્રતિ સપ્તાહ કમાતો હતો. તેણે ૨૦૦૯માં ચેલ્સી ક્લબ તરફથી રમતી વખતે ચેરિટેબલ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. હાલ તે કેનેડાની એક ક્લબ સાથે જોડાયેલો છે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પાંચ વર્ષમાં એકઠા કરાયેલા ૧.૭ મિલિયન પાઉન્ડમાંથી માત્ર ૦.૮ ટકા રકમ જ ચેરિટીના કામમાં ઉપયોગમાં લેવાઈ છે. આ નાણાંથી તે હોસ્પિટલ અને પાંચ અન્ય ક્લિનિક ખોલવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ફક્ત એક જ ક્લિનિકનું નિર્માણ થયું છે. એ ક્લિનિકમાં પણ ન તો કોઈ કર્મચારી નિયુક્ત કરાયો છે કે ના તો અન્ય કોઈ સાધન. આ ફાઉન્ડેશનના ત્રણ ટ્રસ્ટીમાંથી એકની ગત વર્ષે ફિફા ભ્રષ્ટાચારના મામલામાં પોલીસે પૂછપરછ કરી હતી.

જોકે ડ્રોગ્બા કહે છે, ”મેં કોઈ છેતરપિંડી કે ચોરી કરી નથી. હું ગરીબ પરિવારમાં જન્મ્યો હતો. આજે જે કંઈ કમાયો છું તે મારી મહેનતથી કમાયો છું. જો હું મારા દેશ, મારા લોકોની મદદ ના કરી શકું તો આ સ્ટારડમ કંઈ કામનું નથી. મારા પર લગાવાયેલા તમામ આરોપ ખોટા છે.”

You might also like