હવે ફૂડ પેકેટ પર મોટા અક્ષરે કિંમત અને જથ્થો દર્શાવવાં પડશે

નવી દિલ્હી: આગામી જુલાઈ માસથી ફૂડ પેકેટ પર જે તે કંપનીઓએ પેકેટનાં 40 ટકા ભાગમાં તેની કિંમત અને જથ્થો દર્શાવવો ફરજિયાત બની જશે. સરકારે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું  છે કે હવે કોઈ પણ કંપની મનસ્વી
રીતે પેકેટ પર ભાવ કે જથ્થો દર્શાવી નહિ શકે.

આ અંગે ગ્રાહક બાબતોના મંત્રાલયે સીલબંધ વસ્તુના નિયમમાં ફેરફાર કર્યો છે. તેમાં હવે પેકેટનાં ટોપ અને બોટમ ભાગને છોડીને પેકેટના ઓછામાં ઓછા 40 ટકા ભાગ પર છ જેટલી ફરજિયાત વિગતો દર્શાવવી પડશે. આ બાબતોમાં મેન્યુફેકચરર, પેકેજર,આયાતકારનું નામ, ઉત્પાદનની માત્રા, ઉત્પાદનની તારીખ, છુટક વેચાણ કિંમત અને કસ્ટમર કેર નંબરનો સમાવેશ થાય છે.આગામી જુલાઈ માસથી આ તમામ માહિતીને મોટા અક્ષરમાં છાપવી ફરજિયાત બનાવવામાં આવશે.

ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને મંત્રાલયના અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ આ નવા નિયમને આગામી જુલાઈથી કોઈપણ ભોગે લાગુ કરાવે. તેમજ નવી જોગવાઈઓનું કડક પાલન કરાવે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ નવી જોગવાઈ મુજબના નિયમને અમલી બનાવવા મોનિટરિંગ સેલ બનાવવામાં આવશે. આ મામલે મસૂરીમાં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડડર્સની ગવર્નિંગ બોડીની બેઠકમાં ચર્ચા થઈ હતી. તે મુજબ અમલ કરાવવાનો રહેશે.

You might also like