ધરણાં-રેલી-બંધ બાદ પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી

અમદાવાદઃ બે દિવસ અગાઉ ચાંદખેડાના કલ્પનાનગરમાં દીવાલ બનાવવા મુદ્દે માથાભારે રબારી યુવક અને તેના સાગરિતો દ્વારા બે મહિલા સહિત પાંચ લોકોને માર મારવા બાબતે ચાંદખેડા પોલીસે ઢીલી નીતિ અપનાવી આરોપીઓની ધરપકડ ન કરતાં ચાંદખેડાના દલિત સમાજના લોકો પોલીસ સ્ટેશન પર બેઠા હતા. ધરણાં-રેલી અને બંધથી એકશનમાં આવેલી પોલીસે ગઈ કાલે રાજસ્થાનથી માર મારનાર આઠ આરોપીઓની ધરપકડ કરી છે. ઈન્ચાર્જ સેક્ટર-૧ જે.સી.પી. જે.કે. ભટ્ટ દ્વારા આરોપીઓને ઝડપી અને ફરિયાદમાંં કલમનો ઉમેરવાની ખાતરી આપતાં ગઈ કાલે ધરણાં પૂર્ણ કરી દેવાયાં હતાં.

કલ્પનાનગર ખાતે રહેતા રાજેશભાઈ વાઘેલા અને તેમના પરિવાર તેમજ પાડોશી સુનીતાબહેનને માથાભારે કમરશી રબારી, વિક્રમ દેસાઈ, જયદીપ દેસાઈ, વાઘજી દેસાઈ અને વિક્રમ દેસાઈ તથા અન્ય બે શખસોએ દીવાલ બનાવવા મુદ્દે લાકડીઓ અને દંડા વડે માર માર્યા હતા. સવારે રાજેશ વાઘેલા કરમશી વાઘેલા વચ્ચે પણ બોલાચાલી અને મારામારી થઈ હતી. જે અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં પોલીસે રાજેશ વાઘેલાની ફરિયાદની જગ્યાએ એનપી નોંધી હતી. પોલીસની આ નીતિના કારણે કરમશી રબારી અને તેના સાગરિતોએ સાંજે મારામારી કરી હતી.

પોલીસે આરોપીઓ સામે પગલાં ન લેતાં અને મોડી રાત્રે ફરિયાદ લઈ આરોપીઓની ધરપકડ ન કરતાં ચાંદખેડાના દલિત સમાજના લોકો ચાંદખેડા પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેસી ગયા. કલમમાં ઉમેરો, સરકાર તરફથી ઈજાગ્રસ્તોને સહાય અને આરોપીઓને તાત્કાલિક પકડવાની માગ સાથે ઉગ્ર આંદોલન કરી ચાંદખેડા બંધનું એલાન આપ્યું હતું. તેના પગલે સફળ જાગેલી પોલીસ એકશનમાં આવી હતી અને ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી. દલિત સમાજે ચાંદખેડા બંધ કરાવી રેલી યોજી હતી. આંદોલન ઉગ્ર બને તેવી પરિસ્થિતિ ઊભી થતાં ઈન્ચાર્જ સેક્ટર-૧ જેસીપી જે.કે. ભટ્ટ ચાંદખેડા દોડી ગયા હતા અને આગેવાનોને સમજાવી તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવાની ખાતરી આપતાં રાત્રે આંદોલન સમેટી લેવાયું. મોડી રાત્રે એસ.સી.એસ.ટી સેલની ટીમે આઠ આરોપીઓને રાજસ્થાનથી ઝડપી લીધા હતા. પોલીસે શુક્રવારે આરોપીઓ સામે જે ફરિયાદ ન નોંધી હતી ગઈકાલે બપોરે એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધી હતી.

http://sambhaavnews.com/

You might also like