દિલ્હી તરફની રદ કરાયેલ ટ્રેનો આજથી ફરી શરૂ થશે

નવી દિલ્હી: આગામી દિવસો માટે હવામાનની સ્થિતિ અને અન્ય પરિસ્થિતિની સમીક્ષા કરી લીધા બાદ રેલવે દ્વારા ધુમ્મસના કારણે હાલમાં જ રદ કરવામાં આવેલી તમામ ટ્રેનોને આગામી સપ્તાહથી ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેના પરિણામ સ્વરુપે રેલવે યાત્રીઓને મોટી રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે. આઠમી ફેબ્રુઆરીથી એટલે કે આવતીકાલથી તમામ ૨૫૮ એ ટ્રેનો પણ શરૂ થઇ જશે જે ટ્રેનોને ધુમ્મસના કારણે રદ કરવામાં આવી હતી.

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આગામી સપ્તાહની અંદર તબક્કાવારરીતે પેસેન્જર, મેઇલ, એક્સપ્રેસ સહિત તમામ ૨૫૮ ટ્રેનો શરૂ કરી દેવામાં આવશે. રેલવે દ્વારા અગાઉ જાહેરાત કરીને કુલ ૧૨૯ ટ્રેનોને ૨૯મી ફેબ્રુઆરી સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. સોમવારથી આ તમામ ટ્રેનો નિયમિતરીતે શરૂ થઇ રહી છે.
બાકીની અન્ય ટ્રેનો પણ ૧૩મી ફેબ્રુઆરી સુધી શરૂ થઇ જશે. દેશભરમાં આગામી દિવસોમાં રહેનાર હવામાનની સ્થિતિ અને અન્ય પરિબળોની સમીક્ષા કર્યા બાદ રેલવે દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિયાળા સિઝન પહેલા દર વર્ષે રેલવે દ્વારા એક્શન પ્લાન ધુમ્મસને ધ્યાનમાં લઇ તૈયાર કરવામાં આવે છે અને ટ્રેનો જે રદ કરવામાં આવનાર છે તેની યાદી પણ જાહેર કરવામાં આવે છે. ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં લઇને આ વર્ષે રેલવે દ્વારા ૪૦૦ ટ્રેનોની ફ્રિકવન્સીને ઘટાડી દેવામાં આવી હતી જ્યારે ૩૦ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોની સર્વિસ રદ કરી દેવામાં આવી હતી. અગાઉ રેલવે દ્વારા હવામાનની સ્થિતિને ધ્યાનમાં લીધા બાદ ૨૫મી જાન્યુઆરીથી ૬૮ ટ્રેનોની સેવા ફરી શરૂ કરી હતી.

હવે હવામાન સ્પષ્ટ થતાં વિજિબિલીટી પણ વધી ગઇ છે. જેના પરિણામ સ્વરુપે ૮મી ફેબ્રુઆરી અને ૧૩મી ફેબ્રુઆરી વચ્ચે તમામ ટ્રેનોને નિયમિત રીતે શરૂ કરવામાં આવી રહી છે. આના પરિણામ સ્વરુપે લોકોને મોટી રાહત થશે. લાંબા અંતરની ટ્રેનો રદ થવાથી લોકો પરેશાન થયા હતા.

You might also like