ઉત્તર ભારતમાં ધુમ્મસ-ઠંડીથી કાશ્મીરમાં દાલ સરોવર થીજ્યું

નવી દિલ્હી: ઉતર ભારતમાં સતત ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે તેમજ હવાઈ અને રેલવ્યવહાર પર માઠી અસર પડી છે. દિલ્હીમાં 52 ટ્રેન મોડી ચાલી રહી છે જ્યારે પાંચ ટ્રેનના સમય બદલાવવાની ફરજ પડી છે. આ ઉપરાંત કેટલીક ફલાઈટ મોડી પડતાં અનેક યાત્રિકો મુસીબતમાં મુકાયા છે, જ્યારે કાતિલ ઠંડીથી કાશ્મીરમાં દાલ સરોવર થીજી ગયું છે.

પહાડી વિસ્તારમાં બરફવર્ષા થતાં અને કાશ્મીર ખીણમાં ઠંડીનો પારો સતત શૂન્ય ડિગ્રીથી નીચે રહેતાં કાતિલ ઠંડીમાં તીવ્ર વધારો થતાં દાલ સરોવર થીજી ગયું છે, જેના કારણે હાલ આ વિસ્તાર સૂમસામ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધશે. રાત્રિના સમયે શ્રીનગરમાં તાપમાન માઈનસ 6.5 ડિગ્રી સુધી ઘટી જાય છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે, જોકે આ દરમિયાન બરફવર્ષા નહિ, આકરી ઠંડી પડી રહી છે, જેના કારણે લોકોના ઘરમાં રહેલા નળ જામી ગયા છે. બીજી તરફ કાશ્મીર વિસ્તારમાં હાલ 12 થી 16 કલાકનો વીજકાપ રહે છે, જેના કારણે લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આગામી 72 કલાક ગાઢ ધુમ્મસ છવાયેલ રહેશે.
સતત ધુમ્મસ અને ઠંડી પડતાં ઉત્તર ભારતના અનેક વિસ્તારો કાતિલ ઠંડીની લપેટમાં આવી જતાં તેની જનજીવન પર અસર પડી રહી છે. ખાસ કરીને ધુમ્મસના કારણે વાહનચાલકોને ભારે હાલાકીમાં મુકાવું પડ્યું છે. નજીકના અંતર સુધી પણ જોઈ શકાતી નથી. સિવાન શહેરના મુખ્ય માર્ગથી લઈને ગ્રામ્ય વિસ્તારમાં તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. એકાએક ઠંડી વધી જતાં શાળાએ જતાં બાળકોને ઠંડીમાં થરથરતાં શાળાએ જવાની ફરજ પડી રહી છે, જોકે ઠંડીના કારણે સ્કૂલમાં પણ પાંખી હાજરી જોવા મળી રહી છે.

ઉત્તર ભારતમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે મોટા ભાગની સરકારી કચેરીઓમાં પણ તેની અસર જોવા મળી રહી છે. વર્ષનો આખરી માસ હોવાથી કેટલાક કર્મચારીઓ રજા પર ઊતરી જતાં હાલ મોટા ભાગની સરકારી કચેરીઓમાં રજા જેવો માહોલ જોવા મળે છે અને તેના કારણે સરકારી કામકાજ પર પણ અસર થઈ રહી છે. તેના કારણે અનેક લોકોનાં અગત્યનાં કામો અટવાઈ ગયાં છે.

http://sambhaavnews.com/

You might also like