ઓછાં વરસાદને લઇ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, પશુ માટે અપાશે ઘાસચારો

ગાંધીનગરઃ રાજ્યમાં ઓછાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને ખેડૂતોને ભારે હાલાંકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જેથી ઓછા વરસાદને લઈને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારનાં આ નિર્ણય બાદ 44 તાલુકાઓમાં સરકાર દ્વારા હવે ઘાસ આપવામાં આવશે. પશુ ઘાસચારા માટે ખેડૂતોને કાર્ડ આપવામાં આવશે. પશુ દીઠ ખેડૂતોને દૈનિક 4 કિલો જેટલું ઘાસ આપવામાં આવશે. ઘાસનો આ ખર્ચ રાજ્યનાં બજેટમાંથી જ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસુ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 215 તાલુકામાંથી 44 તાલુકામાં 125મિ.મીથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. સિઝનમાં અત્યાર સુધીમાં 54% જેટલો વરસાદ વરસ્યો છે. જે કારણોસર ઓછાં વરસાદને લઇને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જેમાં 44 જેટલાં તાલુકાઓમાં ગુજરાત સરકાર દ્વારા પશુ દીઠ ખેડૂતોને દૈનિક 4 કિલો ઘાસ આપવામાં આવશે. જ્યારે ઘાસ 2 રૂપિયે 1 કિલો આપવામાં આવશે.

મહત્વનું છે કે આજનાં દિવસનાં બુધવારનાં રોજ ગુજરાતનાં ઘણા ખરાં વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો. વરસાદે શરૂઆતમાં તો દ.ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. પરંતુ હવે આ વખતે ગુજરાતમાં વરસાદને લઇ સંકટ ઉભું થાય તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે.જેથી ગુજરાત સરકાર દ્વારા ઘાસ આપવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.

You might also like