શેરબજાર સાધારણ સુધારે ખૂલ્યુંઃ નિફ્ટી ૭,૫૫૦ની ઉપર

અમદાવાદ: આજે શેરબજારમાં સુસ્ત શરૂઆત જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૬૬ પોઇન્ટના સુધારે ૨૪,૮૩૯, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૩ પોઇન્ટના સુધારે ૭,૫૫૦ની ઉપર ૭,૫૬૦ની સપાટીએ જોવા મળી હતી. જોકે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં સારી એવી ખરીદી જોવા મળી હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનની ચિંતા હજુ પણ વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે અને તેની અસરે સ્થાનિક બજારમાં સુસ્તી નોંધાઇ છે. આજે શરૂઆતે ઇન્ફોસિસ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, હિંદાલ્કો, વેદાન્તા કંપનીના શેરમાં બે ટકા સુધીનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ ઓએનજીસી, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, આઇટીસી, એચડીએફસી બેન્ક કંપનીના શેરમાં નરમાઇ તરફી ચાલ જોવાઇ હતી.

ઇન્ફોસિસના ગઇ કાલે જાહેર થયેલા રિઝલ્ટના પગલે આઇટી સેક્ટરમાં નીચા મથાળે ખરીદી નોંધાઇ હતી. એ જ પ્રમાણે મેટલ અને પાવર સેક્ટરમાં પણ સકારાત્મક ચાલ નોંધાઇ હતી તો બીજી બાજુ બેન્ક નિફ્ટી તથા એફએમસીજી સેક્ટર ઇન્ડેક્સમાં નરમાઇ તરફી ચાલ જોવાઇ હતી. મિડકેપ સેક્ટરમાં એબીજી શિપયાર્ડ, પીપાવાવ ડિફેન્સ, શ્રીરામ સિટી, ઇરોઝ ઇન્ટરનેશનલ કંપનીના શેરમાં ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો.

ડોલર સામે રૂપિયો વધુ નબળો પડી ૬૭.૩૫ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો છ પૈસા નબળો ૬૭.૩૫ની સપાટીએ ખૂલ્યો હતો. ગઇ કાલે ૬૭.૨૯ની સપાટીએ રૂપિયો બંધ થયો હતો. ડોલર સામે રૂપિયામાં જોવા મળી રહેલી નરમાઇના પગલે આયાતકારોમાં ચિંતા જોવા મળી છે. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ટૂંકા સમયગાળામાં ડોલર સામે રૂપિયો ૬૭.૫૦ની સપાટીએ જઇ શકે છે.

You might also like