ફલાયઓવરબ્રિજ અંડરસ્પેસ ડેવલપમેન્ટનો ‘ફલોપ શો’

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે નવા નવા બ્રિજ માટે પ્રોજેક્ટ અમલમાં મુકાય છે. જોકે આમાં કેટલાક બ્રિજ પ્રોજેક્ટને અણધડ આયોજનના કારણે બજેટમાં સમાવેશ કરાયા બાદ પણ પડતા મૂકવા પડે છે તો અમુક બ્રિજ પ્રોજેક્ટ ગોકળગાયની ગતિએ આગળ ધપે છે. અલબત્ત નવા બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા બ્રિજ નીચેની જગ્યાનો વિભિન્ન પ્રોજેક્ટ દ્વારા વિકાસ કરવાના પણ જાહેરાત કરાઇ હતી. શહેરીજનોના કમનસીબે સત્તાધીશોની આ જાહેરાત વાસ્તવિક રીતે અમલમાં આવી શકી નથી.

શાહીબાગ રેલવે ઓવરબ્રિજ, જીવરાજ મહેતા રેલવે ઓવરબ્રિજ, સોનીની ચાલી ઓવરબ્રિજ, ઠક્કરબાપાનગર ઓવરબ્રિજ એમ ચાર ઓવરબ્રિજની પસંદગી મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા બ્રિજ અંડરસ્પેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કરાઈ હતી. આ ચાર બ્રિજની નીચેની ખુલ્લી જગ્યાએ તંત્ર દ્વારા વિભિન્ન પ્રકારનાં કામનું આયોજન ઘડી કઢાયું હતું.

શહેરમાં નવા નવા બનતા ઓવરબ્રિજની નીચેની ખાલી જગ્યાનો વિકાસ કરવાની આસપાસના રહીશો જ માગણી કરતા હોય છે. કેમ કે જે તે બ્રિજની નીચેની જગ્યા યોગ્ય ઉપયોગમાં ન લેવાય તો ત્યાં અસામાજિક તત્ત્વોના અડ્ડા જામે છે. રાત પડતાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ ધમધમવા લાગે છે. પરિણામે આસપાસ રહેતી મહિલાઓ, યુવતીઓની છેડતીની ઘટનાઓ પણ બને છે.

જેના કારણે મ્યુનિ. શાસકોએ રૂ. ૧૧ કરોડનું ટેન્ડર મંજૂર કરીને બ્રિજ અંડરસ્પેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને હાથ ધર્યો હતો. આ માટેનો વર્કઓર્ડર પણ અપાઈ ગયો હતો. તેમ છતાં આ એક પ્રકારનો નવતર પ્રયોગ કોર્પોરેશન માટે ‘ફલોપ શો’ પુરવાર થયો છે. જીવરાજ મહેતા રેલવે ઓવરબ્રિજ સહિતના ઓવરબ્રિજના નીચે આજે પણ અવ્યવસ્થાનો માહોલ છે.

કયાં શું બનાવવાનું હતું?
જીવરાજ મહેતા રેલવે ઓવરબ્રિજ
• શાકભાજી બજાર
• પ્લાઝા
• પોકેટ ગાર્ડન
• કોમ્યુનિટી સેન્ટર
• જિમ અને લાઇબ્રેરીનું રિનોવેશન
• સિનિયર સિટીઝન પ્લાઝાનું નવીનીકરણ
• પાર્કિંગ

સોનીની ચાલી ઓવરબ્રિજ
• માર્કેટની જગ્યા
• રમતગમતની જગ્યા
• ખાણીપીણી બજાર
• એમ્ફી થિયેટર
• જાહેર શૌચાલય
• પાર્કિંગ
• ઓટોરિક્ષા સ્ટેન્ડ
• કિયોસ્ક અને બેઠક
વ્યવસ્થા

ઠક્કરબાપાનગર ઓવરબ્રિજ
• છતવાળી માર્કેટની જગ્યા
• કિયોસ્ક અને બેઠક વ્યવસ્થા
• પોકેટ પ્લાઝા
• જાહેર શૌચાલય
• પાર્કિંગનું નવીનીકરણ
• ઓટોરિક્ષા સ્ટેન્ડ

You might also like