નાસિકમાં પ્રચંડ પૂરઃ ૧૦ વર્ષનો રેકર્ડ તૂટ્યોઃ વિદર્ભ જળબંબોળ

નવી દિલ્હી-મુંબઈ: મધ્યપ્રદેશમાં કહેર વર્તાવ્યા બાદ હવે મેઘરાજાએ મહારાષ્ટ્ર પર અતિ મહેરબાન થયા હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થતાં નાસિકમાં પૂર આવ્યું છે. ૨૪ કલાકમાં પડેલા ભારે વરસાદે છેલ્લાં ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશમાં હજુ પણ વરસાદ ચાલુ છે. મહારાષ્ટ્રમાં ભૂસ્ખલનથી માલસેજ માર્ગ બંધ થઈ ગયો છે. આગામી ૨૪ કલાકમાં ૧૧ રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

દરમિયાન મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં દિવસભર હળવો વરસાદ ચાલુ રહ્યો હતો. જ્યારે વિદર્ભના ભામરાગઢમાં ૧૦ ઈંચ વરસાદ થયો છે. બે દિવસ પહેલા વિદર્ભના ૨૬ ગામમાં અેક જ દિવસમાં ચાર ઈંચ વરસાદ થયો હતો. આગામી ૨૪ કલાકમાં પ.રાજસ્થાન, મધ્યપ્રદેશ,ગુજરાત, છત્તીસગઢ,હરિયાણા, પ.ઉત્તરપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણ,ગોવા, કર્ણાટકના કાંઠા વિસ્તાર, ઉત્તરાખંડ અને ઓરિસાના કેટલાંક સ્થળોએ વરસાદ પડવાની આગાહી છે.

અત્યાર સુધી દેશના લગભગ ૮૯ ટકા વિસ્તારોમાં સામાન્ય અથવા ભારે વરસાદ થયો છે. ગુજરાતમાં સામાન્ય કરતા ૪૨ ટકા જ વરસાદ થયો છે. મધ્યપ્રદેશમાં અત્યારસુધી સામાન્ય કરતા ૬૩ ટકા વધુ વરસાદ થયો છે.
કોંકણ- વિદર્ભમાં પૂર જેવી સ્થિતિ મહારાષ્ટ્રમાં બે દિવસથી પડતા ભારે વરસાદથી વિદર્ભના ગઢચિરોલી જિલ્લામાં પૂરથી અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. તેમજ કોંકણ અને વિદર્ભમાં પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
માલસેજ માર્ગ ચાલુ થતાં ચાર દિવસ લાગશે ભારે વરસાદથી તૂટી ગયેલો માલસેજ માર્ગ ફરી ચાલુ થતાં ચાર દિવસ લાગે તેમ છે. રવિવારે બનેલી ઘટનામાં અેક ટ્રક ૧૦૦ ફૂટ ખાડીમાં પડતા ચાલક શેર અલીનું મોત થયું હતું. જ્યારે કલીનરને ગંભીર ઈજા થઈ હતી.

મહિલા બાળકો સાથે ૧૮ કલાક છત પર બેસી રહી મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના કરારિયા ગામમાં અેક મહિલાના મકાનમાં પાણી ભરાઈ જતાં અને મકાનની ચારેકોર સાપ તરતા હોવાથી તે ઘર બહાર નીકળી શકે તેમ ન હોવાથી તે તેના ત્રણ બાળકો સાથે મકાનની છત પર ૧૮ કલાક બેસી રહી હતી.

You might also like