પૂરથી મધ્યપ્રદેશમાં ૬૬, બિહારમાં ૪૦ લોકોનાં મોતઃ લાખો લોકો અસરગ્રસ્ત

ભોપાલ-પટણા: છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે લાખો લોકો અસરગ્રસ્ત થયા છે,તેમજ વિવિધ રાજ્યમાં કેટલાંક લોકોનાં મોત થયાં છે.જેમાં મધ્યપ્રદેશમાં પૂરથી ૬૬ અને બિહારમાં ૪૦ લોકોનાં મોત થયાં છે. બિહારમાં ભારે વરસાદથી ૨૨ લાખ લોકોને અસર થઈ છે. બિહારમાં ભારે વરસાદથી કોસી-સમાંચલમાં પૂર આવતાં આ વિસ્તારમાં ૪૦ લોકોનાં મોત થયાં છે. જ્યારે બેંગ્લુરુમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. અને લોકો વરસાદી પાણીમાં તણાઈ આવતી માછલીઓ પકડતા જોવા મળી રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં નદી પાર કરતા બે યુવકો તણાઈ ગયા હતા.ભારે અને સતત વરસાદથી આ વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે.

મધ્ય પ્રદેશના રાયસણ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે વરસાદથી અનેક નદીઓમાં પૂર આવ્યાં છે. અને આ નદીઓ ભયજનક સપાટીઅે વહી રહી છે. જેમાં વીરપુર ગામ નજીકની નદીમાંથી પસાર થતા બે યુવક તણાઈ ગયા હતા. પરંતુ સ્થાનિક લોકોની મદદથી તેમનો બચાવ થયો હતો. બીજી તરફ રાજ્યના મહેસૂલ પ્રધાન ઉમાશંકર ગુપ્તાઅે વિધાનસભામાં જણાવ્યું હતું કે ભારે વરસાદથી રાજયમાં અત્યારસુધી ૬૬ લોકોનાં મોત થયાં છે.

અેમ.પી.ના સાત જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યના ભોપાલ, સજાપુર, બૈતુલ,સાગર, છતરપુર, રાયસેન, હોશંગાબાદ અને ખંડવામાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

બેંગ્લુરુમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયાં
ગડગાંવ અને દિલ્હીમાં ભારે વરસાદ બાદ બેંગ્લુરુ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદ થતાં અનેક લોકોનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં હતાં. તેમજ પૂરમાં રોડ પર તણાઈ આવેલી માછલીઓને પકડવા લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતા.

You might also like