ઉત્તર પ્રદેશમાં પ્રચંડ પૂરઃ વારાણસીમાં નૌકાઓ ઉતારાઈઃ બાંદામાં ૧રનાં મોત

લખનઉ: ઉત્તર પ્રદેશમાં પ્રચંડ પૂરને કારણે ગાંડીતુર બનેલી નદીઓનો કહેર જારી રહ્યો છે. ગંગા, યમુના, રાપ્તી અને કેન નદીઓએ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે તારાજી અને તબાહી સર્જી છે. અત્યાર સુધી રાજ્યનાં સેંકડો ગામો પૂરનાં પાણીમાં ગરકાવ થઇ ગયાં છે. ડઝનો ઘર ધસમસતાં પાણીમાં તણાઇ ગયાં છે. અલાહાબાદમાં ગંગા અને યમુના નદી ભયજનક સપાટીથી સહેજ નીચે વહી રહી છે. જ્યારે વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીથી માત્ર ૩ર સેમી નીચે વહી રહી છે.

વારાણસીમાં પૂરનાં પાણી ઘૂસી જતાં અસ્સી ઘાટની ગલીઓમાં નૌકાઓ ચાલી રહી છે. ગંગાનાં પાણીની સપાટી સતત વધવાથી નીચાણવાળા વિસ્તારો જળબંબોળ થઇ ગયા છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાંદામાં કેન નદી ભયજનક સપાટી પર વહેતી હોવાથી અહીં અત્યાર સુધીમાં એક ડઝન લોકોના મોત થયાં છે. હમીરપુર પણ પાણીમાં ગરકાવ છે અને હાઇવે પર ત્રણ ફૂટ પાણી ભરાયેલું છે.

સોનભદ્રમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રિહંદ બંધની સપાટી ૮૭૧ ફૂટની ભયજનક નિશાની પર પહોંચતાં બંધના દરવાજા ખોલી નખાતાં સોનભદ્રમાં પૂર આવ્યું હતું. અલાહાબાદમાં ઝડપથી વહી રહેલી ગંગા અને યમુનાની સપાટીને કારણે હજારો ઘરોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં છે. પ્રાચીન લેટેજી હનુમાન મંદિર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયું છે અને ધસમસતા મોજાના કારણે મંદિરની દીવાલ પણ ધરાશાયી થઇ ગઇ છે. બાંદા જિલ્લામાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. જ્યાં અત્યાર સુધીમાં રેકર્ડ બ્રેક ૧ર૦ મિ.મી. વરસાદ નોંધાયો છે.

મધ્યપ્રદેશના વિંધ્ય અને બુંદેલખંડમાં વરસાદે કહેર મચાવ્યો છે. બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે રિવાની સ્થિતિ ટાપુ જેવી ગઇ છે. લોકોને બચાવવા માટે લશ્કરના હેલિકોપ્ટર કામે લગાવવામાં આવ્યા છે. ભોપાલમાં સતત બે દિવસથી વરસાદ ચાલુ છે. બિહારમાં પણ ૧પ૭ ગામોમાં પૂર આવ્યા છે.

ઉત્તર સિક્કિમમાં કાનકા નદી પાસે ભુસ્ખલન થતાં ૧પ૦ ફૂટ પહોળો બંધ તૂટવાનો ખતરો છે અને જો આ બંધ તૂટશે તો રાજ્યમાં ભયાનક પૂર આવશે. ભુસ્ખલનને કારણે તિસ્તાની સહાયક દી કાનકાનું વહેણ અટકી જતાં હવે બંધ તૂટવાનો ખતરો ઊભો થયો છે.

You might also like