તમિળનાડુમાં પૂર, વરસાદથી એલર્ટ

ચેન્નાઈ : તમિળનાડુના ચેન્નાઈ અને અન્ય કેટલાક વિસ્તારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાઈ ગયું હતું અને કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે વરસાદથી વાહન વ્યવહાર અને હવાઈ સેવા તેમજ ટ્રેનોની અવરજવરને અસર પડી હતી. દક્ષિણ રેલ્વેએ બીચ-તંબારામ રૂટની ૧૧ ટ્રેનો રદ કરી દીધી હતી. ચેન્નાઈ-તિરુવલુર રૂટની મોટાભાગની ટ્રેનો અવાડી સુધીની કરી દેવાઈ હતી.

એક રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેનોની ગતિ મર્યાદિત કરી દેવાઈ છે અને તેને લીધે તેમાં વિલંબ થઈ રહ્યો છે. કેટલાક સ્થળોએ પાણી ભરાઈ જવાને લીધે પરાંવિસ્તારની ટ્રેનસેવાને અસર પહોંચી હતી. ભારે વરસાદને લીધે હવાઈ સેવાને પણ અસર પહોંચી છે. સંખ્યાબંધ ફ્લાઈટ તેના નિર્ધારિત સમયથી મોડી પડી રહી છે.ચેન્નાઈ તરફ આવતી ૧૦ ફ્લાઈટ એક કલાક મોડી પડી હતી.

જ્યારે કોલંબો-ચેન્નાઈ મિહિન લંકા ફ્લાઈટને ચેન્નાઈમાં ભારે વરસાદને લીધે કોલંબો પાછી વાળવાની ફરજ પડી હતી. વિમાનો મોડા પડતા ચેન્નાઈથી ઉપડતી ફ્લાઈટસ પણ એકથી બે કલાક મોડી પડી હતી. તમિળનાડુના છ જિલ્લા અને પુડુચેરીમાં શાળા કોલેજો બંધ રહી હતી. ચેન્નાઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમ જિલ્લાઓમાં શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે.

ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લીધે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી.મુખ્યમંત્રી જયલલિતાએ પરિસ્થિતિની સમીક્ષા માટે કેબિનેટના મંત્રીઓ અને સચિવો સાથે બેઠક યોજી હતી. બંગાળના અખાતમાં હવાના હળવા દબાણને લીધે તમિળનાડુમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે તેને જોતાં લોકોને તત્કાળ રાહત મળે તેમ લાગતું નથી.

રાજ્યમાં અતિ ભારે વરસાદના પરિણામ સ્વરૂપે નુકશાન ખૂબ વધારે થયું છે. રોગચાળાની દહેશત પણ પ્રવર્તી રહી છે. નવેમ્બર મહિનામાં ચેન્નાઈ શહેરમાં ૧૧૯.૭૩ મીમી જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે જે ૧૯૧૮માં થયેલા વરસાદનો રેકોર્ડ તોડે છે.

૧૯૧૮માં નવેમ્બર મહિનામાં ૧૦૮.૮ મીમી વરસાદ થયો હતો. રાજ્યમાં ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લામાં હાલ કોઈ રાહત મળવાની શક્યતા દેખાઈ રહી નથી. સ્કુલો અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.

You might also like