ફલેટના પાર્કિંગમાં રહેલી કાર પણ અસલામત

અમદાવાદ : સાબરમતી પાવરહાઉસ નજીક આવેલાં સિમંધર એલિગન્સ ફલેટનાં પાર્કિંગમાં પાર્ક કરેલી કારની ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલીને રોકડા રૂપિયા અને મોબાઇલ, એલસીડી મળી કુલ રૂ.૧.૬૩ લાખની મતાની બે બાઇકસવાર ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ફલેટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ બંને શખસો કેદ થઇ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. સિમંધર એલિગન્સ ફલેટમાં સૌરભ મોહનભાઇ ગુપ્તા (ઉ.વ. ૩૭) રહે છે. સૌરભભાઇ એલસીડી વગેરેનો વ્યવસાય કરે છે. મંગળવારે રાત્રે તેઓએ તેમની કાર ફલેટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. સવારે કોઇએ કારની ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી તેમાં પડેલી બેગમાં રૂ.૩૯,૦૦૦ રોકડા અને આઇફોનની એલસીડી મળી કુલ રૂ.૧.૬૩ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

સવારે સૌરભભાઇએ બેગ ન જોતાં ચોરી થઇ હોવાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ફલેટના પાર્કિંગમાં લાગેલી સીસીટીવી કેમેરાની તપાસ કરતાં બે અજાણ્યા ઇસમો બાઇક ઉપર આવતા નજરે પડે છે.

ચાંદખેડાના સર્જન ર ફલેટમાં આવેલા એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.પ૦૦૦ ચોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.પ૧,૦૦૦ની મતાની ચોરી થયાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

You might also like