ફ્લેટમાં રમતી બાળકી પર લોખંડની જાળી પડતાં મોત

અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં અાવેલા ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રમતી એક બાળકી પર લોખંડની જાળી પડતાં તેને માથામાં ઇજાઅો થતાં તેનું મોત નીપજ્યું હતું. ગઈ કાલે સાંજના સમયે બાળકી ફ્લેટમાં અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યારે અા બનાવ બન્યો હતો. બોપલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હેબતપુર ગામની સીમમાં અાવેલા છાપરામાં સુભાષરાય વાઘેલા તેમનાં પત્ની અને બાળકી સાથે રહે છે. સુભાષરાય અાસપાસમાં અાવેલા ફ્લેટ અને સોસાયટીમાં સફાઈ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

ગઈ કાલે સાંજના સમયે સુભાષરાય શીલજ ગામમાં અાવેલા અનન્ય ફ્લેટની બાજુની સોસાયટીમાં સફાઈ માટે ગયા હતા જ્યારે તેમનાં પત્ની તેમની બાળકી દક્ષા (ઉ.વ. ૬)ને લઈ અનન્ય ફ્લેટમાં સફાઈ માટે ગયાં હતાં. ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં દક્ષા અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે દરમિયાનમાં ફ્લેટની ગટર અને પાઈપને ઢાંકવા માટે લગાવેલી જાળી અચાનક જ દક્ષાના માથે પડી હતી. બનાવ બનતાં બૂમાબૂમ થઈ હતી અને ફ્લેટના રહીશો ભેગા થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત દક્ષાને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અાવી હતી. જ્યાં દક્ષાનું મોત નીપજ્યું હતું. અા અંગે બોપલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like