પાંચ માસમાં સોના-ચાંદી કરતાં શેરબજારમાં ઊંચું રિટર્ન જોવાયું

અમદાવાદ: ગઇ કાલે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૩૧,૧૪૫ની સપાટીએ બંધ જોવાયો હતો. નિફ્ટી પણ ૯૬૦૦ની ઉપર ૯૬૨૧ની સપાટીએ જોવા મળી હતી. કેલેન્ડર વર્ષ ૨૦૧૭ના જાન્યુઆરીથી મે સુધીના ડેટા જોઇએ તો નિફ્ટીમાં ૧૭.૫૪ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે, જ્યારે સેન્સેક્સમાં ૧૭ ટકાનો સુધારો આવ્યો છે, જ્યારે તેની સરખામણીમાં સોનામાં માત્ર ૩.૧૬ ટકા એટલે કે ૧૦ ગ્રામે હજાર રૂપિયાનો સુધારો નોંધાયો છે. તેની સામે ચાંદીમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી. ચાંદીમાં પ્રતિકિલોએ રૂ. ૩૦૦નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ટકાવારીના દૃષ્ટિકોણથી ૦.૭૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ડોલરમાં રોકાણ કરનારા પાંચ મહિનામાં ધોવાઇ ગયા છે. તેની પાછળનાં મુખ્ય કારણોમાં ડોલર સામે રૂપિયો પાછલા પાંચ મહિનામાં ૩.૪૨ પૈસા મજબૂત થયો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ શેરબજારમાં નાણાકીય પ્રવાહિતા વધી છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોની સાથે સ્થાનિક રોકાણકારોનું પણ ઊંચું રોકાણ જોવા મળ્યું છે. જીએસટી, સારા ચોમાસાના આશાવાદ, સરકારની આર્થિક સુધારા તરફી નીતિ તથા વિવિધ એજન્સી દ્વારા ભારતના ઊંચા આર્થિક વિકાસનાં અનુમાનના પગલે શેરબજારમાં સુધારો નોંધાયો છે.
http://sambhaavnews.com/

You might also like