પાંચ વર્ષમાં ૫૦ હજારને પણ રોજગારી મળી નથીઃ કોંગ્રેસ

અમદાવાદ: ગુજરાતે ઔદ્યોગિક વિકાસથી પેદા થનારી નોકરીઓમાં પીછેહટ કરી હોવાનું પ્રમાણપત્ર દેશ અને દુનિયાની નામાંકિત સંસ્થાઓ આપે છે છતાં રાજય સરકાર નંબર વન ના દાવા કરી રાજયના યુવાનોને ભરમાવતી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને પ્રવકતા નીશીત વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦૧૧માં જયારે પાંચમુ વાઈબ્રન્ટ થયું હતું ત્યારે સરકારે રાજયમાં ૨૦ લાખ નવી રોજગારીની તકોનું સર્જન થશે તેમ કહ્યું હતું પરંતુ પાંચ વર્ષ પસાર થવા છતાં ૫૦ હજાર યુવાનોને પણ રોજગારી મળી નથી. અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર પ્રણવ બર્ધને ભારતની નરેન્દ્ર મોદીની એનડીએ સરકાર તેમજ ગુજરાતની આનંદીબહેનની આંખો ખોલતો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.ગુજરાતમાં ઉદ્યોગોને કૃષિ કરતાં સાત ગણી સબસિડી આપવામાં આવી છે પણ તેનાથી રોજગારીનું સર્જન થયું નથી.

ગુજરાતમાં વ્યવસાયિક તાલીમ અપાતી નથી, પરિણામે ઉદ્યોગો તેમને જોઈતું માનવબળ બહારથી લઈ આવે છે. ગુજરાતમાં બેકારીના કારણે યુવાનોમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ ઘણું વધ્યું હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ પણ સામે આવ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ૨૦૧૪ના રિપોર્ટમાં આ બિહામણું સત્ય બહાર આવ્યું છે. એક જ વર્ષમાં ગુજરાતમાં નોકરી નહીં મળવાથી અથવા નોકરી છૂટી જતાં ૨૧૧ યુવાનોએ આત્મહત્યા કરી છે, જે પૈકી ૨૦૭ યુવાનો અને ચાર યુવતી હતી.

વાઈબ્રન્ટ ઈન્વેસ્ટર્સ સમિટની દુહાઈ દેવામાં આવે છે અને વર્ષે બે લાખ નવી નોકરીઓ શરૂ થશે તેમ કહેવામાં આવે છે પરંતુ હકીકતમાં જોઈએ તો ગુજરાતના યુવાનોને નોકરી મળતી નથી.  સરકારના સ્કીલ ડેવલપમેન્ટના દાવા કેટલા પોકળ સાબિત થયા છે તે સામે આવે છે.

ગુજરાતમાં બેકારી પાછળનું એક સૌથી મોટું કારણ ઔદ્યોગિક વિકાસના પોકળ દાવા છે. રાજયના યુવાનો સરકારની આશા પર મીટ માંડીને બેઠાં રહે છે પરિણામે ખેતી સાથે સંકળાયેલા સેકટર તરફ જોવામાં આવતું નથી. ગુજરાતમાં સરકારી ચોપડે નોંધાયેલા બેરોજગારોનો સત્તાવાર આંકડો ભલે ૧૦ લાખ હોય પરંતુ નહીં નોંધાયેલા બેરોજગારોને સામેલ કરવામાં આવે તો બેકારોની સંખ્યા ૨૫ લાખથી પણ વધી શકે છે.

You might also like