પાંચ વર્ષ સુધીનાં ભૂલકાંઓની મ્યુનિસિપલ તંત્ર ડોર ટુ ડોર આધારકાર્ડ નોંધણી કરશે

અમદાવાદ: તાજા જન્મેલા બાળકથી લઇને પાંચ વર્ષ સુધીના બાળકનું આધારકાર્ડ તૈયાર કરવા માટે તેના વાલીઓને બહુ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ પાંચ વર્ષ સુધીનાં બાળકોના આધારકાર્ડ માટે ઘરે ઘરે ફરીને નોંધણી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

આધારકાર્ડની નોંધણી માટે શહેરમાં પ૦ જેટલાં સરકારી કેન્દ્ર કાર્યરત છે, પરંતુ વયસ્ક વ્યક્તિઓ આધારકાર્ડ કઢાવવા નજીકના આધારકાર્ડ નોંધણી કેન્દ્રનો સંપર્ક કરી શકે છે, જોકે ભૂલકાંઓ માટે આમ કરવું શક્ય ન હોઇ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ઘરે ઘરે ફરીને ભૂલકાંઓને અપાતી પોલિયોની રસીની જેમ ઘેર ઘેર ફરીને ભૂલકાંઓનાં આધારકાર્ડની નોંધણી માટેની કવાયત આરંભી છે.

મ્યુનિસિપલ આયોજન વિભાગના વડા પથિક શાહ કહે છે, ઘરે ઘરે ફરીને શૂન્યથી પાંચ વર્ષ સુધીનાં બાળકોનાં આધારકાર્ડની નોંધણી કરવા ખાસ મ્યુનિસિપલ કર્મચારીને તૈયાર કરાયા છે. આ કર્મચારીને પ્રત્યેક બાળકની નોંધણીદીઠ પ્રોત્સાહન રાશિ પણ ચૂકવાશે. આ માટે કર્મચારીને વિશેષ ‌િકટ અપાઇ છે, જેમાં નાનકડું ટેબ્લેટ, ફિંગર પ્રિન્ટ સ્કેનરનો સમાવેશ કરાયો છે. પોતાને સોંપાયેલા વિસ્તારના ઘરની મુલાકાત લઇને કર્મચારી પાંચ વર્ષ સુધીના બાળકનો ફોટો પાડશે તેમજ તેની માતા કે પિતાના આધારકાર્ડના આધારે કોઇ પણ એકના અંગૂઠાનું નિશાન લઇને બાળકના આધારકાર્ડની નોંધણી કરશે, જોકે બાળકના જન્મનો દાખલો પણ નોંધણી માટે જરૂરી છે.

પાંચ વર્ષ સુધીના બાળકની આંખ કે હાથની આંગળીઓ કે અંગૂઠાનું નિશાન આવશ્યક નથી, પરંતુ બાળક પાંચ વર્ષનું થાય તે વખતે ફરીથી નવું આધારકાર્ડ કઢાવવું પડશે જે બાળક પંદર વર્ષનું થાય ત્યાં સુધી ચાલશે. ત્યારબાદ ફરીથી છેલ્લી વખત નવું આધારકાર્ડ કઢાવવું પડશે અને આ આધારકાર્ડ જીવનપર્યંત ચાલશે.

હાલમાં તંત્ર દ્વારા ૪પ ટેબ્લેટ ઘરે ઘરે ફરીને નાનાં બાળકોના આધારકાર્ડની નોંધણી માટે કર્મચારીઓને અપાયાં છે અને આગામી તા.૧ સપ્ટેમ્બર સુધીમાં ૧રપ ટેબ્લેટ અપાઇ જશે તેમ જણાવતાં આ મ્યુનિસિપલ અધિકારી નોંધણી માટે ઘરે આવેલા સ્ટાફને નાગરિકો સહકાર આપે તેવી અપીલ પણ કરે છે.

You might also like