કલાસ વન અધિકારી તરીકે બઢતી પહેલાં પાંચ વર્ષનો ખાનગી અહેવાલ ધ્યાને લેવાશે

અમદાવાદ: રાજ્ય સરકારમાં કલાસ રમાં હાલમાં ફરજ બજાવતા કુલ પ૩પ અધિકારીઓને ટૂંક સમયમાં કલાસ ૧ની જગ્યા પર બઢતી આપવા માટે કામગીરી શરૂ કરાઇ છે. અત્યાર સુધી થતી સીધી બઢતીના સ્થાને હવે ફરજિયાતપણે બઢતી પહેલાં જે તે અધિકારીનો છેલ્લાંં પાંચ વર્ષનો ખાનગી અહેવાલ ધ્યાને લેવાશે. કલાસ ૧ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા ઉપરાંત કલાસ રમાંથી કલાસ ૧માં બઢતી આપવા માટેની પસંદગી યાદી તૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ બઢતી માટેની યોગ્યતા નક્કી કરવા માટે જે તે કર્મચારી કે અધિકારીની કામગીરીના છેલ્લાં પાંચ વર્ષના ખાનગી અહેવાલો ફરજિયાત ધ્યાને લેવામાં આવશે.
હાલમાં સરકારમાં ‘પાર’ પદ્ધતિ અમલમાં છે જેનાં પર્ફોર્મન્સ બેઝ અહેવાલ એટલે કે કર્મચારી કે અધિકારીના પર્ફોર્મન્સના આધારે અહેવાલ તૈયાર થાય છે. આ ‘પાર’ પદ્ધતિ છેલ્લાં એક વર્ષથી અમલી છે માટે કલાસ ૧ની જગ્યાના પ્રમોશન માટે ખાનગી અહેવાલ ફરજિયાત ધ્યાને લેવામાં આવશે.
અત્યાર સુધી કાર્યકાળ સમયની સાથે કલાસ રના અધિકારી કલાસ ૧માં પ્રમોટ થતા હતા પરંતુ હવે પાંચ વર્ષનો ખાનગી અહેવાલ બઢતી માટે ફરજિયાત ધ્યાને લેવામાં આવશે.
આ અંગે સચિવાલય સ્ટાફ એસો.ના સેક્રેટરી તેજસ પટેલે જણાવ્યું હતું કે, સીધી ભરતીના કિસ્સામાં મોટા ભાગે બઢતી આપવા માટે જે તે અધિકારીનો સી.આર. હોતો નથી માટે પાંચ વર્ષના સમયગાળામાં તે બઢતી પાત્ર થાય તો તેનો છેલ્લાં પાંચ વર્ષનો ખાનગી અહેવાલ ધ્યાને લેવાશે.

You might also like