મુંબઈમાં કારમાં ગૂંગળાઈ જવાથી પાંચ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ

મુંબઈ:મુંબઈના ઘાટકોપર (વેસ્ટ)ના દામોદર પાર્કમાં પોલીસે જપ્ત કરેલી એક કારમાં પાંચ વર્ષનો બાળક રમતાં રમતાં પહોંચી ગયા બાદ કારમાં જ ગૂંગળામણને કારણે તેનું મોત થયાની કરુણ ઘટના ઘટી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા જપ્ત કરાયેલી તવેરા કારમાં ગૂંગળાવવાના કારણે એક માસૂમ બાળક મૃત્યુ પામતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઈ ગઈ હતી. બાળકના પરિવારે આ ઘટનામાં તપાસની માગણી કરી છે.
આ ઘટનાની વિગતો એવી છે કે દામોદર પાર્કની બાજુમાં આવેલી એક ચાલીમાંથી પાંચ વર્ષનો માસૂમ બાળક કુરબાન રહીમ ખાન ઉર્ફે ઈબુ મેદાનમાં રમવા ગયો હતો.
થોડીવાર પછી કુરબાન નહીં દેખાતા તેની શોધખોળ કરવામાં આવી હતી. કુરબાનનો ભાઈ જ્યારે દામોદર પાર્કના પ્લે ગ્રાઉન્ડમાં શોધી રહ્યો હતો. ત્યારે તેની નજર એક તવેરા કાર પર પડી હતી. જેનો દરવાજો ખુલ્લો હતો. આ કારમાં કુરબાન બેશુદ્ધાવસ્થામાં જોવા મળ્યો હતો અને તેના નાકમાંથી લોહી નીકળતું હતું. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરોઓએ તેને મૃત જાહેર કર્યો હતો. આમ કુરબાનના રહસ્યમય સંજોગોમાં થયેલા મૃત્યુને કારણે અનેક સવાલો અને શંકાકુશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુરબાનનું મૃત્યુ ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. સ્થાનિક રહેવાસીઓએ આ માટે ક્રાઈમ બ્રાંચને જવાબદાર ગણાવી છે. ક્રાઈમ બ્રાંચે પાર્ક કરેલી બધી કારના દરવાજા ઓટોમેટિક ઉઘાડબંધ થાય છે. જે ભયનજક છે અને ક્રાઈમ બ્રાંચે તેના પર ધ્યાન આપવું જોઈએ. એવી સ્થાનિક લોકોની લાગણી અને માગણી છે.

You might also like