કાશ્મીરમાં સુરક્ષા દળોનો ડબલ એટેકઃ પાંચ આતંકી ઠાર, એક જીવતો પકડાયો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાઓનું આતંકી વિરુદ્ધ ઓપરેશન ઓલ આઉટ પુરજોશમાં જારી છે. આજે સવારે સુરક્ષા દળોએ બારામુલ્લા અને હંદવાડામાં આતંકીઓ પર ડબલ એટેક કર્યો હતો. રવિવારે મોડી રાત્રે જારી રહેલી અથડામણમાં અત્યાર સુધી સુરક્ષા દળોએ બારામુલ્લામાં બે આતંકીઓને અને હંદવાડામાં ત્રણ આતંકવાદીઓને ઢાળી દીધા હતા. બારામુલ્લામાં એક આતંકી જીવતો પણ પકડાયો છે. સુરક્ષા દળો અને સીઆરપીએફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

બારામુલ્લાના હિંસુ વિસ્તારમાં રાત્રે ૧૨.૩૦ કલાકની આસપાસ એન્કાઉન્ટર થયું હતું. જોકે હવે ફાયરિંગ બંધ થઈ ગયું છે, પરંતુ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન જારી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી એસ.પી. વૈદ્યે ટ્વિટ કરીને એવું પણ જણાવ્યું હતું કે હંદવાડામાં ત્રણ પાકિસ્તાની આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાતિલ ઠંડી હોવા છતાં સુરક્ષાદળોએ આ ઓપરેશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો.

સુરક્ષા દળોને એવી માહિતી મળી હતી. બારામુલ્લાના હંદવાડામાં ઉનીશમાં ત્રણ આતંકીઓ છુપાયા છે. ત્યાર બાદ સીઆરપીએફ, પોલીસ અને સેનાએ મળીને ‘કાસો’ એટલે કે કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે સુરક્ષા દળો આતંકીઓ જે ઘરમાં છુપાયા હતા તેની નજીક પહોંચ્યા ત્યારે તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોના જવાબમાં બે આતંકીઓ માર્યા ગયા હતા અને એક ઘાયલ આતંકીને જીવતો ઝડપી લીધો હતો, જેનું પણ પાછળથી મોત થયું હતું. માર્યા ગયેલા ત્રણેય તમામ આતંકવાદીઓ પાસેથી જંગી જથ્થામાં શસ્ત્રો ઝડપાયા હતા.

નૌશેરામાં પાકિસ્તાની દળોનું ફાયરિંગઃ સેનાના અધિકારી ઘાયલ
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા નજીક ભારતીય ચોકીઓ ઉપર પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં સેનાના એક જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) ઘાયલ થયા હતા. પોલીસના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે એક તાજી ઘટનામાં પાકિસ્તાનના દળોએ આ જિલ્લાના નૌશેરા સેક્ટરમાં અગ્રીમ હરોળની ચોકી અને ગામોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું અને એ રીતે પાકિસ્તાને વધુ એકવાર યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. ભારતીય જવાનોએ તેનો સજ્જડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાની જવાનોએ આતંરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર આ વર્ષે ઓક્ટોબર સુધીમાં ૭૨૪ વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો છે, જ્યારે ગઈ સાલ ૨૦૧૬માં પાકિસ્તાને ૪૪૯ વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો.

You might also like