ઓરિસાથી ભાગેલા પાંચ આતંકીને વિશાખાપટ્ટનમમાં ઝડપી લેવાયા

વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશ પોલીસે દિલ્હીની નંબર પ્લેટવાળી એક કારને વિશાખાપટ્ટનમમાં રોકીને તેમાં સવાર પાંચ શકમંદ આતંકીઓને ઝડપવામાં સફળતા મેળવી હતી. વિશાખાપટ્ટનમમાં બે મહિલા સહિત પાંચ શકમંદને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ એ જ કાર હતી, જે ઓરિસાથી લાપતા બની હતી.

આ પાંચ શકમંદ આતંકીઓ છેલ્લે ઓરિસામાં દેખાયા હતા. તેમની પાસેથી ચાર ઇરાની પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ભુવનેશ્વરથી લાપતા થયેલી કારનો વિશાખાપટ્ટનમમાં પત્તો લાગ્યો હતો. ભાષાના કારણે આ શકમંદોની પૂછપરછમાં મુશ્કેલી નડી રહી છે. આ દરમિયાન ઓરિસાથી વિશાખાપટ્ટનમ માટે એસટીએફની ટીમ રવાના થઇ ચૂકી છે. કેન્દ્રીય એજન્સીઓ એમાં મદદ કરી રહી છે.

એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીના જણાવ્યા પ્રમાણે શંકાના આધારે દિલ્હીની નંબર પ્લેટ ધરાવતી એક કારને વિશાખાપટ્ટનમમાં ઘેરવામાં આવી હતી. ઓરિસાના ભુવનેશ્વરની એક હોટલમાંથી ભાગેલા કેટલાક શકમંદો તેમાં હતા. અમે આ બાબતમાં વધુ તપાસ કરી રહ્યા છીએ. ઓરિસામાંથી ફરાર થયેલા ચાર શકમંદ આતંકીઓની કારના આંધ્રપ્રદેશની સરહદમાં આવેલા ગીરીસોલામાં ચેકપોસ્ટ વટાવ્યાના સીસી ટીવી ફૂટેજ મળ્યા બાદ ઓરિસા પોલીસે આંધ્ર પોલીસને સતર્ક કરી દીધી હતી અને કારને વિશાખાપટ્ટનમ ખાતે ઝડપી લેવામાં આવી હતી.

You might also like