પાંચ રાજ્યમાં વરસાદની હેલીઃ ઈન્દોરમાં આભ ફાટવા જેવી સ્થિતિ

નવી દિલ્હી-મુંબઈ: છેલ્લાં બે ત્રણ દિવસથી દેશનાં અનેક રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે.જેનાં કારણે મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને આસામ તથા ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યમાં વરસાદની હેલી સર્જાઈ છે. જ્યારે ઈન્દોરમાં આભ ફાટવા જેવી સ્થિતિ જોવા મળતાં લોકો ભયભીત બન્યા છે. ઉત્તરાખંડમાં આભ ફાટતાં ૪૫૦ ઘેટાં બકરાંનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઈન્દોરમાં બે કિ.મી. વિસ્તારમાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. મધ્યપ્રદેશ સહિત અન્ય પાંચ રાજ્યમાં સ્થિતિ વધુ ગંભીર જણાઈ રહી છે. ઈન્દોરમાં સતત અને ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાતાં અનેક વિસ્તારમાં પૂર જેવી હાલત જોવા મળે છે. સતત વરસાદથી આસામ અને ઉત્તરપ્રદેશની અનેક નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. જેનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

મધ્યપ્રદેશમાં બેતવા અને નર્મદા તેમજ મહારાષ્ટ્રમાં ગોદાવરી નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. ભારે વરસાદથી મધ્યપ્રદેશમાં સાત અને મહારાષ્ટ્રમાં ચાર લોકોનાં મોત થયાં છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાકમાં મોન્સૂન પ.રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારમાં પહોંચી શકે છે. અને બાદમાં સમગ્ર દેશમાં વરસાદ પડવાની સંભાવના છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુર, નાસિક અને નંદુરબાર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જેમાં નંદુરબારમાં 24 કલાકમાં 390 મીમી વરસાદ નોંધાયો છે. નાસિકમાં ગોદાવરી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. સતારાની કોયના નદી પરનો સંગમનગર પુલ પાણીમાં ડૂબી જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. અને 35 ગામ સંપર્ક વિહોણાં બની ગયાં છે.

ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલયન વિસ્તારમાં આવેલા મલ્લા જોહારમાં આભ ફાટતાં મકાનના કાટમાળ નીચે દબાઈ જતાં 450 ઘેટાં બકરાંનાં મોત થયાં છે. સાથોસાથ એક પુલ પણ તણાઈ ગયો છે. આ અગાઉ પિથોરાગઢ જિલ્લામાં ગત પહેલી જુલાઈએ આભ ફાટતાં 15 લોકોનાં મોત થયાં હતાં. રાજ્યનાં જંગલોમાં લાગેલી આગથી ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે. વરસાદથી કૈલાસ માનસરોવરની યાત્રા સ્થગિત કરી દેવાઈ છે.

ઈન્દોર અને ઉજ્જૈનમાં જળબંબાકાર
સતત વરસાદને કારણે ઈન્દોર અને ઉજ્જૈનના અનેક વિસ્તારમાં જળબંબાકાર સર્જાયો છે. ઉજજૈનમાં ભારે વરસાદથી અનેક મંદિરે ડૂબી ગયાં છે. તંત્રએ હાલ આ બંને શહેરમાં એલર્ટ જાહેર કરી દીધું છે.
ઈન્દોરમાં સતત વરસાદથી સ્થિતિનો કયાસ મેળવવા ગઈ કાલે કલેકટર અને કમિશનર અનેક વિસ્તારની મુલાકાતે ગયા હતા. અને લોકોની મુશ્કેલી જાણવા પ્રયાસ કર્યો હતો. ઈન્દોરમાં થયેલા વરસાદની નોંધપાત્ર બાબત એ હતી કે માત્ર બે કિ.મી.ના વિસ્તારમાં જ મુશળધાર વરસાદ થયો હતો.

આસામમાં પણ વિકટ હાલત
દરમિયાન આસામમાં પણ સતત વરસાદ થતાં રાજયના છ જિલ્લામાં પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દરમિયાન કોટામાં નદીમાં ફસાઈ ગયેલા શિક્ષકનું મોત થયું છે.

મધ્યપ્રદેશના ભોપાલ, ઈન્દોર,રાયસેન, હોશંગાબાદ અને હરદા સહિતના અન્ય કેટલાક વિસ્તારમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી આપી છે.

You might also like