પાંચ રાજ્યોનાં રાજપાટ કોને હાથ ?

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા… આ પાંચ રાજ્યો માટે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે અલગ અલગ રાજ્યોમાં મતદાન ૪ ફેબ્રુઆરીથી લઈને ૮ માર્ચ સુધી ચાલશે. પરિણામ ૧૧ માર્ચે આવશે. એક પછી એક દરેક પ્રદેશમાં વર્તમાનમાં શું સ્થિતિ પ્રવર્તમાન છે તેનો ઝાયજો લઈએ.

રે… રે… સમાજવાદી તારી સાઇકલ કોણ ચલાવશે?

ઉત્તર પ્રદેશમાં હાલ તો ચૂંટણી ઓછી અને ભવાઈ વધુ ભજવાઈ રહી છે. તો આજ હી મીડિયા કો બતા દેં… કહીને રડમસ ચહેરે મુલાયમ સિંહ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી પુત્ર અખિલેશને પક્ષમાંથી સસ્પેન્ડ કરે છે… કાકા-ભત્રીજાની લડાઈમાં રોજ નવા વળાંકો આવે છે. કદીક કાકા શિવપાલ ભત્રીજા અખિલેશને ઘૂંટણિયે ટેકવતા નજરે પડે છે તો કદીક ભત્રીજા ધોબીપછાડ આપી કાકાની છાતી પર ચડી જતા જોવામાં આવે છે. આંતરિક કલહમાં અખિલેશ હીરો બનીને બહાર આવ્યા છે અને કાકા શિવપાલ યાદવની સ્થિતિ હારેલા સિપાઈ જેવી થઈ છે. સાઇકલ ચૂંટણી ચિહ્ન પણ તેમની પાસે રહેશે એવું આ લખાય છે ત્યારે લગભગ સ્પષ્ટ છે.

મુલાયમ ઘડીક નરમ તો ઘડીક કઠોર બની જાય છે. દિલ્હીના નિવાસસ્થાને કાર્યકર્તાઓને સંબોધતા ઘડીક કહે છે મારી પાસે ગણતરીના ધારાસભ્યો છે, બાકી બધા અખિલેશ પાસે છે. વળી પાછા એના સૂર બદલાઈ જાય છે, મુલાયમના કહેવાથી પક્ષ કાર્યાલયે તાળું લગાવી દેવામાં આવે છે, મુલાયમ અને શિવપાલની નેમપ્લેટ લગાવવામાં આવે છે.  મુલાયમસિંહ યાદવ સાથે હોવા છતાં અને પક્ષના અધ્યક્ષ હોવા છતાં શિવપાલને ધોબીપછાડ કેમ મળી? રાજનીતિજ્ઞો આની પાછળ મુખ્યમંત્રી અખિલેશની સ્વચ્છ છબી અને ચાચા રામગોપાલ યાદવના મેનેજમેન્ટને જવાબદાર ગણે છે. અખિલેશે પાર્ટી સાથે જોડાયેલા બધાને એવો સંદેશો આપ્યો કે જુઓ, તમારા માટે હું મારા પોતાના પરિવાર સામે પણ લડી શકું છું. ૩૧ ડિસેમ્બરે અખિલેશ અને મુલાયમ બંનેએ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. શિવપાલને હતું કે પક્ષ પર તેની પૂરી પકડ છે પણ, શિવપાલે ધારાસભ્યોને ફોન કર્યા તો મોટાભાગનાએ તેનો ફોન જ નહોતો ઉપાડ્યો. સામે અખિલેશની બેઠકમાં ૨૦૦ જેટલા ધારાસભ્યોએ હાજરી આપી. એમાંથી ૮૦ એવા હતા કે જે પોતાના દમ પર જીતી શકે. અખિલેશને વધુ શું જોઈએ? અખિલેશે પોતાનો અલગ રસ્તો પસંદ કરી લીધો છે. જોકે પિતા સાથે આટલી બેરહેમી દાખવવાનો દાગ તો અખિલેશ ઉપર લાગી જ ગયો છે અને એનું નુકસાન પણ તેમણે ભોગવવું રહ્યું.

ઉત્તર પ્રદેશનો પહેલો વિકાસપુરુષ?

દેશની લોકસભાની સૌથી વધુ સીટ ઉત્તર પ્રદેશની છે. આ રાજ્યો દેશને ૮ વડા પ્રધાન આપ્યા. એટલે આખા દેશની નજર ઉત્તર પ્રદેશની ચૂંટણી પર રહેશે. માયાવતીએ પોતાના શાસનકાળમાં ઠેરઠેર પૂતળાં ઊભાં કરીને એવું દર્શન કરાવી દીધું છે કે તેમને અને વિકાસને બાર ગાઉનું છેટું છે, પરંતુ ઉત્તર પ્રદેશના ૪૨ વર્ષના યુવા મુખ્યમંત્રી અખિલેશ વિકાસપુરુષ તરીકે લોકમાનસમાં પોતાની છબી પ્રસ્થાપિત કરવામાં સફળ થઈ રહ્યા હતા. જેના જોરે આ ચૂંટણી અખિલેશની સમાજવાદી સરકાર સરળતાથી જીતી જશે એમ લાગતું હતું પણ અમિત શાહની કૂટનીતિએ બધુ રમણભમણ કરી નાખ્યું. શાહે અમરસિંહને રિંગમાં ઉતાર્યા અને બાપ-દીકરો, કાકો-ભત્રીજો બાખડ્યા.

ગુજરાતમાં મોદીએ કર્યું હતું તેમ, અખિલેશ માત્ર વિકાસના નામે રાજનીતિ રમે અને પોતાની વિકાસપુરુષ તરીકેની છબી રજૂ કરે અને તે ચાલી જશે તો તેને તમામ વર્ગનું સમર્થન મળશે. તો આગામી સમયમાં આપણને યુપીમાં જાતિવાદી રાજનીતિથી ઉપર ઊઠેલી નવા પ્રકારની રાજનીતિનાં દર્શન થશે. જોકે ઘણા લોકો એવું માને કે અખિલેશની ચારે બાજુ ભ્રષ્ટ અફસરોની ફોજ છે. અખિલેશ પર ઘોર જાતિવાદી હોવાનું લેબલ પણ છે. જે વિકાસની અખિલેશ વાત કરે છે તેમાં એક્સપ્રેસ વે અને મેટ્રો સિવાય ખાસ કશું નથી. રસ્તા, વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાની સ્થિતિ ખરાબ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ બહુ સુધારો નથી થયો. તો અખિલેશની સરકાર ગબડે જ ગબડે.

ગઠબંધનની વેતરણમાં

સ્વાભાવિક છે કે પક્ષના ભાગલા પડ્યા પછી મતોનું વિભાજન થાય અને એનું પરિણામ હાર સ્વરૂપે જ મળે. સપાની આંતરિક લડાઈનો સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો છે. કોંગ્રેસની હાલત સારી નથી. સૌથી વધુ આશા ભાજપને જાગી છે. ચૂંટણીની તારીખો જાહેર થયા પછી થયેલાં સર્વેક્ષણોમાં યુપીમાં ભાજપની સરકાર બનતી બતાવવામાં આવી રહી છે. એટલે જ હાલ તો અખિલેશ ગઠબંધન કરીને ચૂંટણીમાં ઝંપલાવવા માગે છે અને મૂંઝવણ એ વાતે છે કે ગઠબંધન ભાજપ સાથે કરવું કે કોંગ્રેસ સાથે? અખિલેશ હાલમાં એ દાખલો ઉકેલવામાં પડ્યા છે કે કયા પક્ષ સાથે જવાથી વધુ ફાયદો થશે. સૂત્રોનું કહેવું છે કે અખિલેશને ભાજપ સાથે જવામાં વધુ ફાયદો દેખાઈ રહ્યો છે. પણ પાર્ટીના ઘણા નેતા ભાજપ સાથે જવાના સમર્થનમાં નથી. તેમને લાગે છે કે એમ થાય તો ભાજપનું પલ્લું ભારે થઈ જાય. જ્યારે કોંગ્રેસ સાથે અખિલેશ મજબૂત સ્થિતિમાં રહી શકે છે. કોંગ્રેસ સાથે હોય તો મુસ્લિમ મતબેંક પણ વિભાજિત ન થાય. કોંગ્રેસ એકલપંડે યુપીમાં કંઈ કરી શકે તેમ નથી એટલે તેને અખિલેશનો સાથ મળે તો સત્તાની સંભાવના વધી જાય છે. સૂત્ર પ્રમાણે, જો અખિલેશ કોંગ્રેસ સાથે ગઠબંધન કરે તો કોંગ્રેસને સમાજવાદી પાર્ટી ૯૦થી ૧૦૦ સીટ ઑફર કરશે અને આ ગઠબંધનમાં પ્રિયંકા ગાંધીની મોટી ભૂમિકા હશે.

યુપીમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસે સંગઠનથી લઈને ચહેરો સુધ્ધાં બદલી નાખ્યો. જોકે તે પછીય કોઈ ખાસ ફરક પડ્યો જણાતો નથી. કોંગ્રેસના યુપીના મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર શીલા દીક્ષિતે એક ચેનલ સાથેની વાતચીતમાં “અખિલેશ મારા કરતાં વધુ સારા છે અને અખિલેશ માટે રસ્તો કરી દેવામાં મને આનંદ થશે.” એમ કહીને સપા-કોંગ્રેસ ગઠબંધનની ચર્ચાને વેગ આપ્યો છે.

બે રણનીતિકારની ટક્કર

સોશિયલ મીડિયા પર ભલે રાહુલ ગાંધી હંમેશાં મજાકનું પાત્ર બની રહ્યા હોય, ઉત્તર પ્રદેશમાં તેમણે ઘણી મહેનત કરી છે. તેમની ખાટ સભાઓ અને કિસાનયાત્રાથી કોંગ્રેસની છબી થોડીક સુધરી છે. રાહુલ ગાંધીની મુશ્કેલી એ છે કે તેઓ દેશના સૌથી મોટા વિરોધ પક્ષના નેતા છે પણ દેશનો મોટાભાગનો વર્ગ તેમને પરિપક્વ નેતા તરીકે નથી સ્વીકારતો. વાસ્તવમાં રાહુલ ગાંધીની આ મહેનત પાછળનો હાથ કોંગ્રેસના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો છે અને રાહુલ ગાંધી પ્રશાંત કિશોરની બધી વાત માને છે. કોંગ્રેસની મંશા એવી છે કે ૧૦૦ સીટો મળી જાય તો પોતે

કિંગમેકરની ભૂમિકામાં આવી જાય અને બિહારની જેમ યુપીમાં પણ સત્તામાં ભાગીદારી થઈ શકે. કોંગ્રેસ ૧૦૦ સીટો જીતે તો ભાજપનો ખેલ બગડે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર અને મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર શીલા દિક્ષીત યુપીમાં સક્રિય નથી અને રાજ બબ્બરને પ્રશાંત કિશોર પસંદ નથી. કોંગ્રેસની કાર્યશૈલી અનુરૂપ, પ્રશાંત કિશોરને કામમાં સહયોગ નથી મળતો એટલે કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસમાં આવીને પીકેએ ભૂલ કરી નાખી છે.

શાહની વાલ્મીકિ રામાયણ 

ઉત્તર પ્રદેશમાંથી ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને ૭૧ સીટ પર ઐતિહાસિક જીત મળી હતી. માયાવતી પોતાની વોટબેંકને આધારે ચૂંટણી બ્યૂગલો ફૂંકી રહી છે. ભાજપ માટે સૌથી મોટો પડકાર માયાવતીની વોટબેંકમાં ગાબડું પાડવાનો છે. અને તે માટે અમિત શાહે પાક્કું આયોજન કર્યું છે. આંબેડકરની મદદથી દલિત વોટબેંકને પોતાના પક્ષમાં લેવાની કોશિશ થઈ રહી છે. એ યોજના અંતર્ગત જ અમિત શાહ કહે છે કે વાલ્મીકિને કારણે રામાયણ અસ્તિત્વમાં આવી. શાહે તો ત્યાં સુધી કહી નાખ્યું કે વાલ્મીકિ રામાયણ ન લખત તો આજે પ્રભુ રામને કોઈ ન જાણતું હોત અને રામે દલિત ઉત્થાન અને દલિત સમરસતાનું કામ ઢંઢેરો પિટ્યા વગર કર્યું હતું. સમરસ સમાજનું સપનું હવે દૂર નથી, કેન્દ્ર સરકાર એ દિશામાં જ કામ કરી રહી છે. સ્વામી પ્રસાદ મૌર્યા બીએસપીના પછાત વર્ગના મોટા નેતા હતા તે ભાજપ સાથે જોડાઈ ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષનું પદ પણ ઉજળિયાત વર્ગના લક્ષ્મીકાંત વાજપેઈ પાસેથી લઈને અતિ પછાત જાતિના કેશવપ્રસાદ મૌર્યને સોંપવામાં આવ્યું છે, જેથી સામાજિક સમીકરણોને સાધી શકાય. અતિ વ્યસ્તતા વચ્ચે પણ અમિત શાહ અઠવાડિયાનો એક દિવસ યુપીના કોઈક ને કોઈક વિસ્તારમાં વિતાવે છે. એનાથી એ વાતનો સંકેત મળે છે કે યુપીની ચૂંટણી જીતવા માટે અમિત શાહ કેટલા આતુર છે? શાહની આ આતુરતા બહુજન સમાજ પાર્ટીની છાવણીમાં ઉચાટ જન્માવે છે. માયાવતીએ સૌથી વધુ હુમલો ભાજપ પર કર્યો છે, સીધા મોદી પર કર્યા છે. ખુદ માયાવતીને લાગી રહ્યુ છે કે કદાચ બીજેપીનો ઇરાદો બર આવી પણ જાય.

બીજી તરફ દલીતોની મસિહા કહેવાતી બીએસપી સુપ્રીમો માયાવતીનો દલિતો ઉપરનો ભરોસો ઊઠી રહ્યો છે અને હવે તેમના પર મુસ્લિમપ્રેમ હાવી થઈ રહ્યો છે. માયાવતીએ સમાજવાદી પાર્ટીની મુસ્લિમ વોટબેંકમાં ભાગ પડાવવાનો પેંતરો રચ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે બીએસપીએ ૮૭ સીટો પર એસસી ઉમેદવારો ઉતાર્યા છે જ્યારે ૯૭ સીટો પર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે.

ભાજપ જીતે તો મુખ્યમંત્રી કોણ? એક આંતરિક સરવૅ

જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદ માટે લોકોનો મત જાણવા ભાજપ દ્વારા આંતરિક સરવૅ કરાવવામાં આવ્યો છે. સરવૅમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોઈ શકે એ બાબત લોકોનો મત જાણવા સાત વિકલ્પો આપવામાં આવ્યા હતા. આ સરવૅ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના ૨૭ જિલ્લાની ૮૧ વિધાનસભા સીટો પર કરાવવામાં આવ્યો હતો. ભાજપના એક આંતરિક સરવૅમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ મુખ્યમંત્રી પદની પહેલી પસંદ સ્વરૂપે સામે આવ્યા છે. સરવૅમાં તેમને ૨૨.૫ ટકા લોકોએ પસંદ કર્યા છે. બીજા નંબરે ૧૯.૬૦ ટકા મત સાથે લખનૌના મેયર અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. દિનેશ શર્મા છે. ત્રીજા સ્થાને ઉમા ભારતી છે, તેને ૧૭ ટકા લોકોએ મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર તરીકે પસંદ કર્યાં છે. મુખ્યમંત્રી પદની રેસમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માને ૧૪.૪ ટકા, યોગી આદિત્યનાથને ૧૨.૫ ટકા અને કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રને ૧૨ ટકા લોકોએ પસંદ કર્યા છે. બે ટકા લોકો એવા મળ્યા હતા જેમને ભાજપ ગમે તેને મુખ્યમંત્રી બનાવે તેનાથી કોઈ ફરક પડતો નથી.

યુપી ઓપિનિયન પોલ- સપાની પીછેહઠ અને ભાજપની આગેકૂચ

ઇન્ડિયા ટુડે-એક્સિસ સરવૅ ૪ જાન્યુઆરીએ ૨૧,૦૦૦ સેમ્પલ દ્વારા હાથ ધરાયો હતો અને તેમાં ભાજપની ૨૧૧ જેટલી સીટ સાથે જીત બતાવવામાં આવી હતી. આ સરવૅમાં એસપીને ૯૫ અને બીએસપીને ૮૨ સીટ આપવામાં આવી હતી. ગત વર્ષના જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં હાથ ધરાયેલા સરવૅ અને ઓપિનિયન પોલનું વલણ દર્શાવે છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સીટોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે, એની સામે ભાજપની સીટોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગત જુલાઈમાં સત્તાની લગામ સપાના હાથમાં સોંપવામાં આવી હતી જ્યારે આજે ભાજપનો ઘોડો જીતમાં બતાવવામાં આવી રહ્યો છે. જોકે ઇન્ડિયા ટુડેના સરવૅથી વિપરીત એબીપી ન્યૂઝ-સીએસડીએસના સરવૅમાં સપાને સૌથી વધુ ૧૪૬ સીટ ફાળવવામાં આવી છે. સરવૅમાં કોંગ્રેસને મળતી સીટો આશ્ચર્ય પમાડે છે. તમામ સરવૅમાં કોંગ્રેસને ૧૦ જેટલી સીટો જ જીતતી દર્શાવવામાં આવી છે. જો ખરેખર કોંગ્રેસનું આવું જ પરિણામ આવે તો એવું જ સાબિત થશે કે રાહુલ ગાંધીને નેતા તરીકે કોંગ્રેસ વેંઢારી રહ્યો છે અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર વધુ પડતા ચગાવવામાં આવ્યા છે, તેમની પક્ષને જિતાડી શકવાની કોઈ હેસિયત જ નથી.

પંજાબમાં ‘આપ’ની આબરૂ ગઈ!

દિલ્હી વિધાનસભા ચૂંટણી વખતે મેળવેલી ‘આપ’ની પ્રતિષ્ઠા અત્યારે ધૂળમાં મળી ગઈ છે. તે વખતે એમ લાગતું હતું કે ધીરેધીરે ‘આપ’ પંજાબ, હરિયાણા, ગોવા, ગુજરાત… અને એમ આગળ ધપતું જશે અને બહુ જલદી રાષ્ટ્રીય પક્ષ બની જશે. પણ બહુ જલદી ‘આપ’ પરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગયો.

ગત મકરસંક્રાંતિએ અરવિંદ કેજરીવાલ પંજાબની સ્થિતિનો અંદાજ મેળવવા ગયા હતા અને પહેલી મોટી રેલી કાઢી હતી. રેલીનું સ્વરૂપ જોઈને એનડીએ અને કોંગ્રેસને તમ્મર આવી ગયાં હતાં. એ પછીના ૬ મહિનામાં પણ ‘આપ’ આગળ વધી. એ પછી વળતાં પાણી થયાં. સુચ્ચા સિંહ છોટેપુર, ધર્મવીર ગાંધી જેવા નેતાઓનો બળવો અને આરોપોથી ‘આપ’ને ઘણું નુકસાન થયું છે. મહિના પહેલાં ‘આપ’માંથી પંજાબ રાજ્ય કાર્યકારિણીનાં સભ્ય યામિની ગોમર, પંજાબ યુવા વિંગના ઉપપ્રમુખ બલજિત સિંહ અને પંજાબ એકમના પૂર્વ સંયોજક એલ.આર. નૈયરે રાજીનામાં આપી દીધાં હતાં. યામિનીનો આરોપ હતો કે પંજાબમાં પૈસાથી કરોડો રૂપિયા આપીને ઉમેદવારો ટિકિટો ખરીદી રહ્યા છે. ચૂંટણીમાં જીત્યા પછી તેઓ પૈસા બનાવશે. આમાં ‘આપ’ ભ્રષ્ટાચારમુક્ત શાસન કઈ રીતે આપશે? નૈયરે રાજીનામાં વખતે કહ્યું હતું કે હું પોતે કેજરીવાલને ભ્રષ્ટ ઉમેદવારો સામે પુરાવા આપી આવ્યો હતો પણ તેના પર કોઈ ધ્યાન અપાયું નથી. પંજાબમાં ‘આપ’ના આંતરિક બળવાના કારણે જ કોંગ્રેસ વધુ મજબૂત દેખાઈ રહી છે.

 ઓરમાયા હોવાની વેદના

સરવૅ પ્રમાણે પંજાબમાં રાજનીતિક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યાં છે. ‘આપ’નું નામું નંખાઈ રહ્યું છે તેની સામે એનડીએમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. ભાજપ માટે ભારે ભીડ એકઠી કરવા સક્ષમ સિદ્ધુ હવે કોંગ્રેસ માટે પ્રચાર કરશે. પંજાબ પર છેલ્લાં ૧૦ વર્ષથી અકાલી-ભાજપ ગઠબંધન શાસન કરી રહ્યું છે. એન્ટિ-ઇન્કમ્બન્સી અને આંતરિક કલહ એનડીએને ફરી સત્તામાં આવતા રોકી રહ્યા છે. મોદીનો કરિશ્મા જ તેને ત્રીજી વાર સત્તા અપાવી શકે એમ છે. અન્યથા અહીં કોંગ્રેસ કાઠું કાઢશે. જો પંજાબમાં એનડીએ જીતશે તો કેન્દ્ર સરકારની કાર્યશૈલીથી ખુશ થઈ લોકોએ અકાલ-ભાજપ ગઠબંધનને મત આપ્યો એમ મનાશે અને જો હારશે તો ખરાબ પ્રદર્શનનું ઠીકરું અકાલી દળ માથે ફોડવામાં આવશે. જોકે પંજાબમાં ભાજપને બહુ ગુમાવવાનું નથી.

વર્ષોજૂની ફોર્મ્યૂલા પ્રમાણે ૧૧૭માંથી ભાજપના ભાગે માત્ર ૨૩ સીટો જ લડવા મળે છે. ઓછી સીટો ફાળવવાના કારણે ભાજપવાળાનો ગુસ્સો સ્પષ્ટ દેખાય છે અને એ જ ગઠબંધનના અત્યારના આંતરિક કલહ પાછળનું સૌથી મોટું કારણ છે. પંજાબમાં ભાજપના નેતા કાર્યકર્તાઓની લાગણી છે કે તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. નારાજ ભાજપ કાર્યકર્તાઓની એક બેઠક મુક્તસર જિલ્લામાં મળેલી બેઠકમાં નેતાઓએ અહીં અકાલી દળનો પ્રચાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. બીજી તરફ કોંગ્રેસે પંજાબમાં તમામ શક્તિ કામે લગાડી છે.

કેપ્ટન અમરિંદર સિંહે રાહુલ ગાંધીની મદદથી આંતરકલહને દબાવી દીધો છે અને પોતાને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે જ પ્રસ્તુત કરી દીધા છે. સૂત્રો એમ પણ કહે છે કે પંજાબ ઉપર કોંગ્રેસને એટલી બધી આશાઓ છે કે રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરને ઉત્તર પ્રદેશને બદલે પંજાબ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા કહી દેવાયું છે. રણનીતિના ભાગરૂપે જ સિદ્ધુને ખેડવ્યા અને સિદ્ધુ કોંગ્રેસ માટે માહોલ ઊભો કરી શકે છે. કોંગ્રેસે વધારાનું જોર લગાવી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પંજાબમાં કોંગ્રેસ વતી પ્રચાર કરવાનું આમંત્રણ આપ્યું છે, જેને હજુ સુધી તેમણે સ્વીકાર્યું નથી.

પંજાબ-આપ કા ક્યા હોગા જનાબે આલી…

પંજાબમાં કુલ ૧૧૭ વિધાનસભા સીટમાંથી ૨૦૧૨ની પંજાબની ચૂંટણીમાં અકાલી દળની ૫૪ સીટ, કોંગ્રેસની ૪૬ સીટ અને કોંગ્રેસની ૧૨ સીટ મળી હતી. ગત વર્ષે માર્ચ ૨૦૧૬માં હફીંગ્ટન પોસ્ટ અને સી-વૉટરના સરવૅમાં આગામી ચૂંટણીમાં ‘આપ’ના ખાતે ૯૪થી ૧૦૦ સીટ ફાળવાઈ હતી. એ સરવૅમાં કોંગ્રેસને ૮-૧૪ અને અકાલી-ભાજપ ગઠબંધનને ૬-૧૨ સીટ ફાળવવામાં આવી હતી. એક જ મહિના પછી હફીંગ્ટન પોસ્ટ અને સી-વૉટરે ફરી સરવૅ કર્યો એમાં ‘આપ’ની સીટ ઘટીને ૮૩-૮૯ થઈ હતી. સરવૅમાં ‘આપ’ની ઘટેલી સીટ અકાલી-ભાજપ ગઠબંધનને ફાળે ગઈ હતી.   ઓક્ટોબરમાં વીડીપીએ એસોસિએટ્સના સરવૅમાં ‘આપ’ને ૯૩ સીટ, કોંગ્રેસને ૧૫ અને એનડીએને માત્ર ૬ સીટ ફાળવાઈ હતી.

થોડાક જ મહિનાઓમાં ચિત્ર બદલાયું અને ૫ાંચથી ૧૨ ડિસેમ્બર, ૨૦૧૬ દરમિયાન હાથ ધરાયેલા એબીપી, લોકનીતિ અને સીએસડીએસના સરવૅમાં પંજાબમાં ભાજપ-અકાલી દળના ગઠબંધનને ૫૦થી ૫૮ સીટ અને કોંગ્રેસને ૪૧થી ૪૯ સીટ મળી રહી છે. અચરજની વાત એ છે કે પંજાબમાં વરસ પહેલાં આમ આદમી પાર્ટીની સરકાર નક્કી મનાતી હતી, પરંતુ આજે આ સરવૅ ‘આપ’ને માત્ર ૧૨થી ૧૮ સીટ આપી રહ્યો છે. ‘આપ’ને ખાતે જઈ રહેલી આ સીટો પૈકી ૧૦ જેટલી સીટ ‘આપ’ની શાખના કારણે નહીં પણ ઉમેદવારની પોતાની પ્રતિષ્ઠાના કારણે મળી રહી છે.

વધુ બે રાજ્યો કોંગ્રેસમુક્ત થશે? 

હાલમાં યોજાઈ રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં બે રાજ્યો ઉત્તરાખંડ અને મણિપુરમાં કોંગ્રેસનું શાસન છે અને આસાર એવા છે કે બંને રાજ્યો કોંગ્રેસ ગુમાવશે. આ બંને રાજ્યોને કોંગ્રેસમુક્ત કરવા વડા પ્રધાન મોદી અને અમિત શાહે આગોતરું આયોજન હાથ ધર્યું હતું.

એબીપી-લોકનીતિ-સીએસડીએ, ઇન્ડિયા ટુડે-એક્સિસ, વીડીપી એસોસિએટ્સ… તમામ સરવૅમાં ૭૦ સીટ ધરાવતા દેવભૂમિ ઉત્તરાખંડમાં ભાજપને ૩૫થી ૪૩ સીટો મળવાનું અનુમાન છે. સરવૅ કહે છે કે અહીં કોંગ્રેસનું ભારે ધોવાણ થશે અને તે ૨૫ સીટો પૂરતી મર્યાદિત થઈ જશે. ૧૫થી ૨૫ ઓક્ટોબર વચ્ચે ઉત્તરાખંડની તમામ ૭૦ સીટના ૨૦૦૦ લોકોના રેન્ડમ  સેમ્પલ સાથેના ઇન્ડિયાટ્રેન્ડિંગનાઉના સર્વેક્ષણમાં ભાજપને ૩૯ ટકા, કોંગ્રેસને ૨૩ ટકા, ‘આપ’ને ૧૮ ટકા અને બીએસપીને ૫ાંચ ટકા મતો મળતા દર્શાવવામાં આવ્યા છે. આ સરવૅ પ્રમાણે ભાજપને ૫૧, કોંગ્રેસને ૧૦, ‘આપ’ને ૫ાંચ અને બીએસપીને બે સીટ મળી રહી છે.

ઉત્તરાખંડમાં આંતરિક કલહના કારણે કોંગ્રેસની હાલત કફોડી થશે એ નિશ્ચિત મનાય છે. કોંગ્રેસી મુખ્યમંત્રી હરીશ રાવત અત્યંત નબળા મુખ્યમંત્રી પુરવાર થયા છે. ધારાસભ્યોને સમર્થનના બદલામાં રિશવત આપતો રાવતનો સ્ટિંગ વીડિયો કોંગ્રેસને ઘણંુ નુકસાન પહોંચાડશે. જુમ્માની નમાજ માટે નોકરી કરતા મુસલમાનોને દોઢ કલાકની રિસેસ આપવાનો રાવત સરકારનો નિર્ણય પણ તેમને ભારે પડશે. ભાજપ મુસ્લિમ તુષ્ટિકરણના નામે આ મુદ્દે રાજકીય લાભ લઈ રહ્યો છે.

૬૦ વિધાનસભા સીટ ધરાવતા મણિપુર રાજ્યમાં ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપને માત્ર બે સીટ મળી હતી અને ૪૨ સીટ સાથે કોંગ્રેસને જંગી બહુમતી મળી હતી. મણિપુરમાં ગત ઓક્ટોબરમાં એકમાત્ર ચૂંટણી સર્વેક્ષણ થયું હતું. ઇન્ડિયા ટુડે-એક્સિસ દ્વારા હાથ ધરાયેલા આ સરવૅમાં ભાજપને ૩૧થી ૩૫ સીટ ફાળવવામાં આવી છે જ્યારે કોંગ્રેસ માત્ર ૧૯થી ૨૪ સીટ પર અટકી ગઈ છે.

ગોવાઃ ‘આપ’-ભાજપા જંગ જારી હૈ…

ગોવામાં અત્યારથી ભવિષ્ય ભાખી શકાય તેવી સ્થિતિ નથી. ભાજપ અને ‘આપ’ વચ્ચે ટક્કર જામશે એ નક્કી છે. જો ભાજપમાં ભંગાણ ન થયું હોત તો ગોવા ભાજપ પાસે સલામત જ રહેત. જોકે ગોવાની ૪૦ સીટમાંથી ભાજપને ફાળે ૨૭ સીટ જશે એવો અમિત શાહ દાવો કરી રહ્યા છે. ઓપિનિયન પોલમાં ગોવામાં એનડીએની જીત દર્શાવવામાં આવી છે પરંતુ તેને ૨૦-૨૨ સીટ પર મર્યાદિત રાખવામાં આવી છે. ૧૫થી ૨૫ ઓક્ટોબર વચ્ચે ગોવાની તમામ ૪૦ સીટના ૨૦૦૦ લોકોનાં રેન્ડમ  સેમ્પલ સાથેના ઇન્ડિયાટ્રેન્ડિંગનાઉના સર્વેક્ષણમાં ભાજપને ૨૧, ‘આપ’ને ૧૨ અને કોંગ્રેસને ૫ાંચ સીટ મળતી દર્શાવવામાં આવી છે. ગોવામાં આરએસસમાંથી અલગ પડેલું જૂથ ચૂંટણી લડી રહ્યું છે. જોકે ગોવા ઉપર

ગૃહમંત્રી મનોહર પર્રિકરનો ભારે પ્રભાવ અને મોદીએ નોટબંધી પરનું સૌથી પહેલું પ્રવચન ગોવામાં જ આપ્યું હતું, આ બંને બાબતો ભાજપ માટે ડેમેજ કંટ્રોલનું કામ કરશે. ગત ઓગસ્ટમાં જ ગોવા વિભાગના આરએસએસ પ્રમુખ સુભાષ વેલિંગકરને પક્ષ વિરોધી

પ્રવૃત્તિ કરવા બદલ પદ પરથી હટાવી દીધા હતા, ત્યારબાદ તેમણે ગોવા સુરક્ષા મંચ નામે નવો પક્ષ રચ્યો છે. એ ખરું કે આમ આદમી પાર્ટી ગોવા, ગુજરાત અને પંજાબમાં પહેલી વખત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવતા વિરોધી પક્ષોની ઊંઘ ઊડી ગઈ છે. જોકે એ ‘આપ’ની અંદર બધું ઠીકઠાક ચાલે છે એવું પણ નથી. પંજાબની જેમ ગોવામાં પણ બળવાખોરીના સૂરો ઊઠી રહ્યા છે. ગોવામાં સંદીપ કુમારના સીડીકાંડનાં પોસ્ટરો લાગ્યાં હતાં. ‘આપ’ ગોવાની તમામ ૪૦ સીટો પર ચૂંટણી લડી રહી છે અને ટિકિટની વહેંચણીને લઈને બખેડો થયો છે. ટિકિટની વહેંચણી મુદ્દે ગોવાના ‘આપ’ના ઘણા નેતા અને કાર્યકર્તાઓએ પક્ષમાંથી રાજીનામાંઆપ્યાં છે.

૧૬ કરોડ મતદાર….
પાંચ રાજ્યોની કુલ ૬૯૦ વિધાનસભા માટે ૧૬ કરોડ કરતાં વધુ મતદાતા મતદાન કરશે. મતદાન માટે ૧ લાખ ૮૫ હજાર મતદાનકેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. પહેલી વાર આ ચૂંટણીમાં ઇવીએમ મશીનો પર ચૂંટણી ચિહ્નની સાથે ઉમેદવારોના ફોટા પણ લગાવવામાં આવશે. ઉમેદવારો માટે ચૂંટણીખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ માટે ૨૮ લાખ રૂપિયા અને મણિપુર અને ગોવા માટે ૨૦ લાખ રૂપિયાની ખર્ચમર્યાદા નક્કી કરવામાં આવી છે. ચૂંટણીપંચ પેઇડ ન્યૂઝ પર નજર રાખશે.

ચૂંટણી પહેલી કે બજેટ પહેલું?
ચૂંટણીની તારીખોને લઈને બજેટની તારીખમાં બખેડો થઈ રહ્યો છે. એક રાજકીય પક્ષે ચૂંટણીપંચ પાસે માગ કરી છે કે ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારને સામાન્ય બજેટ રજૂ કરતાં અટકાવવામાં આવે. સામાન્ય રીતે દર વર્ષે બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં રજૂ કરવામાં આવે છે, પરંતુ આ પાંચ રાજ્યોમાં છેલ્લી ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી વખતે બજેટ મતદાન પૂરું થઈ ગયા પછી માર્ચના મધ્ય ભાગમાં રજૂ કરવામાં આવ્યું હતું.

જોકે કેન્દ્ર સરકાર કહી ચૂકી છે કે આગામી બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે અને બજેટ વહેલું રજૂ કરવાનું કારણ સરકારે એવું આપ્યું છે કે ૧ ફેબ્રુઆરીએ બજેટ બહાર પડે તો બધા પ્રસ્તાવોનો અમલ ૧ એપ્રિલથી થઈ શકે, પરંતુ બધા વિપક્ષોએ મળીને રાષ્ટ્રપતિને ફરિયાદ કરી છે કે આ ચૂંટણીઓમાં લાભ ખાટવા સરકાર વહેલું બજેટ લાવી રહી છે, બજેટમાં લોભામણી યોજનાઓ હશે જેનાથી મતદાતા પ્રભાવિત થઈ શકે છે. વિપક્ષોએ એવો પણ આરોપ મૂક્યો છે કે ચૂંટણી પહેલાં બજેટ રજૂ કરવાથી આદર્શ આચારસંહિતાનો ભંગ થાય છે. જોકે વિપક્ષોના આ આરોપ પછી પણ નાણામંત્રી અરુણ જેટલીનું કહેવું છે કે બધી યોજનાઓ અડધા વર્ષે ચાલુ થાય છે, એના બદલે ચોમાસું શરૂ થતા પહેલાં જ એપ્રિલથી કાર્યાન્વિત થઈ જાય એ જ બજેટ વહેલું લાવવા પાછળનો અમારો ઇરાદો છે અને એને અમે વળગી રહીશું.
http://sambhaavnews.com/

You might also like