પાંચ રાજ્યની ચૂંટણીઃ તમામ પક્ષ- નેતાઓની આકરી અગ્નિકસોટી

પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોનું ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. છત્તીસગઢમાં નકસલ પ્રભાવિત વિસ્તારોમાં મતદાન સંપન્ન થઇ ચૂક્યું છે.

અન્ય રાજ્યની ચૂંટણી માટેની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પડી ચૂકી છે.

ર૦૧૯ની સામાન્ય ચૂંટણીના રિહર્સલ સમી ગણાઇ રહેલી આ પાંચ રાજ્યની ચૂ્ંટણી પર દેશ અને દુનિયાની મીટ છે, એમાંય ખાસ કરીને પાંચ રાજ્યની ચૂંટણી એ દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે કે તેમાં દેશના તમામ રાજકીય પક્ષ અને ખેરખાં ગણાતા નેતાઅો માટે અગ્નિકસોટી સમાન છે અને આ ચૂંટણીમાં ભલભલાનાં પાણી મપાઇ જશે એટલું જ નહીં, પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ ર૦૧૯ની સામાન્ય ચૂંટણીઓની દશા અને દિશા નક્કી કરશે.

આમ જોઇએ તો લોકશાહીમાં સૌથી વધુ રસપ્રદ જો કોઇ વસ્તુ હોય તો તે ચૂંટણી છે. રસાકસી, કાંટે કી ટક્કર, ઠાલાં વચનોની લહાણી, નેતાઓ, ઉમેદવારોની મત માટેની કાકલૂદી, ભોળા મતદારોનું ભોળપણ, પરિણામો, અણધાર્યાં પરિણામોની પ્રતીક્ષા. આ બધું ચૂંટણીઓમાં જ માણવા મળતું હોય છે.

પાંચ રાજ્ય-છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગણામાં વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઇ રહી છે. નક્સલવાદી પ્રવૃત્તિઓથી ખદબદતા છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણીઓનું મતદાન પણ પૂર્ણ થઇ ગયું છે.

આ ચૂંટણીઓનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે આવતા વર્ષે ૨૦૧૯માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આમ જોઇએ તો આ ચૂંટણીઓને સે‌િમફાઇનલ ગણવી જોઇએ, કેમ કે ભાજપ, કોંગ્રેસ, બીએસપી જેવા રાજકીય પક્ષો આવતા વર્ષની ચૂંટણીઓ માટે કેટલા પાણીમાં છે તેનો ચિતાર આ ચૂંટણીઓ આપી દેશે. છત્તીસગઢની ૯૦, મધ્ય પ્રદેશની ૨૩૦, મિઝોરમની ૪૦, રાજસ્થાનની ૨૦૦ અને તેલંગણાની ૧૧૯ બેઠક માટે રણશિંગું ફૂંકાઇ ચૂક્યું છે.

પાંચ રાજ્યની ચૂંટણીમાં મોદી-રાહુલ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે એમ લાગી રહ્યું છે. ભાજપ સારો દેખાવ કરશે તો કેન્દ્રમાં ૨૦૧૯માં સત્તા ફરી મેળવવાની તેની આશા વધુ પ્રબળ બનશે. ભાજપની કેડરનું જોમ વધશે.

ભૂતકાળ પર નજર નાખીએ તો ૨૦૧૩માં ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ-તેનાં હિન્દી ભાષી રાજ્યમાં અનુક્રમે ૧૬૫, ૧૬૩ અને ૪૯ બેઠક જીતી હતી.

એની સામે કોંગ્રેસને અનુક્રમે ૫૮, ૨૧ અને ૩૯ બેઠક મળી હતી. તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વ હેઠળની તેલંગણા રાષ્ટ્ર સમિતિ પાર્ટી મજબૂત છે અને કોંગ્રેસ તથા ભાજપ સામે ભીડાશે. મિઝોરમમાં કોંગ્રેસ ૨૦૦૮થી સત્તામાં છે. જ્યારે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપનું છેલ્લાં ૧૫ વર્ષથી શાસન છે.

આંકડાની હકીકત મુજબ ૨૦૧૩માં છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની બેઠકોનો ફરક માત્ર ૧૦ સીટનો હતો અને તેમની વચ્ચેની મત વહેંચણીનો ફરક માત્ર ૦.૭૫ ટકા હતો. આમ, આ વખતે છત્તીસગઢની ચૂંટણી વધુ રસાકસીભરી બનશે એમ લાગી રહ્યું છે.

શાસક પક્ષ-ભાજપ એન્ટિ-ઇન્કમ્બન્સીનો સામનો કરી રહ્યો છે જ્યારે કોંગ્રેસ અજિત જોગી-બહુજન સમાજ પાર્ટી (બીએસપી) ગઠબંધનના પડકારનો સામનો કરી રહ્યાં છે.

છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહે ગયા અઠવાડિયે એવું કહ્યું હતું કે જોગીની પાર્ટી-જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જેસીસી) ભાજપ કરતાં વધુ નુકસાન કોંગ્રેસને કરશે.

મધ્ય પ્રદેશમાં ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે, કેમ કે અહીં સત્તા વિરોધી પરિબળ હાવી થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં કોંગ્રેસે પેટાચૂંટણીઓમાં સારો દેખાવ કર્યો છે. ૨૦૧૩ની ચૂંટણીમાં બીએસપીએ ૬.૨૯ ટકા મત અંકે કર્યા હોવાથી આ વખતે બીએસપી વધુ સીટ મેળવી જાય તેમ લાગે છે.

રાજસ્થાનનું એકમાત્ર રસપ્રદ પાસું એ છે કે ૧૯૯૮થી આ રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વારાફરતી સત્તા પર આવ્યાં છે, એક પણ પાર્ટી સતત બીજી ટર્મમાં સત્તા હાંસલ કરી શકી નથી એટલે આ વખતે શું પરિણામ આવશે એની કલ્પના કરી શકાય તેમ છે. તમામ ઓપિનિયન પોલ એક વાત સ્પષ્ટપણે જણાવે છે કે ભાજપને સત્તા વિરોધી પરિબળ નડશે અને રાજસ્થાનમાં ભાજપનાં વળતાં પાણીનો સ્પષ્ટ નિર્દેશ આપે છે.

You might also like