ચિક્કાર પીધેલા કોન્ટ્રાક્ટરે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી અાતંક મચાવ્યો

અમદાવાદ: અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક રેસિડન્સીમાં ગઇ કાલે મોડી રાત્રે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં આવેલા કોન્ટ્રાક્ટરે પાંચ રાઉન્ડ ફાય‌િરંગ કરતાં સનસનાટી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તથા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરીને ફાય‌િરંગમાં વપરાયેલી રિવોલ્વર જપ્ત કરી હતી. કૃષ્ણનગર પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં વોચમેનની હત્યા કરવાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

નરોડાના શ્રીનાથ ટેનામેન્ટમાં રહેતા ગજેન્દ્રસિંહ નાથુસિંહ રાજપૂત કલર કોન્ટ્રાક્ટર છે. નવા નરોડામાં આવેલ સિદ્ધિવિનાયક રેસિડન્સીમાં તેના બે ફ્લેટ આવેલા છે. આ બન્ને ફ્લેટ તેણે ભાડે આપી દીધા છે. જન્માષ્ટમીના બીજા દિવસે ગજેન્દ્રસિંહ સિદ્ધિવિનાયક રેસિડન્સીમાં ભાડવાતના ઘરે મોડી રાતે આવ્યો હતો. રેસિડન્સીના મુખ્ય ગેટ પર વોચમેન શૈલેશ ચંપકલાલ શાહે તેને અટકાવ્યાે હતાે અને ચોપડામાં ર‌િજસ્ટર કરવાનું કહ્યું હતું, જેમાં ગજેન્દ્ર ઉશ્કેરાયો હતો અને ચોકીદારને બીભત્સ ગાળો આપી હતી.

ઘટનાની જાણ રેસિડન્સીના રહીશોને થતાં તેઓએ વોચમેન શૈલેશ શાહને સાથ આપતાં ગજેન્દ્રએ સોસાયટીના બે રહીશો ઉપર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનને થતાં તેઓએ ગજેન્દ્રની ધરપકડ કરી હતી. ગઇ કાલે મોડી રાત્રે ગજેન્દ્ર ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો અને તેના ફ્લેટમાં જઇને ભાડવાત સાથે માથાકૂટ કરી હતી. ત્યારબાદ ગજેન્દ્ર પ્લા‌િસ્ટકનો એક બાંકડો ઊંચકીને પોતાની કારમાં મૂકીને સિદ્ધિવિનાયક રેસિડન્સીની બહાર કાર મૂકી દીધી હતી.

કારમાંથી નીચે ઊતરીને ગજેન્દ્રએ પાતાની સાથે રહેલી લાઇસન્સવાળી રિવોલ્વરથી વોચમેન શૈલેશ પર એક રાઉન્ડ ફાય‌િરંગ કર્યું હતું, જોકે શૈલેશ હટી જતાં બુલેટ રેસિડન્સીના ગેટ પર અથડાઇ હતી. ફાય‌િરંગનો અવાજ સંભળાતાં રહીશો તેમના ઘરેથી નીચે આવી ગયા હતા. રહીશોને જોતાં ગજેન્દ્ર ઉશ્કેરાયો અને હવામાં ઉપરાછાપરી 4 રાઉન્ડ ફાય‌િરંગ કરી નાખ્યું હતું. ફાય‌િરંગ થતાં રેસિડન્સીમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કા‌િલક તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગજેન્દ્રની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ગજેન્દ્ર પાસેથી રિવોલ્વર તથા બે જીવતા કારતૂસ પણ કબજે કર્યા છે. વોચમેન શૈલેશની હત્યા કરવાની કોશિશ મામલો પોલીસે હત્યાની કોશિશનો ગુનો પણ દાખલ કર્યો છે.

સિદ્ધિવિનાયક રેસિડન્સીમાં રહેતા રાકેશ પટેલે જણાવ્યું હતું કે જન્માષ્ટમીના બીજા દિવસે ગજેન્દ્ર દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો વોચમેન સાથે માથાકૂટ કરતાં અમે શાંતિ જાળવવાની વાત કરી હતી જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો અને દંડા વડે મુખ્ય ગેટ પર મારવા લાગ્યો હતો. આ સમયે રોડ સોસાયટીના બે રહીશો પર પણ હુમલો કર્યો હતો, જેથી અમે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

વોચમેન શૈલેશ શાહે જણાવ્યું હતું કે પારણાના દિવસે ગજેન્દ્ર આવ્યો હતો જેથી હું તેમને ઓળખતો નહીં હોવાથી ર‌િજસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહ્યું હતું. જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો અને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો, જેની અદાવત રાખીને ગઇ કાલે મોડી રાતે તે આવ્યો અને ફાય‌િરંગ શરૂ કરી દીધું હતું.

બનાવ અંગે ઝોન-૪ના ડીસીપી ડૉ. એસ.કે. ગઢવીએ જણાવ્યું હતું કે, ગજેન્દ્ર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને તેની પાસે ઓલ ઇન્ડિયા પરમીટનું રિવોલ્વરનું મધ્યપ્રદેશની પોલીસે ઇશ્યૂ કરેલું લાઇસન્સ છે. મોડી રાતે તે ચિક્કાર દારુ પીધેલી હાલતમાં હતો અને ફાય‌િરંગ કર્યું. માટે તેનું લાઈસન્સ રદ કરવા માટે મધ્યપ્રદેશની પોલીસને જણાવી દીધું છે ત્યારે તેના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.

You might also like