પાંચ ટકાથી વધુ ઓવરલોડ માલ પર પેનલ્ટી નહીં લેવાય

અમદાવાદ: સરકાર ઓવરલોડ ટ્રક પર લગાવવામાં આવતી ૧૦ ટકા પેનલ્ટીમાં રાહત આપી શકે છે, જે અંતર્ગત ટ્રકમાં માલસામાન નક્કી કરેલી મર્યાદા કરતાં પાંચ ટકા સુધી માલ ઓવરલોડ હોય તો તેના ઉપર પેનલ્ટી લાદવામાં નહીં આવે. રોડ ટ્રાન્સપોર્ટ તથા હાઇ વે વિભાગે આ અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે, જેના કારણે ટ્રાન્સપોર્ટર્સને મોટી રાહત મળવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ટ્રાન્સપોર્ટર્સ પાછલા કેટલાય સમયથી આ અંગે રાહત આપવાની માગ કરી રહ્યા હતા.

ટ્રાન્સપોર્ટર્સના જણાવ્યા પ્રમાણે ટ્રકની ક્ષમતા કરતાં થોડો વધુ માલસામાન ટ્રકમાં ભરવામાં આવ્યો હોય તો ટોલ નાકા ઉપર ટ્રકને રોકી દેવામાં આવે છે તથા તે ટ્રક ઉપર દશ ગણી પેનલ્ટી વસૂલવામાં આવતી હતી તથા ટ્રકમાં વધુ ક્ષમતા કરતાં વધુ સામાન અધવચ્ચે ઉતારી દેવામાં આવતો હતો અને બીજી ટ્રકમાં મોકલવા માટે ફરજ પાડવામાં આવતી હતી.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજ્યના પાંચ લાખથી વધુ ટ્રક ટ્રાન્સપોર્ટર્સને રાહત થશે. સરકારે આ પ્રકારની રાહત નેશનલ રોડ સેફ્ટી બિલમાં આપવાની યોજના બનાવી હતી, પરંતુ બિલ સતત અટકી રહ્યું છે, જેના કારણે સરકારે નોટિફિકેશન દ્વારા ટ્રાન્સપોર્ટર્સને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

You might also like