મોરબી હની ટ્રેપમાં પોલીસ કર્મચારી સહિત પાંચ પકડાયા

(અમદાવાદ બ્યૂરો)
રાજકોટ: મોરબીના જીકિયારી ગામના કાકા-ભત્રીજા સહિત ૩ શખ્સોને હની ટ્રેપમાં ફસાવી દોઢ લાખની માંગણી કરનાર ચરાડવાના પોલીસ કર્મચારી સહિત પાંચને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા કાકા-ભત્રીજા સહિત ત્રણ મિત્રોએ બબ્બે હજાર રૂપિયા વ્યકિતદીઠ ચૂકવી યુવતી સાથે રંગરેલિયાં મનાવી હતી. પરંતુ લલના કમ યુવતીએ ત્રણેય સાથેનો સુવાળા સંગાથનો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી દોઢ લાખ રૂપિયાની માગણી કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી. વ્યાસે આ ઘટના અંગે તપાસ કરી હતી અને આ અંગે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. દરમિયાન હની ટ્રેપની આ ઘટનામાં હળવદના ચરાડવાના પોલીસ કર્મચારી દિવ્યરાજસિંહ ઉર્ફે કાનભા ઝાલા અને તેના સાગરિતોની સંડોવણી હોવાનું ખૂલતા મોરબી તાલુકા પોલીસ અને એલસીબીની ટીમે આ પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા.

પકડાયેલ શખ્સોમાં પોલીસ કર્મચારી દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા, એજાઝ હનીફ કગથરા (રહે. હળવદ), મુઝફર ઇકબાલ લોલારિયા (રહે. હળવદ) તથા મૂકેશ ભગવાનજી સીણોજિયા (રહે. હળવદ) અને વસંત નામની મહિલાનો સમાવેશ થાય છે. પકડાયેલ પાંચેયની વધુ પૂછતાછ હાથ ધરાઇ છે.

You might also like