કાનપુરની હોસ્પિટલમાં એસી બંધ થવાથી ચાર દર્દીઓનાં મોત થયાં

કાનપુર: કાનપુરની સૌથી મોટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંના આઈસીયુ વોર્ડના એસી ખરાબ હોવાને કારણે ચાર દર્દીનાં મોત થયાં છે. કાનપુરની હેલ્ટ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ચાર દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ વહીવટીતંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી.

મોડી રાત્રે એડીએમ સ્વયં હોસ્પિટલ પહોંચી ગયા હતા. જોકે મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલનો દાવો છે કે આઈસીયુમાં મૃત્યુ પામનાર લોકોની પહેલેથી જ ગંભીર સ્થિતિ હતી. ચાર દર્દીઓનાં મોત બાદ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું અને ત્યાર બાદ ડી.એમ. કાનપુરે યુદ્ધના ધોરણે આઈસીયુમાં બે પાવર એસી લગાવ્યા હતા.

એસી બંધ હોવાના કારણે આઈસીયુમાં દાખલ દર્દીઓના સગાંઓ ઘરેથી પંખા લાવ્યા હતા. આઈસીયુમાં તહેનાત નર્સોનું કહેવું છે કે કેટલાય િદવસોથી એસી ખરાબ છે અમે લેખિતમાં ફરિયાદ આપી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અહેવાલો અનુસાર છેલ્લા પાંચ દિવસથી એસી કામ કરતાં ન હતાં, પરંતુ ૨૪ કલાકમાં ચાર દર્દીઓનાં મોત બાદ વહીવટીતંત્રની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આશ્ચર્યની વાત તો એ છે કે ડોક્ટરોને પણ આ અંગે કોઈ જાણ ન હતી.

મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ નવનીતકુમારનું કહેવું છે કે આઈસીયુના તમામ વેન્ટીલેટર્સ રાબેતા મુજબ કામ કરી રહ્યા છે. અમારે ત્યાં બે આઈસીયુ છે જેમાંથી જેમાંથી એક જ આઈસીયુમાં કેટલીક સમસ્યા ઊભી થઈ હતી. જોકે જે દર્દીઓના મોત થયાં છે તેમની સ્થિતિ પહેલેથી જ ગંભીર હતી.

તેમને જણાવ્યું હતું કે અમારે આઈસીયુમાં દર્દીઓનાં મોતની એવરેજ રૂટિન છે. એસી ખરાબ હોવાના કારણે ચાર દર્દીઓના મોત થતાં હડકંપ મચી ગયો હતો. પ્રિન્સિપાલનું કહેવું છે કે હૃદય બંધ પડી જવાથી અને અન્ય બે દર્દીનાં મોત જૂની બીમારીને કારણે થયા છે.

You might also like