ભારત – સાઉદી વચ્ચે ગુપ્ત માહિતી સહિત 5 મહત્વપુર્ણ સમજુતી

રિયાદ : સાઉદી અરબમાં કિંગ સલમાન અને ભારતનાં વડાપ્રધાન મોદીની મુલાકાત યોજાઇ હતી. ત્યાર બાદ સંયુક્ત નિવેનદમાં આતંકવાદ સહિત ગણા મુદ્દાઓને ગંભીરતા પુર્વક લેવામાં આવ્યા છે. બંન્ને દેશોની તરફથી સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ રીતે તમામ દેશોને અપીલ કરવામાં આવી કે તેઓ એકબીજાની વિરુદ્ધ આતંકવાદનાં હથિયારનો ઉપયોગ સદંતર બંધ કરે. બંન્ને દેશોએ સંયુક્ત નિવેદનમાં દ્વિપક્ષીય સ્તર પર ભારત અને સાઉદી અરબની વચ્ચે આતંકવાદની વિરુદ્ધ લડાઇમાં આંતરિક સહયોગને વધારે મજબુત કરવાની વાત થઇ હતી.

વડાપ્રધાન મોદીએ સઉદી આરબની મુલાકાત અંગે બંન્ને દેશો વચ્ચે પાંચ મહત્વપુર્ણ સમજુતીઓ પર સંમતી સધાઇ હતી. આ સમજુતીમા મની લોન્ડ્રિંગનાં ક્ષેત્રમાં આંતરિક સહયોગ વધારીને ગુપ્ત માહિતીનાં આદાન પ્રદાન, આતંકવાદીઓને ફન્ડિંગ કરવું અને તેને સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે. આ સમજુતીઓમાં ભારત અને સાઉદી અરબની વચ્ચે મજૂરોનાં મુદ્દે આંતરિક સહયોગ, રોકાણ સંવર્ધનમાં સહયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

બંન્ને દેશો વચ્ચે આ મહત્વપુર્ણ સમજુતીઓ પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં સધાઇ હતી. આ મહત્વની બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે સાઉદી અરબનાં કિંગ મોહમ્મદ બિન સલમાન અને મહત્વનાં નેતાઓ હાજર રહ્યા હતા. બે દિવસની સાઉદી અરબની યાત્રા પર ગયેલા વડાપ્રધાને કહ્યું કે ભારત અને સાઉદી અરબના સંબંધો મજબુત અને ઉંડા છે. બંન્ને દેશ એક બીજાની સાથે હળીમળીને સફળતાની એક નવી રચના કરી શકે છે. સઉદી ચેમ્બર ઓફ કોમર્સનું સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે ભારતમાં લોકશાહી છે. યુવાનો મોટા પ્રમાણમાં છે અને બજાર છે જેનો ફાયદો બંન્ને દેશો ઉઠાવી શકે છે.

ગત્ત બે વર્ષમાં પ્રત્યક્ષ વિદેશો રોકાણમાં વધારો થયો છે. ભારત આધારભૂત માળખાને મજબુત કરી રહ્યું છે. ટેકનીકલ સુધારાઓની સાથે સાથે સામાન્ય માણસનાં જીવનધોરણને પણ સારૂ બનાવવા માટેનાં પ્રયાસો થઇ રહ્યા છે. જીએસટી અંગે તેમણે જણાવ્યું કે ટુંક જ સમયમાં આ બિલ પસાર થઇ જશે. ટેક્સ સિસ્ટમમાં જે પણ ખામીઓ છે તે હવે જુની વાત થઇ ચુકી છે. એનડીએ સરકાર સત્તામાં આવ્યે બે વર્ષથી ઓછો સમય થયો છે. જો કે સત્તામાં આવ્યા બાદ મહત્વનાં સુધારાત્મક નિર્ણયો લેવાયા છે. હાલ ભારત વિકાસનાં માર્ગે ખુબ જ ઝડપી આગળ વધી રહ્યું છે.

You might also like