પાંચ મહિનામાં ચાંદીમાં ૧૫ ટકા રિટર્નઃ શેરબજારમાં માત્ર ત્રણ ટકા

અમદાવાદ: છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં જોરદાર ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે અને નિફ્ટીએ ૮૨૦૦ની સપાટી ક્રોસ કરી છે. તો બીજી બાજુ સોનામાં મે મહિનામાં ૨૦૦૦થી વધુનું ગાબડુ પડ્યું છે, પરંતુ કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના પાંચ મહિનાનો ડેટા જોઇએ તો ચાંદીમાં સૌથી વધુ ૧૫.૩૬ ટકા રિટર્ન મળ્યું છે એટલે કે ચાંદીમાં પાછલા પાંચ મહિનામાં પ્રતિકિલોએ ૫૧૦૦થી પણ વધુનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં પણ સોના કરતાં ચાંદીમાં ઉછાળો રહેવાની શક્યતા વધુ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં સોનું ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયેલું જોવા મળ્યું છે. તો બીજી બાજુ શેરબજારમાં પાછલા પાંચ મહિનામાં માત્ર ૨.૯૪ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે.

જ્યારે જાન્યુઆરીથી મે મહિનાના સમયગાળામાં સોનામાં ૧૨.૮૯ ટકાનો સુધારો જોવાયો છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ ૨૫,૬૦૦ હતો, જે હાલ વધીને ૨૯,૦૦૦ની નીચે ૨૮,૯૦૦ની સપાટીની આજુબાજુ જોવા મળી રહ્યો છે.

આગામી જૂન મહિનામાં યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં સુધારો કરે તો સોના અને ચાંદીમાં સાધારણ નરમાઇ તરફી ચાલ જોવાઇ શકે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.

You might also like