વિન્ડીઝ સામે લખનૌ ટી-20માં ટીમ ઇન્ડિયાની જીતનાં પાંચ મોટાં કારણ

લખનૌઃ ટીમ ઇન્ડિયાએ ટી-૨૦ શ્રેણીની બીજી મેચમાં વિન્ડીઝને ૭૧ રને હરાવીને શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી છે. પહેલી વાર કોઈ આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરી રહેલા અટલ‌િબહારી વાજપેયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૯૫ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો અને પછી વિન્ડીઝને નિર્ધારિત ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૨૪ રન સુધી સીમિત રાખ્યું હતું. ગઈ કાલની મેચમાં ટીમ ઇન્ડિયાની આ જીતના પાંચ કારણ પર નજર કરીએઃ

કેપ્ટન રોહિત શર્માની શાનદાર સદી
કેપ્ટન રોહિત શર્મા (અણનમ ૧૧૧)એ રેકોર્ડ ચોથી સદી ફટકારી. આ ઇનિંગ્સ દરમિયાન રોહિતે ૩૮ બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી. રોહિતે ૬૧ બોલમાં અણનમ ૧૧૧ રનની તોફાની ઇનિંગ્સમાં રોહિતે સાત છગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા. રોહિતની આ કેપ્ટન્સ ઇનિંગ્સને કારણે જ ટીમ ઇન્ડિયા ૧૯૫ રનનો સ્કોર નોંધાવી શકી.

ઓપનિંગ ભાગીદારી
રોહિત અને શિખર ધવન (૪૩)એ ૧૪ ઓવરમાં પ્રથમ વિકેટ માટે ૧૨૩ રનની ભાગીદારી નોંધાવી. વિન્ડીઝ સામે પ્રથમ વિકેટ માટે ભારત તરફથી આ સૌથી મોટી ભાગીદારી છે. આ ભાગીદારીને કારણે રોહિત અને અંતમાં કે. એલ. રાહુલ પણ ઝડપી ઇનિંગ્સ રમી શક્યા. ૧૫ ઓવરમાં ભારતે એક વિકેટે ૧૨૯ રન બનાવ્યા હતા અને અંતિમ પાંચ ઓવરમાં ૬૬ રન ઝૂડી કાઢ્યા.

રાહુલની ઉપયોગી ઇનિંગ્સ
કે. એલ. રાહુલ જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર ૧૫.૨ ઓવરમાં ૧૩૩ રન હતો અને ભારતે ફક્ત બે જ વિકેટ ગુમાવી હતી. રાહુલે ૧૪ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૬ રનની ઉપયોગી ઇનિંગ્સ રમી. રાહુલનો સાથ મળતાં જ રોહિતે પણ પોતાના ખભા ખોલ્યા હતા અને પોતાની સદી પૂરી કરી લીધી હતી. અંતિમ ઓવરમાં ટીમ ઇન્ડિયાએ ૨૦ રન ઝૂડ્યા હતા.

ભારતની શાનદાર બોલિંગ
ટીમ ઇન્ડિયાના બોલરોએ શરૂઆતથી જ વિન્ડીઝના બેટ્સમેનોને દબાણમાં લાવી દીધા હતા. બીજી જ ઓવરમાં છગ્ગો ફટકારીની વિન્ડીઝની શરૂઆત કરાવનારા શેઈ હોપને બોલ્ડ કરીને મહેમાન ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી. ત્યાર બાદ કુલદીપ યાદવે ઇનિંગ્સની આઠમી ઓવરમાં ડેરેન બ્રાવો અને નિકોલસ પૂરનને પેવેલિયનમાં મોકલીને વિન્ડીઝની મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો.

એ સમયે વિન્ડીઝનો સ્કોર ચાર વિકેટે ૫૪ રનનો થઈ ગયો હતો અને ટીમ ઇન્ડિયાને જીતની ખુશબૂ આવવા લાગી હતી. ૧૧મી ઓવરમાં કિરોન પોલાર્ડને આઉટ કરીને બૂમરાહે વિન્ડીઝને જીતથી બહુ જ દૂર ધકેલી દીધું હતું. ત્યાર બાદ પણ ટીમ ઇન્ડિયાના બોલરોએ સમયાંતરે વિકેટ ઝડપતા વિન્ડીઝના એક પણ બેટ્સમેનને  ક્રિઝ પર વધુ સમય સુધી ટકવા દીધો નહોતો, જેના કારણે મહેમાન ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં નવ વિકેટે ફક્ત ૧૨૪ રન જ બનાવી શકી હતી.

ભારત તરફથી ખલિલ અહેમદ, કુલદીપ યાદવ, ભુવનેશ્વરકુમાર અને જસપ્રીત બૂમરાહે બે-બે વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાએ વિકેટ નહોતી ઝડપી, પરંતુ તેણે સચોટ લાઇન-લેન્થ સાથે બોલિંગ કરી હતી.

ખલિલ-કુલદીપની દબાણભરી બોલિંગ
એમ તો મેચમાં ખલિલ, કુલદીપ, ભુવી અને બૂમરાહે બે-બે વિકેટ ઝડપી, પરંતુ આ ચારેયમાં ખલિલે શરૂઆતથી અને ત્યાર બાદ કુલદીપે પોતાની શાનદાર સ્પિન બોલિંગની કમાલ દેખાડતા વિન્ડીઝનો સ્કોર આઠ ઓવરમાં ચાર વિકેટે ૫૪ રનનો થઈ ગયો હો. આ બંને બોલરોએ વિકેટ ઝડપતા વિન્ડીઝ પર દબાણ સર્જાયું હતું. મજાની વાત એ રહી કે આ બંનેએ સૌથી વધુ રન આપ્યા, પરંતુ શરૂઆતમાં જ દબાણ સર્જવામાં આ બંનેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

You might also like