ઇંગ્લેન્ડ સામે વન ડે શ્રેણીમાં ભારતની હારનાં પાંચ મોટાં કારણ..

લંડનઃ ઈંગ્લેન્ડ સામે ટી-૨૦ શ્રેણી જીતી લીધા બાદ આત્મવિશ્વાસથી છલોછલ ટીમ ઇન્ડિયા પાસેથી વન ડે શ્રેણીમાં પણ એવા જ પ્રદર્શનની આશા હતી, પરંતુ બન્યું એનાથી તદ્દન ઊલટું. પ્રથમ મેચમાં જે અંદાજમાં ટીમ ઇન્ડિયાને જીત હાંસલ કરી હતી તેના પરથી એવું લાગી રહ્યું હતું કે ટીમ ઇન્ડિયા આ શ્રેણી જીતી લઈને સતત ૧૦ શ્રેણી જીતવાની સિદ્ધિ હાંસલ કરી લેશે, પરંતુ ઈંગ્લેન્ડની ટીમે વિરાટ એન્ડ કંપનીને ૨-૧થી હરાવી દીધી.

આ રીતે ટીમ ઇન્ડિયાનો નવો રેકોર્ડ બની શક્યો નહીં. પ્રથમ મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરી. ટીમ ઇન્ડિયાની હારનાં પાંચ મોટાં કારણો પર નજર કરીએ.

૧. ટોસ હારી ગયા બાદ પ્રથમ બેટિંગ
પાછલી બધી મેચોની સરખામણીએ ગઈ કાલની પીચ સૌથી ધીમી બતાવવામાં આવી હતી. અહીં ટોસ હારવો પણ ટીમ ઇન્ડિયા માટે નુકસાનકારક વાત રહી. શરૂઆતથી જ ઈંગ્લેન્ડના બોલર્સે શિસ્તબદ્ધ બોલિંગ કરી. તેમણે ભારતને મોટો સ્કોર નોંધાવવાની કોઈ તક આપી નહીં.

૨. અણીના સમયે વિકેટ ગુમાવી
ગઈ કાલની મેચમાં વિકેટ મુશ્કેલ હતી, પરંતુ એવું કહેવામાં આવતું હતું કે એક વાર સેટ થઈ ગયા બાદ એ વિકેટ પર બેટિંગ કરવી આસાન બનશે. જોકે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ સેટ થઈ ગયા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી. આમાં સૌથી પહેલું નામ શિખર ધવનનું આવે છે.

૪૪ રનની ઇનિંગ્સ રમ્યા બાદ તે રનઆઉટ થઈ ગયો. ત્યાર બાદ વિરાટ કોહલી ૭૧ રને રમી રહ્યો હતો, ત્યારે તે પણ આઉટ થઈ ગયો. મહેન્દ્રસિંહ ધોની પણ ૪૨ રનની ઇનિંગ્સ રમ્યા બાદ આઉટ થઈ ગયો. આમાંથી કોઈએ મોટી ઇનિંગ્સ રમવાની જરૂર હતી, જેવી ઇનિંગ્સ ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે રમી.

૩. બંને છેડેથી કંગાળ બોલિંગ
ગઈ કાલની મેચમાં ટીમ ઇન્ડિયાની બંને છેડેથી બોલિંગ કંગાળ રહી હતી. ફાસ્ટ બોલર ના તો સ્વિંગ મેળવી શક્યા કે ના તો સ્પિન બોલિંગનો જાદુ જોવા મળ્યો. ગઈ કાલની મેચમાં બંને નવા ફાસ્ટ બોલર ભુવનેશ્વર અને શાર્દુલ ઠાકુરને અજમાવવામાં આવ્યા હતા, પરંતુ ભારતનો દાવ નિષ્ફળ ગયો હતો. સ્પિંગ બોલિંગમાં ચહલે રન તો રોક્યા, પરંતુ વિકેટ ઝડપવાના મામલે તે ખાલી હાથ રહ્યો હતો. કુલદીપને પણ કોઈ સફળતા મળી નહોતી.

૪. ભુવીને લાવવાનો કોઈ ફાયદો થયો નહીં
ગઈ કાલની મેચમાં ભુવનેશ્વરકુમારને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો, પરંતુ તે અસરકારક સાબિત થયો નહોતો. તેની બોડી લેન્ગ્વેજને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે હજુ સંપૂર્ણપણે ફિટ નથી. તેણે સાત ઓવરમાં ૪૯ રન ખર્ચી નાખ્યા.

૫. કંગાળ ફિલ્ડિંગ
ગઈ કાલની મેચમાં ટીમ ઇન્ડિયાને કંગાળ ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું. ઘણી વખત મિસ ફિલ્ડને કારણે ઈંગ્લેન્ડને વધારાના રન મળ્યા. શાર્દુલ ઠાકુરની બોલિંગ એક કેચ ધોનીએ પણ ગુમાવ્યો હતો, જ્યારે ૪૩મી ઓવરમાં હાર્દિક પંડ્યાની બોલિંગમાં ભુવનેશ્વરે પણ એક કેચ છોડ્યો હતો.

You might also like