કથા મંડપ ખોલતી વખતે વીજ કરંટ લાગવાથી પાંચ મજૂરોનાં મોત

અમદાવાદ: અમરેલીના વડિયા નજીક આવેલા ભાયાવદર ગામે શિવપુરાણ મહાકથાની ગઇકાલે થયેલી પૂર્ણાહુતિ બાદ આજે સવારે કથા મંડપ ખોલતી વખતે વીજ કરંટ લાગવાથી પાંચ મજૂરોના મોત થતાં અરેરાટીની લાગણી જન્મી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનાની વિગત એવી છે કે, અમરેલી નજીક વ‌ડિયા પાસે આવેલા ભાયાવદર ભેંસવડી ગામે નવ દિવસથી ગિરીબાપુની શિવ મહાપુરાણ કથા ચાલતી હતી. ગઇકાલે કથાની પૂર્ણાહુતિ થઇ હતી.

કથા માટે બનાવાયેલો ભવ્ય કથા મંડપ ખોલવા માટે આજે સવારે મજૂરો કામ કરી રહ્યા હતા. આ મંડપ ઉપરથી ૧૧ કેવીનો કેબલ પસાર થતો હતો. મંડપ ખોલવા માટે મજૂરોએ લોખંડની સીડી ગોઠવતા આ સિડી કેબલને અડકી જતા શોર્ટસર્કીટ થઇ હતી. જેના કારણે સીડી પર કામ કરી રહેલા પાંચ મજૂરોને વીજ કરંટ લાગતા આ પાંચેય મજૂરોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. એક સાજે પાંચ મજૂરોનાં મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઘટનાની જાણ થતા ગામ લોકો દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસે જાણ કરાતા પોલીસ અધિકારીઓએ તાબડતોબ પહોંચી જઇ પાંચેય લાશોને પી.એમ. માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. આજે સવારે આઠ વાગ્યે આ ઘટના બની હોવાથી મોતને ભેટેલા મજૂરોના પૂરા નામ સરનામા જાણવા મળી શક્યા નથી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like