પેશાવરની હોટલમાં પ્રચંડ બ્લાસ્ટઃ એક જ પરિવારના પાંચ લોકોનાં મોત

પેશાવર: પશ્ચિમોત્તર પાકિસ્તાનના પેશાવર શહેરમાં આજે વહેલી સવારે એક ભીષણ બોમ્બ બ્લાસ્ટમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થયાં છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
પેશાવરના બિલાલ ટાઉનની નજીક આવેલ એક હોટલની અંદર આ બ્લાસ્ટ થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર સંભવતઃ વિસ્ફોટક ડિવાઈસ કે ગેસ લીક થવાના કારણે આ બ્લાસ્ટ થયો હતો. ચીફ કેપિટલ સિટી પોલીસ (સીસીપીઓ) કાજી જમીલ ઉર રહેમાને જણાવ્યું હતું કે આ બ્લાસ્ટ હોટલ ઈમારતના ચોથા માળે થયો હતો. બ્લાસ્ટ બાદ સમગ્ર ઈમારત આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.

આ બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા તમામ લોકો ખઈબર પખ્તુન્વાના હોન્ગુ જિલ્લાના છે. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા દળો આ બ્લાસ્ટનાં કારણો જાણવા અંગે પુરાવાની તપાસ કરી રહ્યા છે. સીસીપીઓએ જણાવ્યું હતું કે બોમ્બ પ્રતિરોધક સ્કવોડ ત્યાં પહોંચી ગઈ છે અને આ બ્લાસ્ટ અંગે તપાસ કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે આ બ્લાસ્ટમાં ઘાયલ લોકોને નજીકની લેડી રેડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાય છે. પેશાવરમાં આજે વહેલી સવારે એક હોટલમાં બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. બ્લાસ્ટના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દૂર સુધી તેનાે અવાજ સંભળાયાે હતાે.

You might also like