શ્રેણીમાં રમી રહ્યા છે છ ગુજ્જુ ક્રિકેટરોઃ પાંચ ભારતમાંથી, એક દ. આફ્રિકામાંથી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. અત્યાર સુધી રમાયેલી બંને ટેસ્ટ દરમિયાન જોરદાર ટક્કર જોવા મળી છે. આ શ્રેણીથી ફરી એક વાર સાબિત થઈ ગયું છે કે જો ટીમો શાનદાર હોય તો ટેસ્ટ ક્રિકેટ પણ રોમાંચક બની શકે છે. આ ઉપરાંત વર્તમાન શ્રેણીમાં એક એવું આકર્ષણ છે, જે કદાચ જ અગાઉ જોવા મળ્યું હોય. આ શ્રેણીમાં કુલ છ ગુજરાતી ક્રિકેટર રમી રહ્યા છે.

ગઈ કાલે પૂરી થયેલી બીજી ટેસ્ટમાં તો પાંચ ગુજરાતી રમ્યા. એમાંથી ચાર ટીમ ઇન્ડિયા તરફથી અને એક દક્ષિણ આફ્રિકા તરફથી. જી હા, ચેતેશ્વર પૂજારા, પાર્થિવ પટેલ, જસપ્રીત બૂમરાહ અને હાર્દિક પંડ્યા ભારત તરફથી રમ્યા, જ્યારે હાશિમ આમલા દક્ષિણ આફ્રિકા તરફથી રમ્યો. હાશિમ આમલાના પૂર્વજો પણ ભારતમાંથી જ દક્ષિણ આફ્રિકા ગયા હતા. રવીન્દ્ર જાડેજાનો બીજી ટેસ્ટ માટેની ટીમમાં સમાવેશ નહોતો કરાયો.

• ચેતેશ્વર પૂજારાઃ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતનો છે. ટીમ ઇન્ડિયા માટે નવી દીવાલ કહેવાય છે. ૫૫ ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને બાવન રનની સરેરાશથી ૪૪૨૬ રન બનાવી ચૂક્યો છે. પોતાની પ્રથમ ટેસ્ટ વર્ષ ૨૦૧૦માં રમ્યો હતો. રાજકોટનો આ બેટ્સમેન જોકે આ શ્રેણીમાં હજુ સુધી અપેક્ષા પ્રમાણેનું પ્રદર્શન કરી શક્યો નથી.

• હાર્દિક પંડ્યાઃ ગુજરાતના વડોદરા શહેરનો છે. અત્યારથી જ તેની સરખામણી કપિલદેવ સાથે કરવામાં આવી રહી છે. ટેસ્ટ તો ફક્ત ચાર જ રમ્યો છે, પરંતુ ૩૨ વન ડે મેચમાં ૬૦૨ રન બનાવ્યા છે. ૩૫ વિકેટ પણ ઝડી છે. દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ૯૩ રનની વિસ્ફોટક ઇનિંગ્સે તેના ચાહકોની સંખ્યામાં વધારો કરી દીધો છે.

• જસપ્રીત બૂમરાહઃ યોર્કરનો આ સ્પેશિયાલિસ્ટ બોલર અમદાવાદનો છે. દુનિયાભરના ક્રિકેટ નિષ્ણાતો તેની પ્રશંસા કરે છે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો, પરંતુ વન ડે અને ટી-૨૦માં તેનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. ૩૧ વન ડેમાં ૫૬ વિકેટ ઝડપી ચૂક્યો છે, જ્યારે ૩૨ ટી-૨૦ મેચમાં ૪૦ વિકેટ હાંસલ કરી છે.

• પાર્થિવ પટેલઃ અમદાવાદના આ વિકેટકીપર-બેટ્સમેનને લાંબા સમય બાદ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં રમવાની તક મળી, પરંતુ તે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં. ૨૦૦૨માં પોતાની પ્રથમ ટેસ્ટ રમ્યો હતો. ૨૩ ટેસ્ટ મેચમાં પાર્થિવે ૮૭૮ રન બનાવ્યા છે.

• રવીન્દ્ર જાડેજાઃ સૌરાષ્ટ્ર પ્રાંતનો રવીન્દ્ર જાડેજા અત્યાર સુધી મોટા ભાગે ટેસ્ટ મેચમાં જ જોવા મળ્યો છે, પરંતુ બોલ અને બેટથી જ્યારે પણ તક મળી છે ત્યારે તે સફળ રહ્યો છે. ૧૩૬ વન ડેમાં ૧૯૧૪ રન અને ૧૫૫ વિકેટ ઝડપી ચૂક્યો છે, જ્યારે ૩૫ ટેસ્ટમાંતેણે ૧૧૭૬ રન બનાવવા ઉપરાંત ૧૬૫ વિકેટ લીધી છે.

• હાશિમ આમલાઃ દક્ષિણ આફ્રિકાના મધ્યક્રમના આ બેટ્સમેનનો જન્મ એમ તો દક્ષિણ આફ્રિકામાં જ થયો છે, પરંતુ તેનું કનેક્શન ગુજરાત સાથે છે. તેના પૂર્વજો ગુજ્જર સમુદાયના હતા, જેઓ ગુજરાતના સૂરત શહેરથી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા. ૧૧૧ ટેસ્ટ મેચમાં ૨૮ સદી સાથે ૮૫૯૦ રન બનાવી ચૂક્યો છે, જ્યારે ૧૫૮ વન ડેમાં ૨૬ સદી સાથે ૭૩૮૧ રન બનાવ્યા છે.

You might also like