સરકારને આર્થિક મોરચે મુશ્કેલી નહીં નડેઃ ફિચ

મુંબઇ: વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચનું માનવું છે કે બિહારનાં ચૂંટણી પરિણામોને કારણે દેશને આર્થિક મોરચે વધુ અસર નહીં થાય. જોકે રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે આર્થિક સુધારા સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વનાં બિલો સંબંધે વિરોધ પક્ષોનો વિરોધ જારી રહી શકે છે. નોંધનીય છે કે કેટલીક અન્ય રેટિંગ એજન્સીઓનો પણ આ જ મત છે.

ફિચ રેટિંગ એજન્સીના જણાવ્યા પ્રમાણે બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની હારને લઇને ભારત માટે મધ્યમ ગાળાના ઇકોનોમિક આઉટલૂકમાં કોઇ ફેરફાર કર્યો નથી. આ હારને કારણે સરકારની રાજકીય મુશ્કેલીઓ વધી શકે છે, પરંતુ તેને કારણે આર્થિક મોરચે કોઇ મુશ્કેલીઓ નહીં પડે. રેટિંગ એજન્સીઓનું કહેવું છે કે સરકાર દ્વારા પોલિસીમાં બદલાવના કારણે વિરોધ પક્ષોના વિરોધને ખાળવા માટે સરકાર રસ્તો કાઢી શકે છે.

દરમિયાન ઇન્ડિયા રેટિંગ એજન્સીના એક રિપોર્ટ પ્રમાણે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની હારને કારણે કેન્દ્રમાં સરકારની રાજકીય સ્થિતિમાં કોઇ અસંતુલન ઊભું નહીં થાય અને તેને કારણે જ મધ્યમ ગાળાના આઉટલૂકમાં કોઇ ફેરફાર કર્યો નથી. રિપોર્ટમાં જણાવ્યું છે કે એ કહેવું ખૂબ જ ઉતાવળિયું ગણાશે કે હવે સરકારનું ધ્યાન લોકભોગ્ય નીતિઓ પર રહેશે કે આર્થિક સુધારા તરફી નીતિઓ પર રહેશે.

You might also like