પ્રથમ મહિલા મુખ્યમંત્રી કેટલાં પાવરફુલ!

ગુજરાત રાજ્યમાં છેલ્લાં અઢાર વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. માર્ચ ૧૯૯૮માં કેશુભાઈ પટેલ બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારથી ભાજપનો ગઢ ગુજરાત માટે સુરક્ષિત રહ્યો છે. ઓક્ટોબર ર૦૦૧માં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની વરણી પછી તો ભાજપે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનકાળમાં થયેલા વિકાસને મૉડૅલ રૂપ ગણાવીને એક સમયે ગુજરાત દેશમાં ગુજરાત મૉડલને અનુસરવાની તૈયારીઓ પણ થઈ હતી.

ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની દાવેદારી હેઠળ અને નરેન્દ્ર મોદીના જ દમ પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. જેથી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપીને ભારતના વડા પ્રધાન પદે આરૂઢ થયા હતા. તેમનાં શાસનને બે વર્ષ પૂર્ણ થયાં છે અને આ સમયગાળામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જોકે આપણે અહીં ગુજરાતના શાસન અને ભાજપના ગઢ અંગે વાત કરવી છે.

પ્રારંભે પાવરફુલ સરકાર હાલ સંકટમાં!
નરેન્દ્ર મોદીના દિલ્હી જવાથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો અને એક મહિલા તરીકે આનંદીબહેન પટેલ ગુજરાત રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં હતાં. આનંદીબહેનના મુખ્યમંત્રી તરીકેના પ્રારંભિક તબક્કામાં ભારતીય જનતા પાર્ટીએ મહિલા સશક્તીકરણના મુદ્દાનો ગાઈ-વગાડીને પ્રચાર કર્યો હતો. તો મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ શાસનની ધુરા સંભાળતાં જ દરેક ક્ષેત્રે મહિલા અનામતમાં પ૦ ટકાની જોગવાઈ કરીને મહિલા સશક્તીકરણનું નિર્ણાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જોકે ત્યારબાદ તેમના શાસનકાળમાં અનેક એવા મુદ્દા ઉપસ્થિત થયા જેનો તેમને ખરાબ રીતે સામનો કરવો પડ્યો હતો. મોંઘવારી, ગરીબી અને બેરોજગારી, પાટીદાર અનામત, સૌરાષ્ટ્રમાં ઈકો સેન્સિટિવ ઝોન, કેગ અહેવાલ તથા દુકાળની પરિસ્થિતિ મુદ્દે આનંદીબહેન પટેલની સરકાર વિકટ સમસ્યામાં છે અને કેટલાક મુદ્દાને કારણે તો દેશમાં ગુજરાત મૉડેલનો પ્રચાર કરવામાં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીછેહઠ કરવી પડી છે. કેન્દ્ર સાથે ગુજરાત સરકારને પણ બે વર્ષના શાસનમાં મુશ્કેલીઓ અને વિપરીત મુદ્દાઓનો સામનો કરવો પડ્યો છે.

ર૦૧૬માં ભાજપનો ગઢ સચવાશે?
કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સારી કામગીરી કરી શકશે તેવું હજુ પણ લોકો માની રહ્યા છે, જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદીબહેન પ્રત્યે માત્ર પ્રજાજનો જ નહીં, પરંતુ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનો પણ મોહભંગ થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. ગુજરાતમાં આગામી ર૦૧૭માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે ત્યારે સરકારની કેટલીક નિષ્ફળતાઓને કારણે ૧૮ વર્ષથી સચવાયેલો ભાજપનો આ ગઢ સચવાશે કે કેમ તેવા સવાલો ઊઠી રહ્યા છે.

રર મેના રોજ આનંદીબહેન પટેલની સરકાર બે વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે તેની સફળતા- નિષ્ફળતાનાં લેખાંજોખાં અંગે કેટલાક રાજકીય વિશ્લેષકોનાં મંતવ્યો રજૂ છે.

સરકાર રાજકીય સમીક્ષકોની નજરે
ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક દિનેશ શુક્લ કહે છે, “પાટીદાર અનામત આંદોલનને સરકાર અસરકારક રીતે હેન્ડલ કરી શકી નથી. અમીત શાહ સાથે પણ આનંદીબહેનને મતભેદ છે. સરકાર ફૂડ સિક્યુરિટી બિલ, મનરેગા સહિતની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં ઉણી ઊતરી છે. અગાઉ મહત્ત્વનાં બિલો, કેગના રિપોર્ટ વગેરે વિરોધ પક્ષની ગેરહાજરીમાં પસાર કરી દેવાની નરેન્દ્ર મોદીની પરંપરાને આનંદીબહેન બરાબર વળગી રહ્યાં છે. પ્રધાનમંડળમાં પણ અસંતોષ હોય તેમ લાગે છે. પાણીની અછત સર્જાશે તેવી જાણ હોવા છતાં સરકારે કોઈ આગોતરું આયોજન કર્યું નહીં જેનાં માઠાં પરિણામો આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ગામડાં ભોગવી રહ્યાં છે.

અન્ય રાજકીય વિશ્લેષક અને એચ. કે. આર્ટ્સ કૉલેજના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક ડૉ. હેમંત શાહ કહે છે,”મારા મતે આનંદીબહેન સરકારનું એકમાત્ર સારું કામ તે શહેરી ગરીબો માટેની આવાસ યોજના છે. બાકી મોટાભાગની કામગીરીમાં આનંદીબહેન સરકાર નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાર્યકાળને અનુસરે છે. સરકાર લોકોની પાયાની જરૂરિયાતો સંતોષવાને બદલે સરકારી તાયફા પાછળ કરોડો રૂપિયા વાપરી નાખે છે. આ વર્ષે ગુજરાતમાં પાણીની ભયંકર તંગીની જાણકારી હોવા છતાં કોઈ આગોતરું આયોજન કર્યું નહીં અને છેલ્લી ઘડીએ પાણીનાં ટેન્કરો દોડાવવાં પડે છે. સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ પર કબજો કરીને સંસ્થાકીય ધોવાણ કર્યું.

બે વર્ષમાં સરકાર દિશાવિહીન રહી છે
દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતા ઉત્તમ પરમાર કહે છે કે, “હું આ સરકારને દિશાવિહીન સરકાર તરીકે મૂલવું છું. સરકારમાં પણ આર્થિક, સામાજિક કે શૈક્ષણિક ક્ષેત્રે કોઈ આયોજન જોવાં ન મળ્યાં. પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિગ્રહના કારણે સમગ્ર રાજ્યને ભોગવવાનો વારો આવ્યો છે. બે વર્ષમાં સામાજિક અસ્થિરતા પણ વધી છે. કોમવાદ બાદ હવે જાતિવાદના આધારે રાજકારણ રમાઈ રહ્યું છે. વિવિધ સામાજિક સમસ્યાઓ પણ આ સરકારની જ દેણ છે.”

બીજાં રાજ્યો કરતાં પાછળ અને પછાત
સુરતના રાજકીય વિશ્લેષક બાબુભાઈ દેસાઈ કહે છે, “છેલ્લાં ૨ વર્ષમાં માત્ર સુશાસનની ગુલબાંગો જ છોડવામાં આવી છે. ગુજરાતને સર્વશ્રેષ્ઠ ગણાવી પ્રજાને અંધારામાં રાખવામાં આવી છે. બે વર્ષમાં લોકોની હાલાકીઓમાં પણ ઘણો વધારો થયો છે. ગુજરાતની છબી પણ આ સરકારની ઢીલી નીતિના કારણે ખરડાવા લાગી છે. સરકાર પ્રજાના પ્રશ્નો જાણી ન શકી તેના કારણે જ પાટીદાર અનામત આંદોલનનો ઉદ્ભવ થયો. લોકોએ સરકાર પર મૂકેલો વિશ્વાસ સંપૂર્ણપણે તૂટ્યો છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતની ખ્યાતિમાં પણ અડધોઅડધ ઓટ આવી છે.”

અસંતોષ, અજંપો અને સંઘર્ષનાં બે વર્ષ!
કચ્છના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય જયકુમાર સંઘવી કહે છે, “આનંદીબહેનની સરકારમાં આનંદ જેવું કંઇ રહ્યું જ નથી અને બે વર્ષના સમયગાળામાં લોકોને કોઇ જ ફાયદો થયો નથી. સામાન્ય લોકો, રાજકારણીઓ કે અધિકારીઓ તમામ માટે આ બે વર્ષ અસંતોષ, અજંપો અને સંઘર્ષનાં જ રહ્યાં છે. અત્યારે સુશાસનના બદલે કુશાસન છે. રાજ્યમાં કાયદો- વ્યવસ્થા કથળી ગઇ છે. ચોરી-લૂંટ, બળાત્કાર જેવા બનાવો વધ્યા છે. પોલીસની કશી ધાક રહી જ નથી.

પાટીદારોમાં વ્યાપક અસંતોષ રહ્યો છે. તેમના પ્રશ્નોના ઉકેલના બદલે સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. હાર્દિક ઉપર લગાવાયેલી દેશદ્રોહની કલમ તદ્દન અયોગ્ય છે. તેવી જ રીતે પાટીદાર આંદોલન સમયે પોલીસદમન કરનારા સામે પગલાં ન લેવાતા અસંતોષ વધ્યો છે. સુવર્ણકારો પણ ભાજપ સરકારથી નારાજ છે. ભ્રષ્ટાચાર વગર કોઈ કામ થતા નથી. લોકોના પ્રશ્નોને વાચા મળતી નથી કે સમસ્યાઓ ઉકેલાતી નથી. આમ, આ બે વર્ષ લાચારીનું શાસન હોય તેવો જ અનુભવ થઇ રહ્યો છે.”

શિક્ષણ-પોષણમાં અન્ય રાજ્યોથી પાછળ
વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર રાવત કહે છે, “આપણે શિક્ષણ અને પોષણમાં અન્ય રાજ્યો કરતાં પાછળ છીએ પાટીદાર આંદોલન પણ સરકારની નિષ્ફળતાનો જ નમૂનો છે. પાટીદાર જેવો સામાજિક પ્રભુત્વ ધરાવતો સમાજ જો સમસ્યાઓથી પીડાતો હોય તો અન્યની શું પરિસ્થિતિ હશે?”

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની નેતા અને અભિનેત્રી રાખી સાવંત આનંદીબહેનની કામગીરી અંગે કહે છે, “હું આનંદીબહેન પટેલનું સન્માન કરું છું, પરંતુ મુખ્યમંત્રી તરીકે આનંદીબહેનની પસંદગીનો નિર્ણય સાચો નહોતો લાગ્યો. યુવા નેતાને તક મળવી જોઈતી હતી. પાટીદાર આંદોલનની વાત કરું તો મને એ વિશે બહુ ખ્યાલ નથી પણ સૌથી વધારે બુદ્ધિધન પટેલો પાસે છે એટલે તેમને અનામત મળવી જ જોઈએ.”

બે વર્ષમાં સરકારે સૌની ચિંતા કરી છે
ગુજરાત ભાજપના પ્રવક્ત જગદીશ ભાવસાર કહે છે, ‘આ સરકાર સૌની ચિંતા કરનારી છે. પાટીદાર આંદોલનને તેમણે અસરકારક રીતે હેન્ડલ કર્યું છે, કારણ કે તેમણે બંધારણની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને યુવા સ્વાવલંબન અને સવર્ણોને આર્થિક અનામત આપી. વિધાનસભા કાર્યવાહી દરમિયાન વિપક્ષો અયોગ્ય બાબતો ઊભી કરતાં હોય છે. એમાં સરકારનો કોઈ દોષ નથી. રહી વાત પાણીની, તો પાણી કુદરત પર આધારિત છે. જેનો સંગ્રહ થવો જોઈએ. આ માટે સરકારે ચેકડેમો બનાવ્યા છે પણ ચાલુ વર્ષે વરસાદ સાવ ઓછો પડ્યો હોવાથી તે પૂરતાં ભરાયા નથી. પાણીની અછતવાળી જગ્યાએ સરકાર ટેન્કરો મોકલીને પહોંચાડી રહી છે. આમ સરકારે સુંદર કામગીરી કરી છે.

સંવેદના સાથે સરકાર વિકાસનાં કામો થયા
ઊર્જા અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન ગોવિદભાઈ પટેલ કહે છે, “આનંદીબહેનની સરકાર સંવેદના સાથે જુદાં જુદાં ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને કામગીરી કરી રહી છે. કૃષિ અને ગ્રામ્ય વિકાસ પર ખાસ ભાર મૂક્યો છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ સરકારે મહત્ત્વની કામગીરી કરી છે.

વંચિતો સુધી વિકાસ પહોંચાડ્યો છે
ભાજપના સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ કહે છે, “ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રીએ મહિલાઓ, યુવાઓ, ખેડૂતો અને ઉદ્યોગો એમ દરેક વર્ગને ધ્યાનમાં રાખી વિકાસના કામો કર્યાં છે. રાજ્યમાં કોઈ ઘરવિહોણા ના રહે એ દિશામાં સરકારે અનેક હાઉસિંગ યોજનાઓ કાર્યરત કરી છે. શહેરી વિકાસમાં પણ સરકારે સારૂ કામ કર્યું છે.

મોટાભાગના રાજકીય વિશ્લેષકોએ ગુજરાત સરકારની કામગીરીને વખોડી છે એ જોતાં પ્રથમ મહિલા મુખ્યમંત્રીની કામગીરી બિનઅસરકારક ગણી શકાય.
હાલ ગુજરાતની ગાદી માટે ગુજરાત અને દિલ્હી વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આનંદીબહેનની સરકાર ટકશે કે કેમ તે અંગે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે, પરંતુ આનંદીબહેનને ગુજરાતનાં મુખ્યમંત્રી પદેથી હટાવાય તો તે મહિલા સશક્તીકરણ કે પાવરની નિષ્ફળતાનું ઉદાહરણ બની રહેશે.

ગુજરાતની છબી કીર્તિમાન કરવા પ્રયાસ
આનંદીબહેનનો મુખ્યપ્રધાન તરીકેનો કાર્યકાળ ખૂબ જ જ્વલંત અને સફળ રહ્યો છે. તેમણે તમામ ક્ષેત્રોમાં કુશળતાપૂર્વક કાર્યભાર સંભાળ્યો છે અને સંચાલન કર્યું છે. ખાસ કરીને મહિલા ઉત્થાન માટે તેમણે કરેલાં કાર્યો નોંધપાત્ર અને સરાહનીય છે. મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ, તેમના સ્વાસ્થ્ય માટેની યોજનાઓ તેમજ અભયમ્ હેલ્પલાઈન જેવાં પગલાં વખાણવાલાયક છે. માર્ગ વિકાસ તેમજ સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં ઘણાં પ્રયત્નો થયા છે. વિકાસની પ્રક્રિયામાં ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. યુવા સ્વાવલંબન યોજના દ્વારા યુવાનોને ઘણી તક આપવામાં આવી છે. મેટ્રો રેલ જેવા પ્રોજેક્ટથી ગુજરાતની છબી વધુ કીર્તિમાન કરવાના પ્રયત્નો બે વર્ષમાં થયા છે. : ડૉ. કિરીટ સોલંકી, સાંસદ, અમદાવાદ પૂર્વ

બે વર્ષના શાસનમાં કોઈ સિદ્ધિ નથી
આનંદીબહેનના શાસનમાં ઊડીને આંખે વળગે તેવી કોઈ સિદ્ધિ નજરે પડતી નથી. ઊલટાનો રાજ્યમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. ભાજપના કાર્યકરો જ નહીં અધિકારીઓમાં પણ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓ આવે એ પહેલાં થાય તેટલો ભ્રષ્ટાચાર કરવાના કામમાં શાસક પક્ષના કાર્યકરો લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

બે વર્ષ પૂર્વે પ્રજાને કેવાં વચનો આપ્યાં હતાં અને કેટલાં વચનો પૂરાં થયાં તે તો કદાચ આ સરકારમાં કોઈને પણ યાદ નહીં હોય, આનંદીબહેનના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી ગઈ છે. સામાન્ય લોકોની વાત કોઈ સાંભળતું નથી. હાલ દુષ્કાળ-અછતની ગંભીર સ્થિતિ છે ત્યારે સરકારે ગંભીરતાથી જે પગલાં લેવાં જોઈએ તે લીધાં નથી. પાણી અને ઘાસચારાની સ્થિતિ સુધારવાને બદલે આનંદીબહેનની સરકાર કૃષિ મહોત્સવના ઉત્સવોમાં પડી છે.

આનંદીબહેનની સરકારે જિલ્લા અને તાલુકા પંચાયતની ગત ચૂંટણીમા પછડાટ ખાધા બાદ પણ કોઈ બોધપાઠ લીધો હોય તેવું લાગતું નથી. હાલ તો સરકાર જેવું કાંઈ છે જ નહીં તેવી સ્થિતિ થઈ છે. આ સરકારમાં કોઈ કોઈનું માનતું નથી તેવી હાલત છે. સરકારનો વહીવટ ગાંધીનગરથી નહીં પણ દિલ્હીથી થઈ રહ્યો છે. આમ, દરેક રીતે જોઈએ તો બે વર્ષના આનંદીબહેનના શાસનમાં ઊડીને આંખે વળગે તેવી કોઈ કામગીરી મારી દૃષ્ટિએ થઈ નથી. : અર્જુનભાઈ મોઢવાડિયા નેતા, ગુજરાત કોંગ્રેસ

આનંદીબહેનનો કાર્યકાળ સફળતાઓથી ભરેલો
મુખ્યપ્રધાન તરીકે આનંદીબહેનનો કાર્યકાળ સફળતાઓથી ભરેલો રહ્યો છે. મહેસૂલ પ્રધાન તરીકે ઘણાં લાંબા સમય સુધી કામ કરવાનો અનુભવ હોવાથી મહેસૂલ ક્ષેત્રે ઘણાં નોંધપાત્ર સુધારા કર્યા છે. ગેરરીતિઓનો અંત લાવવા સરકારી પ્રક્રિયાઓનું ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. મહિલા ઉત્થાન ક્ષેત્રે પણ દેશનાં અન્ય રાજ્યો કરતાં વધુ મહત્ત્વ અપાયું છે. વેપાર-ઉદ્યોગમાં વિવિધ નીતિઓનો અમલ કરી વધુ રોકાણકારોને આકર્ષવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રે પણ વધુ ને વધુ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છીએ. યુવાનોને કારકિર્દી-રોજગારી માટે વિશાળ તક આપીને ભવિષ્યનો વિચાર પણ સારી રીતે કરાયો છે. મંત્રીમંડળને સાથે રાખી એક ટીમ તરીકે આનંદીબહેનના નેતૃત્વ હેઠળ ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંક તરફ કામ કરવામાં આવ્યું છે. : ભરત ડાંગર મેયર, વડોદરા મ્યુ. કોર્પોરેશન

ગુજરાત માટે નુકસાનકારક શાસન
બે વર્ષનું શાસન આનંદીબહેન માટે આનંદદાયક હોઈ શકે, પરંતુ ગુજરાત માટે નુકસાનકારક, કષ્ટદાયક તથા ભ્રષ્ટ રહ્યું છે. રાજ્યનું નહીં પરંતુ મતબેંકનું હિત પહેલાં જોવાય છે. ભાજપમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ છે તેની વહીવટ પર ખૂબ જ નકારાત્મક પડી છે. આ લડાઇમાં જનતાનો અવાજ સંભળાતો નથી.
પાટીદાર આંદોલનને સરકારે પોતાના અહંકાર અને જોહુકમીથી દબાવવાનો પ્રયાસ કર્યો તેનાથી ભારે નુકસાન થયું છે.

ભાજપે ગુંડાઓ અને અસામાજિક તત્ત્વોની રાજકીય મદદ લેવાનું શરૂ કર્યું ત્યારથી ગુનાનું પ્રમાણ વધ્યું છે. નિષ્ઠાવાન-પ્રામાણિક અધિકારીઓને સાઇડલાઇન કર્યા છે. દુષ્કાળના સમયમાં અસરગ્રસ્ત લોકો અને પશુઓને યોગ્ય સહાય કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. સુપ્રીમ કોર્ટે પણ તેની ટીકા કરવી પડી છે. અત્યારે સરકારમાં લોકોના પ્રશ્નો સાંભળનાર નથી. પ્રશ્નો રજૂ કરવા કે લોકશાહી ઢબે લડવા માગનારાઓનો અવાજ દબાવી દેવાય છે.

ભ્રષ્ટાચારે જાણે રાજ્યમાં માઝા મૂકી
આનંદીબહેનના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળને હું સદંતર નિષ્ફળ ગણાવું છું. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતનો વિકાસ ખૂબ જ રૃંધાયો છે. અરાજકતા અને બેફાન ભ્રષ્ટાચારે જાણે રાજ્યમાં માઝા મૂકી છે. પરંતુ રાજ્ય સરકારે કોઈ નક્કર પગલાં નથી લીધાં. સરકાર લોકોની માગણી સંતોષવામાં અને તેમની પરિસ્થિતિ સમજવામાં નિષ્ફળ નીવડી છે. કેટલાક લોકોની રાજહઠના કારણે રાજ્યમાં જ્ઞાતિવાદનાં બીજ રોપાયાં છે અને સમગ્ર સમાજ તેનાં દુષ્કર પરિણામ ભોગવી રહ્યો છે. ઉપરાંત સરકારના કેટલાક અધિકારીઓ અને નેતાઓ પર ખુદ સરકારનો જ કોઈ કાબૂ નથી રહ્યો. જેના કારણે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને વધારે પોષણ મળી રહ્યું છે. અંગત વેરવૃત્તિ અને કાવાદાવાનાં પરિણામ હવે સમગ્ર રાજ્યે ભોગવવાં પડે તેવો ભય સતાવી રહ્યો છે.” : નલિન કોટડિયા, ધારાસભ્ય, ધારી

સરકાર ટકી રહી તેની ક્રેડિટ આપવી પડે
બે વર્ષમાં પાટીદાર આંદોલન, વિરોધ પક્ષોની રેલીઓ, યાત્રાઓ વચ્ચે પણ સરકાર ટકી રહી એ માટે આનંદીબહેનને ક્રેડિટ આપવી પડે. રાષ્ટ્રીય ઉત્સવો સિવાયના ઉત્સવોની સરકારે સમીક્ષા કરવી જોઈએ. નકામા ઉત્સવો રદ કરવા જોઈએ. પાણીનું રાજકારણ પહેલાં પણ હતું. છેલ્લાં ૬૦ વર્ષથી પાણીનો પ્રશ્ન આપણે ઉકેલી શક્યા નથી. વહીવટીતંત્રમાં હાલ ઘોર ઉદાસીનતા છે. આવી સ્થિતિમાં પાણી બાબતે સરકાર નિષ્ફળ ગઈ છે એમ ન કહી શકાય. સરકારે આંદોલનો થવા દેવાં જોઈએ. શરત એટલી કે ભાંગફોડ ન થવી જોઈએ. ઓવરઓલ, મોદીના ગયા બાદ સ્થિર સરકાર ચાલી તે જોતા હું પાંચમાંથી ત્રણ માર્ક આપું છું. : વિષ્ણુ પંડ્યા, રાજકીય વિશ્લેષક

રાજ્ય સરકારે અંધાધૂંધી જ ફેલાવી છે
બે વર્ષ રાજકીય અરાજકતાભર્યાં રહ્યાં છે. પાટીદારો અને ખેડૂતોએ કરેલાં આંદોલન એ રાજ્ય સરકારના અસ્થિર વહીવટની જ નિશાની છે. શિક્ષણ અને તબીબી ક્ષેત્રે પણ રાજ્યમાં આવી જ કંઈક પરિસ્થિતિ છે. નીટ પરીક્ષા મુદ્દે પણ સરકાર મોડી જાગી જેના કારણે તબીબી શાખામાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. નક્કર આયોજન વિના માત્ર મોટીમોટી જાહેરાતો સાથે ગુજરાત મૉડેલનો પ્રચાર કરવામાં આવ્યો છે. ગુજરાતના લોકો ખૂબ દબાયેલા હતા, હવે તેમની સહનશક્તિની હદ આવી છે. રાજ્યના ખેડૂતો, ગરીબો, શ્રમજીવીઓ અને કામદારો સાથે સરકાર ઓરમાયું વર્તન કરી રહી છે. ઉદ્યોગપતિઓનો જ લાભ કરાવવો એ વિકાસ નથી. વિકાસ સૌને સાથે રાખી કરવામાં આવતી પ્રક્રિયા છે.” : ડૉ.કનુભાઈ કલસરિયા નેતા, આમ આદમી પાર્ટી

યોગેશ પટેલ, નરેશ મકવાણા

પૂરક માહિતીઃ સુચિતા બોઘાણી કનર-ભૂજ, દેવેન્દ્ર જાની-રાજકોટ, ચિંતન રાવલ-અમદાવાદ, લતિકા સુમન-મુંબઈ

You might also like