પહેલી પત્નીને જ પેન્શન અને નિવૃત્તિના લાભ મળી શકશે

અલ્હાબાદ: અલ્હાબાદ હાઈકોર્ટે એક આદેશમાં જણાવ્યું છે કે જો કોઈ સરકારી કર્મચારીની એકથી વધુ પત્ની હોય અને તેનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં તેની પ્રથમ પત્નીને જ પેન્શન અને નિવૃત્તિના લાભ મળી શકશે.  આ અંગે હાઈકોર્ટે વધુમાં જણાવ્યું છે કે આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે કોઈ કર્મચારીએ કોઈ પત્નીને વારસદાર જાહેર કરી ન હોય. ન્યાયમૂર્તિ ડો. ડી.વાય. ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ યશવંત વર્માની ખંડપીઠે ફરુખાબાદની મીનાદેવીની વિશેષ અપીલ પર આ આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે નિવૃત્તિના અન્ય લાભ જેવા કે ગ્રેચ્યુઇટી, ફંડનો લાભ પણ કર્મચારીએ તેની સર્વિસબુકમાં જે પત્નીનું નામ વારસદાર તરીકે આપ્યું હશે તેને જ મળી શકશે. અને કદાચ તેમ નહિ કર્યું હોય તો આવો લાભ મોટી પત્નીને મળી શકશે.

આ કેસમાં અરજદારના પતિ પોલીસતંત્રમાં સબઈન્સ્પેકટર હતા. તેમણે વધુ બે વખત લગ્ન કર્યા હતા. પતિના મૃત્યુ બાદ આ ત્રણેય પત્નીએ પેન્શન અને અન્ય લાભ માટે દાવો કર્યો હતો, જે અંગે એસ.પી.એ ક્ષેત્રાધિકારીને તપાસ સોંપી હતી, જેમાં ક્ષેત્રાધિકારીએ અહેવાલ આપ્યો હતો કે ત્રણેય પત્ની વચ્ચે આ મુદ્દે વિવાદ ચાલે છે. તેઓ સમજૂતી માટે તૈયાર નથી.

You might also like