આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન, 89 બેઠકો માટે 851 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે જનતા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી, એવામાં મતદાનની તારીખ પણ આવીને ઉભી રહી ગઈ છે. આવતીકાલે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકો માટે મતદાન કરવામાં આવશે.

સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. પ્રથમ તબક્કાની બેઠકોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સ્થળો સામેલ છે. આવતીકાલે થનાર મતદાનમાં પહેલીવાર VVPATથી મતદાન થશે. ગોવા પછી દેશમાં બીજી વાર VVPAT મશીનનો મતદાન માટે ઉપયોગ થશે.

આવતીકાલે મતદાનનો ઉપયોગ કરી ગુજરાતની પ્રજા 851 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં આવતીકાલે મતદાન થશે. જેમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય દિગ્ગજોના ભાવિ નક્કી થશે.

આવતીકાલે થનાર મતદાનમાં 24,689 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં 2 કરોડ 12 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1 કરોડ 11 લાખ 5 હજાર 933 પુરૂષ મતદારો હશે અને 1 કરોડ 1 લાખ 25 હજાર 472 મહિલા મતદારો હશે.

આ મતદારોમાં 247 થર્ડ જેન્ડર પણ સામેલ છે. રાજયમાં કુલ 4 કરોડ 35 કરોડ 28 લાખ 519 મતદારો નોંધાયા છે. રાજ્યમાં શાંતિથી મતદાન થાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત માટે 1 લાખ 74 હજારથી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.

દિવ્યાંગો માટે ચૂંટણીપંચે વિશેષ તૈયારી કરી છે. દિવ્યાંગો માટે 3149 વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલીક બેઠકો પર તો 16થી વધુ ઉમેદવાર લડી રહ્યા છે. આ વખતે મતદાન કુટીરની સાઇઝ પણ વધારવામાં આવી છે.

You might also like