અગસ્તા વેસ્ટલેન્ડ મુદ્દે લાંચીયા પત્રકારની સોમવારે પુછપરછ થશે : સ્વામી

નવી દિલ્હી : અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં લાંચનાં આરોપ અંગે સંસદથી સડક સુધી ચાલી રહેલા હોબાળા વચ્ચે ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક મોટો ખુલાસો કર્યો છે. રાજ્યસભા સાંસદ સ્વામીએ શનિવારે કહ્યું કે આ મુદ્દે પૈસા લેનારા પત્રકારની પુછપરછ થવા જઇ રહી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે અગસ્તા વેસ્ટલેન્ડ ગોટાળામાં નાણા લેનારા પહેલા પત્રકારની પુછપરછ થવા જઇ રહી છે. આટલું જ નહી આ મુદ્દે વધારે એક પત્રકાર પર પણ ED નજર રાખી રહ્યું છે. જેને રાફેલ પાસેથી 5 કરોડ રૂપિયા મળ્યા હતા.

બીજી તરફ આ મુદ્દે સ્વામી પર વિપક્ષે કરેલા હૂમલા બાદ સરકારે દાવો કર્યો કે સ્વામીએ અગસ્તા મુદ્દે રાજ્યસભામાં આપેલા પોતાનાં ભઆણ સંબંધીત 8 દસ્તાવેજ સત્ય સાબિત કર્યા છે. સરકારે શુક્રવારે જણાવ્યું કે તેમને રાજ્યસભા ઓફીસમાં પણ જમા કરાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે વિપક્ષ દ્વારા અગસ્તા મુદ્દે દાવા કરનાર સ્વામીને પહેલા સંબંધિત દસ્તાવેજોની સત્યતા સાબિત કરવા માટે તથા તેને રાજ્યસભામાં રજુ કરવા માટેનો પડકાર ફેંકવામાં આવ્યો હતો.

અગસ્તા સોદામાં પોતાનાં નેતાઓ પર લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપો અંગે સંસદમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે કોંગ્રેસે સવાલ કર્યો કે સુબ્રમણ્યમ સ્વામીને આ મુદ્દે ગુપ્ત ફાઇલો કઇ રીતે મળી ? કોંગ્રેસ ગુરૂવારે રાજ્યસભામાં જવાબ માંગ્યો કે બુધવારે સોદાનાં મુદ્દે ચર્ચા દરમિયાન સ્વામીએ સંરક્ષણ મંત્રાલય, સીબીઆઇ અને ઇડીની જે ગુપ્ત ફાઇલોનો સંદર્ભ ટાંક્યો છે તે ફાઇલો તેમને કઇ રીતે અને ક્યાંથી મળી. જો કે સરકારનાં દાવા બાદ કોંગ્રેસે જણાવ્યું કે તેઓ દસ્તાવેજ જોયા બાદ પોતાનું વલણ સ્પષ્ટ કરશે.

You might also like