મહેન્દ્રસિંહ IPLમાં છગ્ગાની ‘બેવડી સદી’ ફટકારનારો પ્રથમ ભારતીય

મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટની દુનિયામાં અશક્યને શક્યમાં પરિવર્તિત કરવા માટે જાણીતો છે, જોકે ગઈ કાલે બેંગલુરુ સામેની મેચમાં ધોની માત્ર એક રનથી ચૂકી ગયો. આમ છતાં ધોનીએ ગઈ કાલે અનેક રેકોર્ડ બનાવવાની સાથે ક્રિકેટ ચાહકોનાં દિલ જીતી લીધાં, કારણ કે અંતિમ ઓવરમાં CSKને જીતવા માટે ૨૬ રનની જરૂર હતી.

ધોનીએ ઉમેશ યાદવની ઓવરમાં શાનદાર બેટિંગ કરતાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી ૨૪ રન ફટકારી દીધા. ધોની અંતિમ બોલ પર વિનિંગ શોટ લગાવવાથી ચૂકી ગયો. નોનસ્ટ્રાઇકર એન્ડથી રન દોડતી વખતે શાર્દૂલ ઠાકુર રનઆઉટ થઈ ગયો અને આરસીબીએ માત્ર એક રનથી મેચ જીતી લીધી.

આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની મામલામાં ધોની ત્રીજા નંબર પર પહોંચી ગયો છે એટલું જ નહીં, ધોની આઇપીએલમાં ૨૦૦થી વધુ છગ્ગા ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ લીગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ધોનીથી આગળ ફક્ત ક્રિસ ગેલ (૩૨૩) અને ડિવિલિયર્સ (૨૦૪) છે. ધોનીએ અત્યાર સુધીમાં ૧૮૪ મેચમાં ૨૦૩ છગ્ગા ફટકાર્યા છે.

કેપ્ટન તરીકે IPLમાં ૪૦૦૦ રન
મહેન્દ્રસિંહ ધોનીએ ગઈ કાલની મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે. ધોની કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. કેપ્ટન તરીકે ધોનીએ અત્યાર સુધીમાં ૪૦૪૦ રન બનાવ્યા છે. ધોનીના આ રેકોર્ડની આસપાસ અન્ય કોઈ કેપ્ટન નથી. આ ઉપરાંત ધોનીએ ગઈ કાલની મેચમાં પોતાની IPL કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન (૮૪ રન) કર્યું. આ પહેલાં ધોનીના નામે તેનો સર્વોચ્ચ ૭૯ રનનો રહ્યો હતો, જે તેણે ૨૦૧૮માં કિંગ્સ ઈલેવન પંજાબ સામે મોહાલીમાં નોંધાવ્યો હતો.

You might also like