ધોરણ ૯ અને ૧૧ની પ્રથમ પરીક્ષાની પેપર સ્ટાઇલ જાહેર

અમદાવાદઃ શિક્ષણ બોર્ડે ચાલુ વર્ષથી ધો.૯ થી ૧૧ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે પરીક્ષા પદ્ધતિ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂન-૨૦૧૮થી ધો.૯માં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ અંગ્રેજી (પ્રથમ ભાષા)માં અને ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન, ભોૈતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી (પ્રથમ ભાષા)માં એન.સી.ઇ.આર.ટી.નાં પાઠયપુસ્તકોનો અમલ કરવામાં આવેલ છે. તેથી ધો.૯ થી ૧૧ની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવો આવશ્યક હોવાથી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધો.૯માં પ્રવેશ કસોટીનાં ૫૦ ગુણ, બીજી કસોટીના ૫૦ ગુણ અને વાર્ષિક પરીક્ષાના ૮૦ ગુણ રહેશે. જેમાં તમામ પ્રકારના પ્રશ્નો જેવા કે ૧ માર્કના હેતુલક્ષી પ્રશ્નો,૧૦ અને ૨ માર્કના ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, નિબંધલક્ષી પ્રશ્નો વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. હેતુલક્ષી પ્રશ્નો ૨૦ ટકા રહેશે. અન્ય પ્રશ્નો ૮૦ ટકા રહેશે.

આંતરિક મૂલ્યાંકનનાં ૨૦ ગુણ રહેશે. સમગ્ર વર્ષ દરમ્યાન લેવાયેલ પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકનના કુલ ૨૦૦ ગુણના ૫૦ ટકા ગણતરી કરીને ૧૦૦ ગુણમાંથી વાર્ષિક મૂલ્યાંકન કરવાનું રહેશે. વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવા માટે ૩૩ ટકા માર્ક્સ મેળવવાના રહેશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધો.૯માં આંતરિક મૂલ્યાંકનનાં રહેશે. જેનાં ૨૦ માર્ક રહેશે. જેમાં પ માર્ક -પ્રથમ કસોટીમાં મેળવેલ માર્કના આધારે, પ માર્ક-બીજી કસોટીમાં મેળવેલ માર્કના આધારે, પ માર્ક નોટબુક સબમિશન, પ માર્ક-સબજેકટ એનરિચમેન્ટ એકિટવિટી (ભાષાઓમાં સ્પીકિંગ અને લિશનિંગ ટેસ્ટ, વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય તેમજ અન્ય વિષયોમાં પ્રોજેકટ કાર્ય રહેશે. બે કલાકમાં ૫૦-૫૦ માર્ક્સનાં પ્રશ્નપત્ર લેવાશે.

આ વર્ષે ધોરણ ૯અને ૧૧ ની પરીક્ષાપદ્ધતિમાં ફેરફાર કરાયા બાદ હવે આગામી વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર જાહેર કરાશે આ અંગે શિક્ષણબોર્ડના સંયુક્ત નિયામક બી એન રાજગોરે જણાવ્યું હતું કે ધોરણ ૯ અને ૧૧ની વિજ્ઞાન પ્રવાહની પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ,તેના માર્ક્સ,અને નમૂનાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક બોર્ડની વેબસાઈટ www.gseb .org ઉપરથી વિદ્યાર્થીઓને મળી રહેશે આ ધોરણ ૯ અને ૧૧ની બીજી અને વાર્ષિક પરીક્ષાના પરિરૂપ અને નમૂનાનાં પ્રશ્નો હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

You might also like