દિલ્હીમાં શાળાઓ પહેલીથી ૧૫, જાન્યુઆરી સુધી બંધ રહેશે

નવી દિલ્હી : તમામ સંબંધિત પક્ષકારો સાથે દિવસો સુધીના લંબાણપૂર્વકની ચર્ચા બાદ આખરે દિલ્હી સરકારે આગામી ૧લીથી ૧૫મી જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. કાર સહિતના વાહનો માટે એકી-બેકી નંબરની ફોર્મ્યુલાના અમલ દરમ્યાન વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય લેવાયો હતો.

ગઈકાલે નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે ૧લીથી ૧૫મી જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવા માટે સરકારને દરખાસ્ત મળી હતી. તેમણે જણાવ્યું હતું કે વધતા જતા પ્રદૂષણને લીધે બાળકોને સૌથી વધુ અસર થાય છે અને સરકાર તેમને સાંકળીને એકી-બેકી ફોર્મ્યુલાની નીતિ ઘડશે.
સિસોદિયાએ કહ્યું હતું,’અમને શાળાઓ (૧લીથી ૧૫મી જાન્યુઆરી સુધી) બંધ રાખવાની દરખાસ્ત મળી છે.

અમે તે દરખાસ્ત પર વિચારણા કરી રહ્યા છીએ અને જરૂર પડે સરકાર તમામ શાળાઓ માટે રજાઓ જાહે કરશે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે દર વર્ષે ડિસેમ્બરના છેલ્લાં અઠવાડિયાથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં શિયાળુ વેકેશન હોય છે. શિક્ષણ વિભાગ ૧લીથી ૧૫મી જાન્યુઆરી સુધી રજા જાહેર કરે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર થશે નહીં.

સિસોદિયાએ કહ્યું કે પ્રદૂષણના સ્તરમાં અચાનક થયેલા વધારા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે આચાર્યો અને શિક્ષકોએ ઝૂંબેશ ચલાવવી પડશે. બાળકો સૌથી મોટા હિસ્સેદારો છે કારણકે ૨૬ લાખ વિદ્યાર્થીઓ શાળાઓમાં ભણે છે અને એકી-બેકી ફોર્મ્યુલાની નીતિ તેમને સાંકળીને ઘડાશે.

દરમ્યાન, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એકી-બેકી યોજનાને લાગુ કરવા માટે વ્યૂહ નીતિ ઘડવા માટે તેમની કેબિનેટના તમામ મંત્રીઓ, સંબંધિત વિભાગો અને એજન્સીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

You might also like