શાપર-વેરાવળ નજીક હુમલાખોરોનાં ત્રણ રાઉન્ડ ફાયરિંગઃ છરીના ઘા પણ માર્યા

728_90

અમદાવાદ: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ નજીક ઢોલરાની સીમમાં આવેલી વાડીમાં સૂતેલા આધેડ પર બે અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયર કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ રાજકોટના મવડી પ્લોટ વિસ્તારની લાભદીપ સોસાયટીમાં રહેતા હંસરાજભાઇ ટીંબાભાઇ સખિયા (ઉં.વ.પ૦) શાપરના ઢોલરાની સીમમાં આવેલી પોતાની વાડીના પટમાં રાત્રીના સમયે સૂતા હતા.

દરમ્યાનમાં બે અજાણ્યા શખ્સ વાડીનો ડેલો કૂદી અંદર આવ્યા હતા. અજાણ્યા માણસો વાડીમાં ઘૂસતાં અવાજના કારણે હંસરાજભાઇ જાગી ગયા હતા. વાડીના રૂમની લાઇટ ચાલુ કરવા જતાં બે પૈકી એક શખ્સે પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા.

ફાયરિંગ કર્યા બાદ બંને શખ્સ હંસરાજભાઇની નજીક પહોંચી ગયા હતા અને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. અચાનક ફાયરિંગ અને છરીથી હુમલો થતાં હંસરાજભાઇએ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમાબૂમના પગલે બંને હુમલાખોરો નાસી ગયા હતા. અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.

હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હંસરાજભાઇને સૌપ્રથમ રાજકોટ અને બાદમાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનાના પગલે શાપર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસે બે અજાણ્યા શખ્સ સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે હંસરાજભાઇ પર લૂંટના ઇરાદે હુમલો કર્યો કે પછી અંગત અદાવતમાં કોઈ શખસો તેમની હત્યા કરવા આવ્યા હતા કે કેમ તે મુદ્દે તપાસ શરૂ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં ફાયરિંગ અને લૂંટના બનાવો બનતા રહે છે. મોડી રાતે વાડીમાં સૂતેલા હંસરાજભાઇ પર થયેલા હુમલાને લઇ ગ્રામ્ય એલસીબીની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અંગત અદાવતમાં પણ હુમલો કરાયાનો શંકા પોલીસે સેવી છે.

You might also like
728_90