કચ્છમાં પાકિસ્તાની બોટમાંથી બે ભારતીય બોટ પર ફાયરિંગ: એજન્સીઓ એલર્ટ

ભૂજ: કચ્છ નજીક આંતરરાષ્ટ્રીય સીમામાં બે બારતીય ફિશિંગ બોટ પર પાકિસ્તાની બોટમાંથી અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે મોડી સાંજે કચ્છના જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં ફરી રહેલી બે ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ભારતીય સુરક્ષા અધિકારીઓનો દાવો છે કે જે સમયે પાકિસ્તાનની બોટમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે બંને ભારતીય બોટ ભારતની જળસીમામાં જ હતી અને તેમણે કોઈ કાયદો તોડ્યો ન હતો. જખૌ પોર્ટથી લગભગ ૧પ૦ નોટિકલ માઈલ દૂર માછીમારોની બે બોટને નિશાન બનાવવામાં આવી હતી. ભારતીય ફિશિંગ બોટ પર પાકિસ્તાનના ફાયરિંગ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈ કાલે સાંજે અંધારું થઈ ગયા બાદ પાકિસ્તાનની પ્રાઈવેટ બોટમાંથી માછીમારી કરી રહેલી બે ભારતીય બોટ પર ગોળીઓ વરસાવવામાં આવી હતી. આ ફાયરિંગમાં હજુ સુધી જોકે કોઈને ઈજાઓ થઈ હોવાના અહેવાલો મળ્યા નથી.

ભારતીય સુરક્ષા એજન્સીઓએ એલર્ટ મોડ પર આવી જઈને કાર્યવાહી હાથ ધરી છે. કચ્છની સરહદે તમામ માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ અગાઉ પણ પાકિસ્તાને ઘણી વખત ભારતીય માછીમારોની બોટને નિશાન બનાવી તેમના પર ફાયરિંગ કર્યું છે. ગત ૩૦ નવેમ્બરે પાકિસ્તાને રર ભારતીય માછીમારોને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને માછીમારી તકવાના આરોપસર પકડ્યા હતા. પાકિસ્તાન મેરિટાઈમ સિક્યોરિટી એજન્સી (પીએમએસએ)ના કર્મચારીઓએ આ માછીમારોની ધરપકડ કરી હતી.

You might also like